હવે એરપોર્ટ પર માથાકૂટ કરશો તો મુશ્કેલીમાં મુકાશો:

- ઓફિસર્સને બોડી વોર્ન કેમેરા અપાયા; અધિકારીઓનું ખરાબ વર્તન કે મુસાફરની દાદાગીરી બધું જ રેકોર્ડ થશે
“સાહેબ, આ 20 શૂટ તો હું મારા પર્સનલ યુઝ માટે લાવ્યો છું.”
“દારૂની બોટલ તો એરપોર્ટ પરથી જ ખરીદી તેના પર પણ ટેક્સ?”
“બેગમાં કંઇ નથી, તમે હેરાન કેમ કરો છો?'”

આ એવા કિસ્સાઓ છે જે સામાન્ય રીતે એરપોર્ટ પર મુસાફરો અને કસ્ટમ અધિકારીઓ-કર્મચારીઓ સાથે રોજબરોજ બનતા હોય છે. જેમાં ઘણીવાર અધિકારી પર ખરાબ વર્તન કર્યાનો અને પૈસા માગ્યાનો આરોપ પણ લાગે છે. બીજીતરફ કેટલાક મુસાફરો અધિકારી સાથે ખરાબ વર્તન કરતા હોય છે, તેમના કામમાં અડચણ પણ ઊભી કરતા હોય છે.
આવી પરિસ્થિતિમાં કોણ સાચું અને કોણ ખોટું તે જાણવું મુશ્કેલ બની જાય છે પરંતુ હવે એવું નહીં થાય કારણ કે હવે કસ્ટમ અધિકારીઓ પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થયા છે. આ કેમેરા વિઝનથી લઇને ક્લિયર વોઇસ સુધી બધું જરેકોર્ડ કરી લેશે. દિવ્ય ભાસ્કરે કસ્ટમ્સ કમિશનર શિવકુમાર શર્મા પાસેથી આ અંગે માહિતી મેળવી હતી.
થોડા સમય પહેલાં અમદાવાદમાં એક મહિલા અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે થયેલી માથાકૂટનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં પહેલા પોલીસકર્મીએ મહિલાને માર માર્યાનો વીડિયો વાયરલ થયો હતો. જેથી ઘણો વિવાદ થયો કે પોલીસકર્મી મહિલાને આવી રીતે કેમ મારી શકે?
જો કે પોલીસકર્મીના બોડી વોર્ન કેમેરાના ફૂટેજ સામે આવ્યા તો સિક્કાની બીજી બાજુ પણ લોકોએ જોઇ. જેમાં મહિલા પોલીસકર્મીનું આઇકાર્ડ ફેંકતી અને બેફામ ગાળો બોલતીનજરે પડી હતી. આ ઘટનાના વીડિયોએ ભારે ચકચાર જગાવી હતી. કાયદાની રૂએ જો કોઇ પોલીસ કર્મચારી દસ્તાવેજ માગે તો તે રજૂ કરવા નાગરિકની ફરજ છે. હા, એ વાત પણ સત્ય છે કે મહિલા તો ઠીક પરંતુ ગુનેગાર સાથે પણ હાથ ચાલાકી કરવાની કોઇ કાયદામાં મંજૂરી આપવામાં નથી આવતી.

- લોકો સાથે ડિલ કરતાં દરેક વિભાગમાં ઘર્ષણ થાય છે
લોકોનું ઘર્ષણ માત્ર પોલીસ સાથે જ થાય છે તેવું નથી. પબ્લિક સાથે ડિલ કરતા દરેક વિભાગમાં આવા ઘર્ષણ બને છે. બહારથી આવતા વિદેશી લોકો કે ભારતીય નાગરિકો તરફથી પણ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓ સાથે ઘર્ષણના કિસ્સાઓ બનતા હોય છે. આવા સમયે હકીકત શું છે તે જાણવું ઉચ્ચ અધિકારીઓ માટે મુશ્કેલ થઇ જાય છે.
સામાન જ્યારે એક્સ-રે મશીનમાંથી પસાર થાય એટલે તુરંત જ મશીન તેમાં કંઇક પ્રતિબંધિત વસ્તુ હોવાની જાણકારી આપે છે. જેથી કસ્ટમ્સ ઓફિસર તે શું છે તેવું પૂછે અથવા તો સામાન ખોલીને બતાવવાનું કહે છે. જેના પછી મોટાભાગના કિસ્સાઓમાં માથાકૂટ શરૂ થઇ જાય છે કે, “તેમાં કંઇ નથી, તમે ખોટા હેરાન કરો છો” વગેરે પ્રકારના આક્ષેપો મુસાફરો તરફથી કરવામાં આવે છે.’
એરપોર્ટ પર લગાવાયેલા સીસીટીવી કેમેરામાં વર્તણૂક તો દેખાઇ આવે છે પરંતુ તેમાં બન્ને વચ્ચે શું સંવાદ થયો તે સ્પષ્ટ થતું નથી. જેના કારણે ઘણીવાર કોનો વાંક છે તે સમજી શકાતું નથી.
- દિવ્ય ભાસ્કરે કસ્ટમ સ્ટાફ સાથે વાત કરીને એરપોર્ટ પર રોજબરોજ ઘટતા અટપટા કિસ્સાઓ જાણ્યા હતા.

- ઘણીવાર તો વિદેશથી ડ્રોન કેમેરા લઈને આવનારા મુસાફરો સાથે પણ માથાકૂટ થતી હોય છે.

- વિદેશી દારૂની બોટલો લઈને આવનારા મુસાફરો સાથે પણ ઘર્ષણ થતું હોય છે.

આ જ રીતે કેટલાક લોકો કોમર્શિયલ ક્વોન્ટિટીમાં વસ્તુ લાવે છે અને પર્સનલ યુઝ માટે લાવ્યા હોવાનું જણાવે છે પરંતુ દેશના નિયમ મુજબ ડ્યૂટી લાગતી હોવાથી તેમાં પણ કેટલાક મુસાફરો સાથે રકઝક થતી હોય છે.

25 જેટલા કસ્ટમ્સ ઓફિસર્સને અપાયા બોડી વોર્ન કેમેરા
આવી અનેક સમસ્યાનો નિવેડો લાવવા હવે કસ્ટમ્સ વિભાગ તરફથી અમદાવાદ તથા સુરત એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા 25 જેટલા કસ્ટમ્સ અધિકારીઓને બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં મુસાફર અને કસ્ટમ કર્મચારી-અધિકારી વચ્ચે શું વાતચીત થઇ તે પણ સ્પષ્ટ સંભળાય છે.

કોની ભૂલ છે તેની ખબર પડી જશે પૈસા માગ્યા, અપશબ્દો બોલ્યા વગેરે જેવી સ્ટાફની વર્તણૂકમાં કોઇપણ ફરિયાદ આવે તો તે વીડિયોમાં જોઇ શકાય છે. જેથી એ ખબર પડી જશે કે કોની ભૂલ છે. જો નાગરિક પોતાની ગરિમા ભૂલી વર્દીનું અપમાન કરે, અધિકારીના કામમાં અડચણ ઊભી કરે અથવા ખોટા આરોપો લગાવે તો તે પણ પુરાવા તરીકે કેમેરામાં રેકોર્ડ થઇ જશે.

કસ્ટમ્સ કમિશનર શિવકુમાર શર્મા કહે છે કે, કસ્ટમ્સના જેટલા પણ અધિકારી છે અને એરપોર્ટ પર ફરજ બજાવે છે અથવા જેઓ પેસેન્જરના સંપર્કમાં આવે છે. તેમને આ કેમેરા અપાયા છે. ભૂતકાળમાં એવા બનાવો બન્યા છે જેમાં પેસેન્જરનું કહેવું હતું કે સ્ટાફની વર્તણૂક સંતોષકારક ન હતી. તેની સામે સ્ટાફ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અમારા તરફથી કોઇ ઇશ્યૂ નહોતો. જો કે બોડી વોર્ન કેમેરા લગાવવાથી હવે આવા ઇશ્યૂનો તુરંત નિવેડો આવી જશે.
વધુમાં તેઓ જણાવે છે કે, મુસાફર કહે છે કે સ્ટાફે ઊંચા અવાજે વાત કરી પણ ઘણીવાર તમે નોર્મલ વાત કરતા હોવ પણ પેસેન્જરને સારું ના લાગે પણ કેમેરા લગાવ્યા બાદ ઓફિસર પણ સતર્ક રહેશે અને આવા ઇશ્યૂ દૂર થઇ જશે.
- કેમેરાનું સ્ટોરેજ 30 દિવસ સુધી તો રહેશે જ.

- કસ્ટમ અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ અપાય છે
વિદેશથી આવતા મુસાફરો મનમાં દેશની ખોટી છાપ લઇને ના જાય તે હેતુસર કસ્ટમ વિભાગ દ્વારા દર વર્ષે એરપોર્ટ પર ફરજ બજાવતા દરેક કર્મચારી-અધિકારીને મુસાફર સાથે કેવી રીતે વાત કરવી ત્યાંથી માંડીને તેમને મદદરૂપ થવાની તાલીમ આપવામાં આવે છે. છતાં કોઇક વાર મુસાફરો સાથે કોઇ ઇશ્યૂ ઊભો થાય ત્યારે બોડી વોર્ન કેમેરાના ફૂટેજથી સત્ય સામે આવી જશે.
આમ ટેકનોલોજીનો આ ઉપયોગ માત્ર કસ્ટમ્સ વિભાગની છબિ જ નહીં સુધારે પણ પ્રમાણિક મુસાફરો માટે એરપોર્ટ પરનો અનુભવ વધુ સરળ બનાવશે.




