આણંદમાં 20 ઇમરજન્સી કોલ બોકસ મૂકાશે, લોકો બટન દબાવી રોડ સહિતના પ્રશ્ને ફરિયાદ કરી શકશે

સાથે મળીને કામ,
એજ સુરક્ષા
કેન્દ્ર સરકાર દ્વારા નિર્ભયા સેફ સીટી અંતર્ગત મહિલા અને બાળકો સહિત સૌની સુરક્ષા માટે તેમજ તંત્રને લગતી ફરિયાદ માટે ઇમરજન્સી કોલ બોક્સનું આયોજન રાજ્યની દરેક મનપા દ્વારા કરાયું છે. જેના ભાગરૂપે મનપા દ્વારા શહેરમાં 20 જગ્યાએ ઇમરજન્સી કોલ બોકસ આગામી એક વર્ષમાં મુકવામાં આવનાર છે.
હાલમાં પ્રાયોગિક ધોરણે ઓમકારેશ્વર બાગ અને શાસ્રી બાગ ખાતે ઇમરજન્સી કોલ બોક્સ મુકવામાં આવ્યાં છે. જે મનપાને લગતી, અઘટિત ઘટના, અસામાજીક પ્રવૃતિ કે છેડતી સહિત તંત્રને લગતી ફરિયાદ જે તે સ્થળે ઉભા ઉભા એક બટન દબાવવાથી સીધી મનપા કંટ્રોલરૂમમાં પહોંચી જશે. જેના પરિણામે જે તે સ્થળે જરૂરીયાત હશે ત્યાં સીઆરસી વાન પહોંચીને પ્રશ્નનું નિરાકરણ લાવશે.
આણંદ મનપા દ્વારા નગરજનો પડતી મુશ્કેલીઓ માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયો છે. જેમાં દૈનિક સરેરાશ 10 ફરિયાદો આવે છે. તંત્ર દ્વારા 6 ફરિયાદોનો નિકાલ તાત્કાલિક કરવામાં આવે છે. જ્યારે કેટલીક ગંભીર સમસ્યાનો નિકાલ એકાદ બે દિવસમાં કરી દેવાય છે. જો કે ઇમરજન્સી કોલ બોકસમાં માત્ર મનપા નહીં પણ તમામ વિભાગને લગતી ફરિયાદો કરી શકાશે જેથી દૈનિક સંખ્યામાં ત્રણ ઘણો વધારો થશે તેમ જાણવા મળ્યું હતું.
- કયાં પ્રકારની ફરિયાદ કરી શકાશે
આ ઇમરજન્સી બોક્સ પર સાફ-સફાઇનોઅભાવ, રોડ અંગે, ગટર કે પાઇપ લાઇન લીકેજ કે આગ જેવી અન્ય સમસ્યાની ફરિયાદ કરી શકશો. આ ઉપરાંત શહેરના અર્બન હેલ્થ સેન્ટર, આંગણવાડી કે મનપા સંચાલિત શાળાને લગતી ફરિયાદ કરી શકાશે. શહેરના જનતાની સેફ્ટી અને હેલ્થને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી કોલ બોક્સ મુક્યાં છે. તેમજ છેડતી કે અસામાજિક પ્રવૃતિ જેવી ફરિયાદ પોલીસમાં ટ્રાન્સફર કરાશે. તેવી રીતે કોઇ અકસ્માત કે અચાનક જ કોઇ જાહેર માર્ગ પર બિમાર પડ્યાની ફરિયાદ મળશે તો સિવિલમાં ટ્રાન્સફર કરાશે. જ્યારે વહીવટીતંત્રને લગતી ફરિયાદો કલેક્ટરને કચેરીમાં ટ્રાન્સફર કરાશે.
- ફરિયાદ નિવારણ માટે મનપાના કંટ્રોલરૂમમાં 8 લોકો ફરજ પર તૈનાત
કરમસદ-આણંદ મનપાના ડેપ્યુટી કમિશ્નર નિલક્ષ મકવાણાએ જણાવ્યું હતું કે નિર્ભયા સેફ સીટી અંતર્ગત ઇમરજન્સી કોલ બોક્સ શહેરમાં મુકવામાં આવી રહ્યાં છે. પ્રાયોગિક ધોરણે ત્રણ જગ્યાએ મુકવામાં આવ્યાં છે. ઇમરજન્સી કોલ બોક્સમાં બટન દબાવાથી સીધી ફરિયાદ વિડીયો કોલ થકી મનપા કંટ્રોલરૂમમાં પહોંચી જશે. જે કંટ્રોલ રૂમમાં હાલ ચાર પીસી મુકવામાં આવ્યાં છે. જેમાં 24 કલાક સ્ટાફ તૈનાત રાખવામાં આવશે. હાલમાં 8 લોકોનો સ્ટાફ છે. ઇમરજન્સી કોલ પર ફરિયાદ મળતાં જો મનપાને લગતી હશે તો તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે.
- શૈક્ષણિક ધામ વિદ્યાનગરમાં ઇમરજન્સી કોલ બોક્સ વધુ મુકાશે
વિદ્યાનગર શાળા-કોલેજ અને હોસ્ટેલ મળીને 150થી વધુ જગ્યા પર 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ રહે છે. ત્યારે વિદ્યાર્થીનાઓ અને વિદ્યાર્થીઓ સેફટીને ધ્યાને લઇને મોટાભાગના માર્ગો પર ઇમરજન્સી કોલ બોક્સ મુકાશે. કારણે કે વિદ્યાનગરમાં મોડી રાત સુધી વિદ્યાર્થીઓ બહાર ફરતા હોય છે. ક્યારેક વિદ્યાર્થીની કે વિદ્યાર્થી સાથે અઘટિત ઘટના બનતી હોય છે. તેમજ અસામજિક પ્રવૃતિઓ થાય તેવા સંજોગોને ધ્યાને લઇ વિદ્યાનગરમાં સૌથી વધુ બોક્સ મુકવામાં આવશે.




