બજરંગદાસ બાપુ કીર્તિ પર બરાબરના બગડ્યા:કહ્યું- ‘અખાડાઓનું શાહી સ્નાન બંધ કરાવી ભગવાધારી સંસારીઓનું સ્નાન કરાવો’, લાગણીઓ દુભાતા ફરિયાદ નોંધાવી

જૂનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવાના મામલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓ હવે બેવડાઈ છે. ગઈકાલે પોલીસની ફરજમાં રુકાવટ કરવા બદલ ગુનો નોંધાયા બાદ આજે ફરી એકવાર કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ ભાલકાતીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. સદીઓ જૂની ધાર્મિક પરંપરાનો ભંગ કરવા અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ આ ગુનો નોંધવામાં આવ્યો છે.
પીઆઈ કે.જે.મોડ સાથે કીર્તિ પટેલે અભદ્ર વર્તન કર્યું હતું જૂનાગઢમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે સર્જાયેલા વિવાદ અંગે DYSP રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, સનાતન પરંપરા મુજબ શિવરાત્રીની મધ્યરાત્રીએ રવેડી પૂર્ણ થયા બાદ ભવનાથના મૃગીકુંડમાં સાધુ-સંતો અને નાગા સાધુઓ શાહી સ્નાન કરતા હોય છે. આ પવિત્ર સ્નાન દરમિયાન સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે સાધુનો વેશ ધારણ કરી કુંડમાં પ્રવેશ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ ઘટના સમયે ફરજ પર હાજર પોલીસ અધિકારી પીઆઈ કે.જે.મોડ સાથે કીર્તિ પટેલે અભદ્ર વર્તન કર્યું હતું. જ્યારે અધિકારીએ વિવાદ વધુ ન વણસે તે હેતુથી તેને રોકી બાજુ પર લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે કીર્તિ પટેલે મહિલા પીઆઈ સાથે અશોભનીય વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કારણોસર ભવનાથ પોલીસમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મહિલા પીઆઈ ફરજ પર હાજર હતા કે નહીં તેની તપાસ હાથ ધરી આ ઉપરાંત, કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો કરતા અન્ય એક ફરિયાદ મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સ્નાનનો વીડિયો જોયા બાદ ધાર્મિક લાગણી દુભાતા બાપુએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ કલમ 298, 299 અને 196 (A) તથા (B) હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
માત્ર કીર્તિ પટેલ જ નહીં પરંતુ, મૃગીકુંડમાં સાધુ-સંતો સિવાય જે પણ વ્યક્તિઓએ સ્નાન કર્યું છે તે તમામ વિરુદ્ધ બજરંગદાસ બાપુએ કડક કાર્યવાહીની માંગ કરી છે. આ યાદીમાં પીઆઈ જે.પી. વરિયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. DYSP પરમારના જણાવ્યા મુજબ, જે-તે સમયે મહિલા પીઆઈ ફરજ પર હાજર હતા કે નહીં અને તેમની ભૂમિકા શું હતી, તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
‘ગિરનારની પવિત્રતા બચાવવી છે એટલે મેં ફરિયાદ નોંધાવી છે’ મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ જણાવ્યું હતું કે ગિરનાર અને ભવનાથના સાધુ-સંતો કદાચ કોઈ કારણસર દબાયેલા અનુભવતા હોય એવું જણાય છે, પરંતુ સનાતન ધર્મની પરંપરાનું અપમાન ચલાવી લેવાય નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આપણે ગિરનારની પવિત્રતા બચાવવાની છે અને એના માટે જ મેં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે જૂનાગઢ પોલીસની ટીમ તેમની પાસે પહોંચી હતી અને બાપુએ મૃગીકુંડમાં ગેરકાયદે સ્નાન કરવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવીને તપાસની માગ કરી છે. તદુપરાંત આવું કૃત્ય કરનારી અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ કીર્તિ પટેલને કોણે દીક્ષા આપી છે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભવનાથમાં રાજકારણ ઘૂસ્યું છે કે જેમાં આ વર્ષે શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં કીર્તિ નામની પટેલ નાગાસાધુઓ સાથે શાહી સ્નાનમાં ઘૂસી હતી અને બધા સાધુ-સંતો ને નાગાઓ સાથે શાહી સ્નાન કર્યું. આ કીર્તિ પટેલને શાહી સ્નાન કરવાનો અધિકાર કોણે આપ્યો. ઇન્દ્રભારતી બાપુ અને હરિહરાનંદ બાપુએ આ કીર્તિ પટેલને કોણે દીક્ષા આપી છે અને જેટલા પણ રાજકારણીઓ છે તે તેને સહકાર આપે છે. હરિહરાનંદ ભારતી ને ઇન્દ્રભારતી ને ખૂટવાળા મહાત્મા અને મુક્તાનંદ આચાર્ય સંતો કેમ મૌન રહે છે ? મહેશગિરિને સહકાર આપો, તે સત્યવાદી સંત છે.

હરિગિરિએ બહારથી આવીને જૂનાગઢ ભવનાથનો માહોલ બગાડી નાખ્યો કીર્તિ પટેલને કોઈ અધિકાર નથી કે સાંસારિક કપડાં પહેરી શાહી સ્નાનમાં જાય, કોના કહેવાથી કીર્તિ ત્યાં ગઈ અને આ મામલે પોલીસ કે કલેક્ટર કેમ કોઈ પગલાં લેતું નથી. હરિગિરિએ બહારથી આવીને જૂનાગઢ ભવનાથનો માહોલ બગાડી નાખ્યો છે. ભવનાથ મંદિરમાં વહીવટકર્તાની નિમણૂક કરાવી એટલા માટે અમે હરિગિરિને કાઢવાની મહેનત કરીએ છીએ. મહેશગિરિ અને મેં બંને જાતે 500 સાધુની ભૂતનાથમાં મિટિંગ કરી હતી.

મેળામાં સત્તાધારી પક્ષના નેતાઓ તેમજ માનીતા સાધુઓનો દબદબો વધી ગયો હોવાનો આક્ષેપ ભાલકા તીર્થ સ્થિત નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુએ જૂનાગઢ શિવરાત્રિ મેળાના વર્તમાન આયોજન અને એમાં વ્યાપેલી ગેરરીતિઓ સામે અત્યંત આકરા તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં સાત-આઠ વર્ષથી આ મેળામાં જતા નથી, કારણ કે હવે આ પવિત્ર મેળો સંપૂર્ણપણે રાજકારણનો અખાડો બની ગયો છે. સંતોના આ મેળામાં સનાતન પરંપરાઓનું ચીરહરણ થઈ રહ્યું હોવાનો અને સત્તાધારી પક્ષના નેતાઓ તેમજ માનીતા સાધુઓનો દબદબો વધી ગયો હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે.

શું હવે મેળાનું આયોજન શાસન અને વહીવટકર્તાઓ નક્કી કરશે? સ્વામી બજરંગદાસ બાપુએ ખાસ કરીને ઇન્દ્રભારતી બાપુ અને મેળાના વહીવટ પર નિશાન સાધતાં કટાક્ષ કર્યો છે કે વહીવટી તંત્ર અને અધિકારીઓ માત્ર ભવનાથના ગણ્યાગાંઠ્યા ચાર સાધુઓ અને ખાસ કરીને ઇન્દ્રભારતી કહે એટલું જ કરે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું હવે મેળાનું આયોજન શાસન અને વહીવટકર્તાઓ નક્કી કરશે? સનાતન ધર્મના પુરાણો અને વેદોમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ધર્મગુરુઓએ રાજકીય નેતાઓ સામે ઝૂકવું જોઈએ. સંતો તો રાજાઓના પણ રાજા છે, જેમના શરણમાં સ્વયં ભગવાન રામ અને કૃષ્ણ આવ્યા હતા છતાં આજે જૂના અખાડાના સાધુઓ નેતાઓનું જે રીતે સ્વાગત-સન્માન કરે છે એ સનાતન પરંપરા વિરુદ્ધ છે.

‘પાસ સિસ્ટમ’ લાગુ કરી સંતોમાં ભાગલા પાડવાનું પાપ કર્યું મેળામાં વ્યાપેલા પક્ષપાત અંગે રોષ વ્યક્ત કરતાં બાપુએ જણાવ્યું હતું કે ભાજપના પદાધિકારીઓ અને હર્ષ સંઘવી જેવા નેતાઓની VIP ગાડીઓને અંદર જવા દેવામાં આવે છે, જ્યારે બહારથી આવતા સાચા સાધુ-સંતોને પોલીસ દ્વારા રોકી દેવામાં આવે છે. મોરારિ બાપુ કે રમેશભાઈ ઓઝા જેવા કથાકારોની ગાડીઓને પાસ મળે છે, પરંતુ જે ઉતારાવાળાઓ વર્ષોથી લાખો લોકોને ભોજન કરાવે છે તેમની પાસની વિનંતી કલેક્ટર દ્વારા ફગાવી દેવામાં આવે છે. આ પ્રકારની ‘પાસ સિસ્ટમ’ લાગુ કરી અધિકારીઓએ સંતોમાં ભાગલા પાડવાનું અને તેમને હેરાન કરવાનું પાપ કર્યું છે.
અખાડાવાળાઓ માત્ર સંપત્તિ અને પૈસા બનાવવામાં જ પડ્યા છે અખાડાઓની ભૂમિકા સામે સવાલો ઉઠાવતાં તેમણે ઉમેર્યું કે શ્રી પંચ દશનામ જૂના અખાડાનું વલણ સદંતર લોભી અને સ્વાર્થી બની ગયું છે. અખાડાવાળાઓ માત્ર સંપત્તિ અને પૈસા બનાવવામાં જ પડ્યા છે, જ્યારે ભાવિકો માટેની પાયાની વ્યવસ્થાઓ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. મેળાના દિવસે પણ અનેક જગ્યાએ ખાડા ખોદેલા હતા અને કોઈ સગવડ નહોતી. જો અધિકારીઓ અને નેતાઓ જ બધું નક્કી કરતા હોય તો બાપુએ પડકાર ફેંક્યો છે કે અખાડાઓનું શાહી સ્નાન બંધ કરાવીને ભગવા પહેરેલા સંસારીઓનું જ શાહી સ્નાન કરાવો.

જો સંતો અને સમાજ નહીં જાગે તો પાલિતાણાની જેમ ગિરનાર પણ કબજો થશે અંતમાં, તેમણે કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતીને આડે હાથ લેતાં ચેતવણી આપી છે કે ગિરનાર એ સાક્ષાત્ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો રૈવતાચલ પર્વત છે. ગોપાલાનંદ બાપુ જેવા સિદ્ધ મહાત્માઓના સમયમાં જે સાત્ત્વિકતા હતી એ હવે લુપ્ત થઈ છે અને ચાર-પાંચ સાધુએ મેળાને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું છે. તેમણે હિન્દુ પ્રજાને 2027 સુધીમાં જાગ્રત થવા હાકલ કરી છે અને જણાવ્યું હતું કે જો સંતો અને સમાજ નહીં જાગે તો જે રીતે પાલિતાણામાં કબજો થયો એમ ઢોંગીઓ અને અન્ય તત્ત્વો ગિરનાર પર પણ કબજો કરી લેશે.

શિવરાત્રિની મધ્યરાત્રિએ સર્જાયો હતો વિવાદ આ સમગ્ર વિવાદ શિવરાત્રિની મધ્યરાત્રિએ શરૂ થયો હતો, જ્યારે નાગાસાધુઓની શાહી રવેડી બાદ માત્ર સાધુઓ માટે જ અનામત એવા મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કર્યું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલે અનેક પોસ્ટ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે ઇન્દ્રભારતી બાપુ દ્વારા તેને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ મુદ્દે ખુલાસો કરવા એ લાઈવ થવાની હતી, પરંતુ તેણે છેલ્લી ઘડીએ પોતાનો લાઈવ કાર્યક્રમ રદ કર્યો હતો. કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તેના ગુરુના આદેશ અને અન્ય સાધુઓના ફોન આવતાં તેણે મૌન પાળ્યું છે.

મૃગીકુંડમાં પોલીસ અધિકારીઓએ પણ સ્નાન કર્યું તો મારા પર જ ફરિયાદ કેમ? જોકે કીર્તિ પટેલે પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે વીડિયોમાં સવાલ કર્યો હતો કે “જો મૃગીકુંડમાં પોલીસ અધિકારીઓ પણ સ્નાન કરતા હોય તો માત્ર મારા પર જ ફરિયાદ કેમ?” તેણે પોતાનું બાવડું પકડવા બદલ અને પીછો કરવા બદલ પોલીસની કામગીરી પર પણ રોષ ઠાલવ્યો હતો. બીજી તરફ, જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ હવે કીર્તિ પટેલના વિવાદાસ્પદ નિવેદનો અને મર્યાદા ભંગની આ ઘટનાની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

કીર્તિનો પોલીસને ધમકાવ્યાનો વીડિયો પણ વાઇરલ થયો હતો ગત 15 ફેબ્રુઆરીના રોજ પણ કીર્તિ પટેલ સામે પોલીસ સાથે ગેરવર્તણૂક કરવા બદલ ગુનો નોંધાયો હતો. એ સમયે ફરજ પરના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. મોડ અને અન્ય સ્ટાફે જ્યારે તેને કુંડમાંથી બહાર નીકળવા સમજાવ્યું ત્યારે કીર્તિએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી પોલીસને ધમકી આપી હતી કે હું કોઈ આરોપી નથી, મારી પાછળ નહીં ફરવાનું… આવાને તો હું મારી નાખું. આ ઘટનાના વીડિયો વાઇરલ થતાં પોલીસતંત્રએ એને ગંભીરતાથી લીધું હતું.

ધર્મના નામે પ્રસિદ્ધિ મેળવવા માટે મર્યાદા ઓળંગતા લોકો માટે ઉદાહરણરૂપ કિસ્સો બનશે હાલમાં ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 221, 351(3) અને 352 મુજબ કાર્યવાહી ચાલી રહી છે. હવે એમાં મહામંડલેશ્વર બજરંગદાસ બાપુની ફરિયાદ ઉમેરાતાં કીર્તિ પટેલની ધરપકડની તજવીજ તેજ કરવામાં આવી છે. સાધુ સમાજમાં એવી પણ ચર્ચા છે કે ધર્મના નામે પ્રસિદ્ધિ મેળવવા માટે પવિત્ર જગ્યાઓની મર્યાદા ઓળંગતા લોકો સામે આ એક ઉદાહરણરૂપ કિસ્સો સાબિત થશે.

સો.મીડિયા પર કીર્તિના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે જંગ જામ્યો પોલીસ હવે સીસીટીવી ફૂટેજ, સોશિયલ મીડિયાના લાઈવ વીડિયો અને ઘટનાસ્થળે હાજર સાક્ષીઓનાં નિવેદનોના આધારે પુરાવા એકત્ર કરી રહી છે. એક તરફ સોશિયલ મીડિયા પર કીર્તિના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે જંગ જામ્યો છે તો બીજી તરફ કાયદાકીય ગાળિયો કીર્તિ પટેલ ફરતે વધુ ને વધુ મજબૂત બની રહ્યો છે.



