રૂમ સર્વિસના નામે પોલીસે રેડ પાડી: થાઇલેન્ડમાં બંધક બે ભારતીયને ગુજરાતી વેપારીએ બચાવ્યા, ભાસ્કરને દિલધડક ઓપરેશનની વાત કહી

થાઇલેન્ડમાં અપહરણ કરાયેલા 2 ભારતીયને એક ગુજરાતીએ બચાવ્યા છે અને તેમને હેમખેમ પાછા ભારત મોકલ્યા છે. જ્યારે થાઇલેન્ડ પોલીસે અપહૃતોને છોડાવવા માટે રેડ પાડી ત્યારે આ ગુજરાતી પણ તેમની સાથે હતા. દિવ્ય ભાસ્કરે આ ગુજરાતી વેપારી તુષાર પટેલ સાથે વાત કરીને આ યુવાનોનું કેવી રીતે નોકરીની લાલચ આપીને અપહરણ કરાયું હતું એ આખી ઘટના જાણી હતી.
6 ફેબ્રુઆરી, 2026
હરિયાણાના લોકલ પોલીસ સ્ટેશનમાંથી કોઇએ પરાગ નામના એક યુવકની માતાને થાઇલેન્ડમાં રહેતા તુષાર પટેલનો સંપર્ક કરવાનું કહ્યું હતું. તુષાર પટેલ ઇન્ડિયન એસોસિયેશન ઇન પતાયાના વાઇસ-પ્રેસિડેન્ટ છે. અગાઉ પોરબંદરના 19 યુવાનને મૂકવા પણ એ જ આવ્યા હતા. તેઓ થાઇલેન્ડમાં સોશિયલ વર્કમાં એક્ટિવ છે અને કોઇને કામ હોય તો તેને મદદ કરે છે.
માતાને વીડિયો કોલ કરીને 60 લાખ રૂપિયા માગ્યા
પરાગનાં માતાએ તુષાર પટેલનો સંપર્ક કર્યો હતો અને કહ્યું કે મારા દીકરાને નોકરી માટે થાઇલેન્ડ બોલાવ્યો હતો, પણ રૂમમાં પૂરી રાખીને આખી રાત તેને માર માર્યો હતો અને વીડિયો કોલમાં આ બધું મને બતાવ્યું હતું.
અપહરણકારોએ 60 લાખ રૂપિયા પણ માગ્યા હતા અને જો બીજા દિવસે સાંજ સુધીમાં રૂપિયા નહીં આપે તો પરાગ અને તેના સાથી સરીનને મારી નાખવાની ધમકી આપી હતી.
તુષાર પટેલે એસોસિયેશનના પ્રેસિડેન્ટને વાત કરીને કહ્યું કે તમે લોકલ ઓથોરિટીને ઇન્ફોર્મ કરો. આના પછી થાઇ પોલીસને જાણ કરાઇ હતી.
થાઇ પોલીસે રેડ પાડી
થાઇ પોલીસે આ બંધકોને જ્યાં રખાયા હતા એ કોન્ડો (ફ્લેટ)માં રેડ પાડી હતી. આ સમયે તુષાર પટેલ પણ પોલીસની સાથે હતા.
તુષાર પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે પૂરા ઓપરેશનમાં હું કો-ઓર્ડિનેટર તરીકે પોલીસ સાથે હતો. યુવાનોને છોડાવવાથી લઇને તેમણે ફરિયાદ કરી, આરોપીઓને જેલમાં નખાવ્યા, યુવાનોને પાછા હોટલ લઇ ગયા ત્યાં સુધી હું તેમની સાથે હતો. અમે પોલીસને જાણ કરી એટલે તેમણે અમને ઘટનાસ્થળે પહોંચવાનું કહ્યું હતું. અમે ત્યાં ગયા ત્યારે અમારી પહેલાં થાઇ પોલીસ પહોંચી ગઇ હતી. પોલીસની સાથે જ અમે પણ ફ્લેટમાં ગયા હતા. થાઇ પોલીસનો રિસ્પોન્સ સુપર્બ હતો.
રૂમ સર્વિસના નામે ડોરબેલ વગાડ્યો અને થાઇ પોલીસ રૂમમાં ઘૂસી
‘કદાચ આરોપીઓ પાસે હથિયાર હોય તો એ વિચારીને પોલીસે સૌપ્રથમ નીચેના રૂમના અને લોબીના CCTV 3 કલાક સુધી તપાસ્યા હતા. એ ચેક કર્યા પછી લોકલ સિક્યોરિટીને સાથે રાખી હતી, પછી રૂમ આગળ ગયા હતા.
સિક્યોરિટીના હાથે ‘રૂમ સર્વિસ’ના નામે ડોરબેલ વગાવડાવ્યો. દરવાજો ખૂલ્યો એટલે સીધી પોલીસ અંદર ઘૂસી ગઇ. ત્યાં 4 કિડનેપર મળ્યા હતા.
ગાંજાની હેરાફેરી માટે યુવાનો પર દબાણ કરાયું હતું
તેમણે કહ્યું હતું કે આ યુવાનો નોકરીની લાલચે સ્વેચ્છાએ ગયા હતા. બન્ને યુવાનોના દાવા મુજબ તેમને ગાંજો લઇને મોકલવાના હતા, એટલે કે કરિયર તરીકે તેમને કામ કરવાનું હતું, જોકે મારી પાસે એવો કોઇ પુરાવો નથી અને પોલીસને પણ હજુ એવું કઇ મળ્યું નથી. એ પછી યુવાનોએ કરિયર તરીકે કામ કરવાની ના પાડી એટલે મારવામાં આવ્યો અને રૂપિયા માગવામાં આવ્યા હતા.
‘એક યવાને તરત તેનાં મમ્મીને મેસેજ કરીને કહી દીધું હતું કે અમને આ ફ્લેટમાં રાખ્યા છે, સાથે એમ પણ કહી દીધું હતું કે તમે અમને વળતો કોઇ મેસેજ ન કરતા, હું આ મેસેજ કરીને ડિલિટ કરું છું. પરિવારે એનો સ્ક્રીન શૉટ લઇ રાખ્યો હતો.’
અપહરણકારો અને ભોગ બનનારા હરિયાણાના
‘જેમણે અપહરણ કર્યું એ પણ ભારતીયો જ હતા. કોઇ લોકલ થાઇ વ્યક્તિએ તેમનું અપહરણ નથી કર્યું. એ 4 કિડનેપર હરિયાણાના જ હતા. આ બન્ને યુવાનો પણ હરિયાણાના જ હતા.’
1 લાખના પગારવાળી નોકરીની લાલચ આપી હતી
તેમણે ઉમેર્યું, મને મળેલી માહિતી અનુસાર એ બંને લગભગ 2-3 તારીખની આસપાસ થાઇલેન્ડ આવ્યા હતા અને પતાયામાં જ રોકાયા હતા. કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી માટે તેમને થાઇલેન્ડ બોલાવ્યા હતા. એજન્ટે તેમને કહ્યું હતું કે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અને 1 લાખ રૂપિયા પગાર મળશે.
‘અત્યારે તો યુવાનો તેમના ઘરે પહોંચી ગયા છે. 6 તારીખે પકડીને 7 તારીખે રાતે એક-દોઢ વાગ્યે તેમને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. 7 તારીખે સવારે બધું કામ પત્યું હતું. હોટલમાં તેમને મૂક્યા પછી એ લોકો ઘરે જતા રહ્યા હતા.’
આ યુવાનોને જે પ્રકારની નોકરીની લાલચ આપીને થાઇલેન્ડ બોલાવાયા હતા એવી કોઇ નોકરી જ થાઇલેન્ડમાં નથી મળતી.
ભારતીય કરતાં સ્થાનિકને નોકરી આપવી વધુ સસ્તી પડે
તુષાર પટેલ કહે છે, અહીં એવી કોઇ નોકરી મળતી જ નથી. હું તમને એક ઉદાહરણ આપું છું. અહીં નોકરી માટે નોન બી (થાઇલેન્ડમાં કામ કરવા માગતા વિદેશીઓ માટેના નોન ઇમિગ્રન્ટ બિઝનેસ વિઝા) લેવા પડે, જેનો ખર્ચો 25-30 હજાર થાઇ બાથ (થાઇ કરન્સી) હોય. વર્ક પરમિટ થાય એટલે 20 હજાર બાથનો ખર્ચો થાય. એ પછી એક વર્ષના વિઝાનો 25 હજાર બાથનો ખર્ચો થાય. જેથી ઓછામાં 75 હજાર બાથનો ખર્ચો થાય. દર મહિને સેલરી ટેક્સ ઉપરાંત એક ભારતીય પાછળ 4 થાઇ લોકોને નોકરી આપવી પડે. એ દર મહિને 5-7 હજાર થાય. આમ વર્ષે 84 હજાર બાથ થયા એટલે સેલરી આપ્યા વગર દોઢ લાખ બાથનો ખર્ચો થાય. હવે અહીં 10 હજાર બાથમાં લોકલ વ્યક્તિને આરામથી રાખી શકાય. તેને રહેવા.વિઝા વગેરેની કોઇ મગજમારી નથી. સસ્તું લોકલ લેબર અહીં મળે તો ભારતીયને કોઇ કેમ નોકરી આપે?
હાલ તો આ ગેંગનો મુખ્ય આરોપી ફરાર થઇ ગયો છે અને થાઇ પોલીસ તેની શોધખોળ કરી રહી છે.





