પોલીસ સ્ટેશન બહાર રસ્તા વચ્ચે યુવકે દારૂની પોટલી પીધી, VIDEO:દારૂડિયા સામે કાર્યવાહીને બદલે પીઆઇ કહ્યું- આ તો ગાંડો છે; વાસણામાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા


રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનું સાબિત કરતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન બહાર જ જાહેરમાં રસ્તા વચ્ચે બેસીને એક યુવક દેશી દારૂની પોટલી પી રહ્યો હતો. રસ્તા વચ્ચે દારૂ પીતા આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જોકે, વાઇરલ વીડિયો અંગે પૂછતા વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇએ કહ્યું કે આ તો ગાંડો છે.
વાહનોની અવરજવર વચ્ચે જાહેર રસ્તામાં યુવકે દારૂ પીધો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વાસણા પોલીસ સ્ટેશનની બહાર જ એક યુવક જાહેર રસ્તા વચ્ચે બેસી ગયો હતો. આ યુવકના હાથમાં દારૂની પોટલી હતી અને વાહનોની અવરજવર વચ્ચે તે દેશી દારૂ પી રહ્યો હતો. ત્યાર બાદ દારૂના નશામાં રસ્તાની વચ્ચે ઉભો થાય છે, ત્યારે આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન બહાર જ બની હોવાથી વાસણા પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે.

દારૂ પી રહેલો યુવક ગાંડો છે: પીઆઇ આ વાઇરલ વીડિયો અંગે વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એન. પટેલે તપાસ કરવા કે કાર્યવાહી કરવાના બદલે કહ્યું કે, દારૂ પી રહેલો યુવક ગાંડો છે. મહત્વનું છે કે, પીઆઇ વર્ષ 2001ની બેંચના છે અને તેમનું પ્રમોશન પણ પેન્ડિંગ છે જેની આ પ્રકારના બનાવ પર અસર પડી શકે છે.

સ્થાનિકોની રજૂઆત છતાં પોલીસની કોઈ કાર્યવાહી નહીં ઉલ્લેખનીય છે કે, વાસણા પોલીસ સ્ટેશનમાં બુટલેગર હસમુખ લંગડાથી કંટાળીને સ્થાનિકોએ અગાઉ રજૂઆત પણ કરી હતી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

