રૂપિયા ફેંકો, ધોરણ 10-12ની પરીક્ષા આપો, પાસ થવાની ફૂલ ગેરંટી:સ્કૂલ-ટ્યુશન જવાનું નહીં, ઓપન સ્કૂલિંગના નામે ગુજરાતમાં ચાલતા રેકેટનો હિડન કેમેરા પર પર્દાફાશ

“અમે ચાલુ પરીક્ષામાં 80થી 90 માર્ક્સના જવાબ લખાવવા માટે આવીશું. સ્ટુડન્ટે લખવું તો પડશે જ કેમ કે અમે જવાબ લખવાના તો પૈસા લઈએ છીએ. છોકરો પરીક્ષામાં 45 માર્કસ લાવે એટલે પાસ. સ્ક્વોડ આવે તો ચિંતા નહીં કરવાની, અમારો સ્ટાફ અંદર જ હોય છે.”
આ શબ્દો છે એવા સેટિંગબાજ લોકોના જેઓ રૂપિયા લઈને 10મા અને 12મા ધોરણની પરીક્ષા પાસ કરાવી આપવાની ગેરંટી આપે છે. ન એક પણ દિવસ સ્કૂલે જવાની જરૂર છે, ન ટ્યૂશનની જરૂર, ન તો આખું વર્ષ હોમવર્ક કરવું પડે. ગુજરાતમાં ક્યાંય પણ મનપસંદ સેન્ટર પસંદ કરો, પરીક્ષા આપવા જાઓ અને 45 દિવસમાં પરિણામ… પાસ.
ખરેખરમાં તો બોર્ડની પરીક્ષાનો બોજ માત્ર વિદ્યાર્થી પર નથી હોતો, વાલીઓ પર પણ હોય છે. આખો વર્ષ સ્કૂલ, ટ્યૂશન, ત્યાર બાદ ઘરે થતાં રાત ઉજાગરા… ત્યારે કોઈ વિદ્યાર્થી સારા માર્ક્સ મેળવી શકે છે. પણ દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં કેમેરા સામે એવા ભેજાબાજ લોકો ખુલ્લા પડ્યા છે જેઓ શૈક્ષણિક વ્યવસ્થાની ઘોર ખોદવા બેઠાં છે.
દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમને જાણકારી મળી હતી કે ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઓપન સ્કૂલિંગના નામે એવા સેન્ટર ખૂલ્યા છે જેઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરાવી આપવાની ગેરંટી આપી છે. એટલે આવા સેન્ટરો ચલાવતા લોકોનું અમે સ્ટિંગ ઓપરેશન કર્યું.
પહેલાં સમજી જાણી લો કે ઓપન સ્કૂલનો કોન્સેપ્ટ શું છે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ આવે છે. જે ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આયોજન કરે છે. જો NIOS મારફતે પરીક્ષા આપો તો એની યોગ્યતા ગુજરાત શિક્ષણ બોર્ડ તેમજ CBSE જેટલી જ ગણવામાં આવે છે. એટલે જ આ પરીક્ષા પાસ કર્યા પછી દેશની કોઈપણ સ્કૂલ કે કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો.
NIOSના નિયમ પ્રમાણે ધોરણ 10ની પરીક્ષા આપનાર પુરુષ ઉમેદવારે 1800 રૂપિયા અને મહિલા ઉમેદવાર માટે 1450 રૂપિયા ફી લેવામાં આવે છે. પરંતુ દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે વડોદરા અને અમદાવાદના સેન્ટર્સ પર પહોંચી તો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો.
આ ઇન્વેસ્ટિગેશનની શરૂઆત સોશિયલ મીડિયા પરથી મળેલી એક જાહેરાતથી થઈ. જેમાં લખ્યું હતું…NIOSમાં એડમિશન લેવાની છેલ્લી તક. ધોરણ 10-12મા નાપાસ થયેલા કોઈપણ વિદ્યાર્થી માટે પરીક્ષાનું આયોજન થશે. તમારું અમૂલ્ય વર્ષ બચાવો. આ સાથે જ મોબાઇલ નંબર પણ આપવામાં આવ્યો હતો. તેમજ પાસ થવાનું ગેરંટી પણ આપવામાં આવી હતી.

પહેલાં મોબાઇલ પર વાત અને પછી રૂબરૂ મુલાકાત અમે મોબાઇલ નંબર પર ફોન કર્યો તો એક મહિલા સાથે અમારી વાતચીત થઈ. ત્યારે અમે એક વિદ્યાર્થીના મોટાભાઈની ઓળખ આપી. ટેલિફોનિક વાતચીત દરમિયાન પરીક્ષા ક્યારે લેવાશે? શું ડોક્યુમેન્ટ જોઈશે? વગેરે માહિતી આપવામાં આવી. પરંતુ પૂછપરછ દરમિયાન જ્યારે પરીક્ષાની ફી અંગે અમે સવાલ કર્યો તો એક નવા પ્રકરણનો પર્દાફાશ થયો. પુરુષ ઉમેદવાર માટે 1800 રૂપિયા ફી છે પરંતુ અમને કહેવામાં આવ્યું કે 12 હજાર 500 રૂપિયા આપવા પડશે.
આટલી અધધ ફી લેવા પાછળનું કારણ સમજવાતા ફોન પર વાત કરનાર મહિલાએ વિદ્યાર્થીને પરીક્ષામાં સેટિંગ કરાવી આપવાની અને ગેરંટી સાથે પાસ કરાવી દેવાનો દાવો કર્યો.
ફોન પર વાતચીતના અંતમાં મહિલાએ અમને સરનામું મોકલી આપ્યું અને રૂબરૂ મળવા આવવા માટે કહ્યું. આ ઉપરાંત તેમણે અમને મોબાઇલ પર લોકેશન પણ મોકલી આપ્યું.
જ્યારે દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમ વડોદરાના સેન્ટર પર પહોંચી… અમે વડોદરામાં આવેલા NIOSના સેન્ટર પર પહોંચ્યા. કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આ સેન્ટર આવેલું હતું. બહાર NIOSના આકર્ષક લખાણવાળા બોર્ડ મારેલા હતા. કાચનો દરવાજો ખોલતા જ સામે રિસેપ્શન હતું. જ્યાં એક યુવતી બેઠી હતી. અમે વિદ્યાર્થીના ભાઈ તરીકે ઓળખાણ આપી અને પરીક્ષાની પૂછપરછ માટે આવ્યા હોવાનું કહ્યું. અગાઉ ફોન પર વાત થઈ હોવાનું પણ અમે જણાવ્યું. એટલે નામ અને મોબાઇલ નંબર લેપટોપમાં નોંધીને થોડીવાર માટે વેઇટિંગમાં બેસાડવામાં આવ્યા.

અમને રાહ જોવા માટેનું કહીને રિસેપ્શન પર બેસેલી યુવતી મોબાઇલ ફોન પર વાત કરતી-કરતી NIOS સેન્ટરની અંદર બનાવેલી એક ઓફિસમાં જતી રહી. માંડ એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં આ યુવતી બહાર આવી અને ઓફિસની અંદર બેસેલા એક મેડમને મળી આવવા કહ્યું. અમે ઓફિસમાં પ્રવેશ્યા.
એક યુવતી ટેબલ ખુરસી નાખીને બેઠી હતી. પરંતુ ટેબલ પર ન કોમ્પ્યુટર, લેપટોપ કે પછી અન્ય મોટી સામગ્રી જોવા મળી. માત્ર બે-ચાર કાગળ પડ્યા હતા. અમારી વાતચીત શરૂ થઈ. એ યુવતીએ પોતાની ઓળખ શ્રદ્ધા મેડમ તરીકે આપી.

દિવ્ય ભાસ્કરના રિપોર્ટર અને સેન્ટર સંચાલકની વાતચીતના અંશો વાંચો…
શ્રદ્ધા: બોલો શું થયું? રિપોર્ટર: મારા નાના ભાઈને 10મા ધોરણની પરીક્ષા અપાવવી છે.
શ્રદ્ધા: ક્યાંથી છો? રિપોર્ટર: વાઘોડિયાથી જ છું.
શ્રદ્ધા: અત્યારે હાલમાં શું કરે છે? રિપોર્ટર: કાંઈ નથી કરતો. 10મા ધોરણમાં 2 વખત નપાસ થયો છે. 4-4 વિષયમાં.
શ્રદ્ધા: કાંઈ વાંધો નહીં, અહીંયાંથી બધા વિષયની પરીક્ષા આપી હશે તો અપાશે અને 2021 પછીનું રિઝલ્ટ હશે તો 4 વિષય કરવા હશે તો એ પણ થશે.
રિપોર્ટર: અમારે તો બધા જ વિષયની પરીક્ષા અપાવવી છે. શ્રદ્ધા: ઓકે, તો થઈ જશે, પણ અહીંયાં ફી થાય છે. એમાં એવું હોય કે પરીક્ષા આપવા એને જવું પડે. આપણે કોઈ તૈયારી નથી કરવાની. પરંતુ અમે જેટલું આપીએ એટલું એણે લખવું પડશે. જેમ કે 3 વિષયનું પ્રેક્ટિકલ આવશે. પ્રેક્ટિકલ આપવા સ્કૂલમાં જવું પડશે. અમે એડવાન્સ જ મોકલી આપીશું. એટલે લખીને રેડી કરીને જવાનું છે.
રિપોર્ટર: એટલે તમે પેપર જ એડવાન્સ આપી દેશો? શ્રદ્ધા: હા…PDF મોકલી જ આપીશું. એ લખીને રેડી કરીને રાખવાનું છે. હોલટિકિટ આપશે એ પ્રમાણે ત્યાં બુક્સ પણ સબમિટ કરવાની છે અને અડધો-પોણો કલાકની પરીક્ષા પણ આપવાની છે.
રિપોર્ટર: એટલે ત્યાં જઈને લખવાનું? શ્રદ્ધા: હા… અડધો કલાકની પરીક્ષા હશે. એટલે બે પેજ જેવું એમાં આન્સર લખવાના આવશે. ત્યાં પણ અમારો સપોર્ટ રહેશે એટલે વાંધો નહીં આવે. પણ ફરજિયાત પરીક્ષા આપવા તો જવું જ પડશે. પછી થિયરીની પરીક્ષા આવશે. એમાં અમારો સ્ટાફ અવેલેબલ હશે, આન્સર શીટ આવી જ જશે એના ટેબલ પર. બસ જોઈને લખવાનું છે. આ રીતે અમારા સપોર્ટથી તમારે પાસ થવું હોય તો 22 હજાર રૂપિયા ફી છે અને 500 રૂપિયા એડમિશન ફીના થશે. તમારે તબક્કાવાર પેમેન્ટ કરવાનું રહેશે. એમાં સૌથી પહેલાં 10 હજાર પછી 5 હજાર અને પછી 7 હજાર આપી શકો છો.

રિપોર્ટર: અમે તો એકસાથે ફૂલ પેમેન્ટ કરી શકીએ છીએ. શ્રદ્ધા: તો 20 હજાર ફી થશે અને 500 રૂપિયા ફોર્મ રજિસ્ટ્રેશન ફીના થશે.
રિપોર્ટર: આમાં પાસ થવાની ગેરંટી ખરી? શ્રદ્ધા: પાસ થવાની ગેરંટી ન હોય, ત્યાં લખવાનું મળે એ ગેરંટી છે. એને ત્યાં લખવાનું ભરપૂર મળશે. વડોદરામાં આવેલા સેન્ટર પરથી અમને NIOSની પરીક્ષામાં કેવી ગોલમાલ થાય છે એ જાણવા મળ્યું. પરંતુ હજુ બે મોટા પ્રશ્નોના જવાબ શોધવાના બાકી હતા.
- અમારે એ જાણવું હતું કે શું આવી ગેરરીતિ એક જ સેન્ટર કે શહેરમાં ચાલે છે કે પછી અલગ-અલગ શહેરમાં પણ આવું જ નેટવર્ક ફેલાયેલું છે?
- જો ઓન ડિમાન્ડ પરીક્ષા આપવી હોય તો એમાં કેવું સેટિંગ કરાવી આપવામાં આવે છે?
આ સવાલોના જવાબની શોધમાં અમને અમદાવાદના એક સેન્ટરનું સરનામું મળ્યું. જ્યાં બેસેલા એજન્ટો કોઈપણ જાતનો ડર કે શરમ રાખ્યા વગર પોતાના મોઢે જ શિક્ષણને કેવી રીતે ધંધો બનીવી દીધો છે એના દાવા કરી રહ્યા છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રિંગરોડ પર બનેલા એક કોમ્પ્લેક્સમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગનું સેન્ટર આવેલું છે. આખું નેટવર્ક કેવી રીતે ચાલે છે? તેને ઉજાગર કરવા માટે સ્ટિંગ ઓપરેશન કર્યું. એ માટે અમે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં NIOSના સેન્ટર પર પહોંચ્યા.
આ સેન્ટર એક એવા કોમ્પ્લેક્સમાં ચાલી રહ્યું છે જ્યાં બિલ્ડીંગમાં ઘણા બધા સ્પા સેન્ટર ચાલે છે. ચાર માળની બિલ્ડીંગના ત્રીજા માળે અમે પહોંચ્યા.
એક તરફ NIOSનું બોર્ડ, બાજુમાં સ્પાનું બોર્ડ અને તેની પાસે જ ગંદકીથી ખદબદતી કચરાપેટી. થોડા આગળ વધ્યા તો કાચનો મોટો દરવાજો દેખાયો જેના પર NIOS દ્વારા લેવાતી પરીક્ષા વિશે આકર્ષક રીતે લખ્યું હતું. તેમજ આ સેન્ટરમાં માર્ગદર્શન આપતું હોવાનો દાવો હતો.

અંદર અમે પહોંચીને જોયું કે અહીંયાં આવતા લોકોને પ્રાથમિક જાણકારી આપવા માટે એક યુવતી રિસેપ્શન પર બેઠી હતી. અમે યુવતી પાસે જઈને વિદ્યાર્થીના ભાઈ તરીકે ઓળખ આપી અને સેન્ટર પર આવવાનું કારણ જણાવ્યું. કેટલીક ડિટેલ્સ લીધા બાદ અમને થોડીવાર માટે સોફા પર બેસવા માટે કહ્યું. અમે ત્યાં પહોંચ્યા એ પહેલાં જ બેથી ત્રણ વિદ્યાર્થીઓ પૂછપરછ માટે આવ્યા હતા.
લગભગ ત્રણેક મિનિટ રાહ જોયા પછી રિસેપ્શન પર બેસેલી યુવતી અમને એક નંબરની ઓફિસમાં જવા માટે કહ્યું. આ ઓફિસમાં અન્ય એક યુવતી બેઠી હતી. ટેબલ પર લેપટોપ, કોમ્પ્યુટર કે અન્ય કોઈ સાહિત્ય કે સામગ્રી ન હતી. બસ તેમના હાથમાં મોબાઇલ ફોન હતો. યુવતીએ પોતાની ઓળખ “સલોની મેમ” તરીકે આપી.

ઓફિસમાં ઘૂસતા જ ખુરસી પર બેસતા પહેલાં સવાલ-જવાબ શરૂ થઈ ગયા.
સલોની, સેન્ટર સંચાલક: કોને પરીક્ષા આપવાની છે? રિપોર્ટર: મારા ભાઈને.
સલોની, સેન્ટર સંચાલક: કયા ધોરણની આપવાની છે? રિપોર્ટર: 10માની
સલોની, સેન્ટર સંચાલક: તે ફેઈલ થયો છે? રિપોર્ટર: હા, ગયા વર્ષે ધોરણ 10મા ધોરણમાં 4 વિષયમાં ફેઈલ થયો છે.
સલોની, સેન્ટર સંચાલક: અમારે NIOS બોર્ડ છે. તમે વડોદરાથી ફોર્મ ભરશો તો તમારું પરીક્ષા સેન્ટર પણ વડોદરા જ આવશે. અમે આન્સર કી લખવા માટે આપીશું. 80થી 90 માર્ક્સનું પ્રોવાઇડ કરીશું. અમે આન્સર કી આપવાની ગેરન્ટી આપીશું. પણ લખવાનું વિદ્યાર્થીએ જ હોય છે. ઝડપી લખશે તો પાસ થઈ જ જશે.

રિપોર્ટર: પાસ થવા માટે કેટલા માર્કસ જોઈએ? સલોની, સેન્ટર સંચાલક: આમાં 45 માર્કસ.
રિપોર્ટર: આટલા બધા? ગુજરાત બોર્ડમાં તો 33 માર્ક્સે પાસ હોય છે. સલોની, સેન્ટર સંચાલક: હા… અનુકમાં 33 અને અમુકમાં 35 માર્ક્સે પાસ હોય છે. આમાં પણ કદાચ 35 માર્ક્સે પાસ થઈ જ જાય છે પણ 45 તો આવી જ જવાના.
રિપોર્ટર: પરીક્ષા આપવા માટે ક્યાં જવાનું રહેશે? સલોની, સેન્ટર સંચાલક: એનું સેન્ટર નડીયાદ હશે. અમે પણ નડીયાદ જ પ્રોવાઇડ કરીએ છીએ. અમદાવાદમાં એક્ઝામ સેન્ટર નથી, એટલે વિદ્યાર્થીએ નડિયાદ જ જવું પડશે. અમે 80થી 90 માર્ક્સનું આપીશું, સ્ટુડન્ટે જોઈ-જોઈને લખવાનું રહેશે. જો લખશે તો પાસ થશે જ. પછી સ્ટુડન્ટ ફેઇલ થાય અને એવું કહે કે તમે પૈસે શેના લો છો? અમે આન્સર કી આપવાના પૈસા લઈએ છીએ, સેટીંગ કરવાના.
રિપોર્ટર: જો કદાચ કોઈ ચેકિંગમાં આવી જાય તો, સ્ક્વોડ આવે તો? સલોની, સેન્ટર સંચાલક: આવે છે. પણ અમારો સ્ટાફ ત્યાં હોય જ છે હેલ્પ કરવા માટે. આન્સર કી લખવા આપીશું અને બે કલાકનો સમય પણ આપીશું. વિદ્યાર્થીએ ઝડપી અને વ્યવસ્થિત લખવાનું જ રહેશે.
સલોનીએ અમને કહ્યું, પરીક્ષા પહેલાં તમને હોલ ટિકિટ અને આઇડી કાર્ડ અહીંયાંથી જ આપવામાં આવશે. તેની પ્રિન્ટ કાઢીને એક્ઝામ સેન્ટર પર લઈ જવાનું રહેશે. પરીક્ષાના 45 દિવસ પછી ઓનલાઈન રિઝલ્ટ આવી જશે અને ત્યાર બાદ તમને હાર્ડકોપી પણ મળશે.
આમ, સંચાલક તો જાણે પરીક્ષામાં ચાલતી ગેરરીતિ વિશે જાણે ગર્વ લેતી હોય એવી રીતે ઘણી બધી માહિતી અમને આપી. છતાં પણ હજુ અમારા કેટલાક સવાલો બાકી હતી. થોડી આમતોમ વાતચીત કર્યા બાદ અમે આ કૌભાંડ કઈ હદે ચાલે છે એ જાણવા વધુ જાણકારી મેળવવાનો સવાલ કર્યો.
રિપોર્ટર: પરીક્ષા ક્યારે લેવાશે? સલોની, સેન્ટર સંચાલક: સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવશે.
રિપોર્ટર: પાસ થઈ ગયા પછી એને 11મુ ધોરણ રેગ્યુલર ભણવું હોય તો ભણી શકશે? સલોની, સેન્ટર સંચાલક: હા.. પણ આ વર્ષે નહીં આવતા વર્ષે. ઓક્ટોબરમાં પરીક્ષા હશે એટલે 2027માં 11મુ ભણી શકશે.
રિપોર્ટર: કેટલી ફી છે? સલોની, સેન્ટર સંચાલક: અત્યારે એડમિશન લેવું હોય તો 12 હજાર 500 રૂપિયા ફી છે.
રિપોર્ટર: અને લખાવવાના સેટિંગવાળુ? સલોની, સેન્ટર સંચાલક: એ બધું આમાં જ આવી ગયું.
રિપોર્ટર: આટલી ફી એક પેપરની કે તમામ વિષયની પરીક્ષાની? સલોની, સેન્ટર સંચાલક: પાંચ પેપર આવશે અને પાંચે પાંચ દિવસ ત્યાં જવાનું રહેશે. તમે એક સાથે પેમેન્ટ કરો તો 12 હજાર 500 અને EMI કરવું હોય તો 15 હજાર 500 થાય. એમાં સાડા પાંચ હજારનો પહેલો હપ્તો આવો.
રિપોર્ટર: પરીક્ષા છેક ઓક્ટોબર મહિનામાં કેમ? અત્યારે એપ્રિલ-મે મહિનામાં લેવાય છે ને, મેં ઓનલાઇન જોયું હતું? સલોની, સેન્ટર સંચાલક: ફેબ્રુઆરી-માર્ચમાં આવે છે. એને ઓન ડિમાન્ડ એક્ઝામ કહેવા છે.
રિપોર્ટર: એમાં ફોર્મ ન ભરી શકાય? સલોની, સેન્ટર સંચાલક: એમાં એક વિષયની ફી 15 હજાર રૂપિયા હોય છે અને એના ફોર્મ પણ ક્લોઝ થઈ ગયા છે.
રિપોર્ટર: તો એમાં કાંઈ થાય એવું નથી? સલોની, સેન્ટર સંચાલક: જો તેમાં પરીક્ષા આપવી હોય તો હું સેટિંગ કરીને લિંક ઓપન કરાવી શકું છું, પણ તેના માટે એક વિષયના 15,000 રૂપિયા આપવા પડશે.
રિપોર્ટર: એમાં કાંઈ વ્યાજબી ન થઈ શકે? સલોની, સેન્ટર સંચાલક: ના સર… એમાં કાંઈ ન થાય.12,500 રૂપિયા ફી જ અત્યારે ઓછી છે. બાકી ગયા વર્ષે 17,500 ફી હતી.
સલોનીએ અમને વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ વ્હોટ્સએપ મારફતે મોકલવા કહ્યું હતું. એટલે થોડા સમયમાં ડોક્યુમેન્ટ આપી દેવાનું બહારનું કરીને અમે ત્યાંથી નીકળી ગયા.
લોકો બોર્ડને બદલે NIOSમાં પરીક્ષા કેમ આપે? NIOSનો ઉદ્દેશ એવા લોકો માટે પરીક્ષાનું આયોજન કરવાનો હોય છે તેઓ રેગ્યુલર સ્કૂલ જવા નથી માગતા અથવા તો એવા લોકો જેમનો અભ્યાસ કોઈક કારણોસર છૂટી ગયો હોય. જેમ કે કોઈ વ્યક્તિએ પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તો તે મોટી ઉંંમરે પણ સ્કૂલે ગયા વગર સીધો જ 10મા ધોરણની પરીક્ષા આપી શકે છે. જો કોઈએ ધોરણ 10 પછી અભ્યાસ છોડી દીધો હોય તો 12મા ધોરણની પરીક્ષા પણ NIOS મારફતે આપી શકાય છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા સામાન્ય રીતે વર્ષમાં ત્રણ વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પૂરી થાય તેના લગભગ એકાદ મહિના પછી એટલે કે એપ્રિલ-મે માહિનામાં તથા ઓક્ટોબર-નવેમ્બરમાં આ પરીક્ષા લેવાય છે. આ ઉપરાંત વર્ષમાં એક વખત પરીક્ષાર્થીઓની સંખ્યાના આધારે ઓન ડિમાન્ડ પરીક્ષાનું પણ આયોજન થાય છે.

ગુજરાતમાં NIOSની મુખ્ય ઓફિસ ગાંધીનગરમાં આવેલી છે અને રાજ્યભરમાં અલગ-અલગ શહેરોમાં તેના સેન્ટર પણ છે. NIOSની સત્તાવાર વેબસાઇટ પરથી મળેલી જાણકારી પ્રમાણે ગુજરાતના 32 જિલ્લામાં કુલ 410 સેન્ટર આવેલા છે. જેમાં સૌથી વધુ સેન્ટર વડોદરા 31 અને અમદાવાદમાં 25 સેન્ટર આવેલા છે. આ ઉપરાંત સુરત, રાજકોટ, આણંદમાં પણ ઘણા સેન્ટર છે. જો કે શિક્ષણના સત્કાર્યની ઓથ હેઠળ શરૂ થયેલા આમાંના ઘણા સેન્ટરો રૂપિયા છાપવાનું અને ગેરરીતિનું એપી સેન્ટર બની ગયા છે.

પહેલાં વડોદરા અને ત્યાર બાદ અમદાવાદ, એમ બન્ને સેન્ટરના સ્ટિંગ ઓપરેશનમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે NIOSની પરીક્ષા નામે મોટાપાયે ગેરરીતિ ચાલી રહી છે અને બેફામ રીતે વિદ્યાર્થીઓ પાસેથી હજારો રૂપિયા વસૂલાઈ રહ્યા છે.

