બે કોલેજીયન ફ્રેન્ડના આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ:15 દિવસના અંતરાલમાં બંનેનું પ્રેમી સાથે બ્રેકઅપ થયું હતું, ચેટ મળી; સુરતમાં ડિપ્રેશનમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન મારી સુસાઇડ કર્યું હતું
સુરત

સુરતના ડીંડોલીમાં બે વિદ્યાર્થિનીઓના આપઘાત કેસમાં પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું છે કે, રોશની અને જ્યોત્સના બંનેના તાજેતરમાં જ બ્રેકઅપ થયા હતા, જેના કારણે તેઓ ઊંડા ડિપ્રેશનમાં સરી પડી હતી. ચોંકાવનારી વિગત એ છે કે, આ બંને બ્રેકઅપ માત્ર 15 દિવસના અંતરાલમાં જ થયા હતા, જેણે આ બંને સખીઓને માનસિક રીતે તોડી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
પોલીસે જ્યારે બંને વિદ્યાર્થિનીઓના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેમાં કેટલીક મહત્વની ચેટ્સ મળી આવી હતી જે સીધો ઈશારો તેમના પ્રેમસંબંધોના અંત તરફ કરતી હતી. આ ઉપરાંત, પોલીસે તેમના મિત્રવર્તુળની પણ પૂછપરછ હાથ ધરી અને અનેક મિત્રોના નિવેદનો નોંધ્યા હતા. આ તમામ પુરાવાઓ અને નિવેદનોના આધારે હવે પોલીસ આ દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે કે શું આ આત્મહત્યા પાછળ અન્ય કોઈ દબાણ કે કારણો જવાબદાર હતા કે કેમ?
સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા 6 માર્ચ, 2026એ સુરતમાં ડિંડોલી ખાતે રહેતી બી.કોમની બે વિદ્યાર્થિનીના સણિયા કણદે ખાતે આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. બહેનપણીઓના મૃતદેહ પાસેથી ઈન્જેક્શન અને એનેસ્થેસિયાની દવાની બોટલો મળી આવી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન બંનેએ એનેસ્થેસિયાના ઓવરડોઝ દવાના ઈન્જેક્શનો લઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ડાબા હાથે એનેસ્થેસિયાના ઇન્જેક્શન માર્યા ને જ્યોત્સના રોશની પર પડી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ બાથરૂમની અંદર પ્રવેશ કર્યા બાદ બંનેએ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ડાબા હાથ પર માર્યું હતું અને ત્યારબાદ રોશનીની ઉપર જ્યોત્સના ઢળી પડી અને બંનેના મોત નીપજ્યા.
જ્યોત્સનાની બેગમાંથી બંનેના ફોટોગ્રાફ મળ્યા આ સમગ્ર ઘટનામાં 11 મહિના પહેલા બનેલી એક ઘટના પરથી બંને કોલેજીયન ગર્લ આપઘાત કરવાનું શીખી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ જ્યોત્સનાની બેગમાંથી બંનેના ફોટોગ્રાફ પણ મળી આવ્યા છે. રોશનીના માતાપિતાની એક દિવસ પહેલા જ મેરેજ એનિવર્સરી હતી તેની ઉજવણીની અંતિમ તસવીર પણ સામે આવી છે.

રોશની અને જ્યોત્સના 6 તારીખે કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ હતી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની અને હાલ ડીંડોલી વિસ્તારમાં આવેલા રામી પાર્કમાં રહેતી 18 વર્ષીય રોશની શરદભાઈ શિરશાઠ ઉધના ખાતે આવેલી સિટીઝન કોલેજમાં બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જ્યારે રોશનીના ઘર નજીક રહેતી બહેનપણી 20 વર્ષીય જ્યોત્સના અતુલભાઈ ચૌધરી (રહે.શિવ વાટીકા, ડીંડોલી) અઠવાગેટ ખાતે આવેલી વાડિયા વુમેન્સ કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
ગત 6 માર્ચની સવારે નિત્યક્રમ મુજબ રોશની સ્કુટર લઈ જ્યોત્સના સાથે કોલેજે જવા માટે નીકળી હતી. બાદમાં બપોરે કોલેજેથી ઘરે આવવાના સમયે બંને ઘરે નહી આવતા ચિંતામાં મુકાયેલા પરિવારે તેમને કોલ કર્યા હતા. ત્યારે આવીએ છીએ એવું જણાવ્યા બાદ તેમનો સંપર્ક જ થયો નહોતો. બાદમાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેઓની કોઈ ભાળ મળી ન હતી.
પરિવારે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ બંનેના મોબાઈલના લોકેશનના આધારે તપાસ કરતા સણિયા કણદે ખાતે આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિરનું લોકેશન મળ્યું હતું. જેથી પોલીસે મદિરના પટાંગણમાં પ્રવેશ્તા રોશનીની મોપેડ દેખાઈ હતી. જેથી મંદિરમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.

મંદિરના બાથરૂમમાંથી બંને બહેનપણીના મૃતદેહ મળ્યા સીસીટીવી ફૂટેજમાં બંને બહેનપણી બાથરૂમ તરફ જતી દેખાઈ હતી. જેથી પોલીસે તેમજ પરિવારના સભ્યોએ બાથરૂમમાં જઈને જોતા દરવાજો બંધ હતો. તેથી પરિવારના સભ્યોએ દરવાજો તોડીને અંદર જોતા બંને બેભાન અવસ્થામાં મળી આવી હતી. રોશની ઉપર જ્યોત્સના પડી હતી અને મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં હતી, જેથી રોશનીને સિવિલ હોસ્પિટલ અને જ્યોત્સનાને સ્મીમેર હોસ્પિ.માં ખસેડાઈ હતી. જ્યાં બંનેને તબીઓએ મૃત જાહેર કરી હતી.
પોલીસને બાથરૂમમાંથી તેઓના મૃતદેહ પાસેથી ઈન્જેક્શન અને એનેસ્થેસિયાની ત્રણ દવાની બોટલ મળી આવી હતી. એક ખાલી અને બે ભરેલી બોટલ મળી હતી. પોલીસની તપાસમાં બંને બહેનપણીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.
શું કહી રહ્યા છે તબીબ? સ્મીમેર હોસ્પિટલના ડો. સંદિપ રાલોટીએ જણાવ્યુ હતું કે મૃતક પાસેથી એનેસ્થેસિયાનું અટ્રાક્યુરિયમ બેસીલેટ ઈન્જેક્શન મળી આવ્યું હતું. આ ઈન્જેક્શનના ઓવરડોઝથી વ્યક્તિનું મૃત્યું થઈ શકે. મૃતકે ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. તમામ નમૂનાઓ લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

બાથરૂમમાંથી મળેલી બેગમાંથી અલગ અલગ વસ્તુઓ મળી બંને બહેનપણી કોલેજ જવા કોલેજ બેગ લઈને નીકળી હતી. બાદમાં તેઓએ સણિયા કણદે ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં જઈ આપઘાત કરી લીધો હતો. જ્યાં બાથરૂમના વોશ બેસિન પર મુકેલી જ્યોત્સનાની કોલેજ બેગમાંથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઈલ ફોન તેમજ તેની સ્કૂલ મિત્ર રોશની અને અન્ય મિત્ર સાથે પડાવેલ ફોટોગ્રાફની પાંચથી વધુ તસવીરો મળી આવી હતી. જ્યારે રોશનીના બેગમાંથી કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, બુક, તેમજ હોળીના રંગ મળી આવ્યા હતા.
આપઘાત પહેલા બંનેએ મોબાઈલમાં ‘આપઘાત કેમ કરવો?’ સર્ચ કર્યું બંને બહેનપણીએ મોબાઈલમાં આપઘાત કરવા માટે સર્ચ કર્યું હતું. ચેટજીપીટી જેવા પ્લેટફોર્મ પર આપઘાત કઈ રીતે કરાય તે સર્ચ કરીને તેની જાણકારી પણ તેઓએ મેળવી હતી. તેમજ તેઓના ફોન ગેલેરીમાંથી ફોટોગ્રાફ મળ્યા હતા. તેમાં કઇ રીતે ઇન્જેક્શન મરાય તેની જાણકારીના ફોટો સેવ કરેલા હતા. બાદમાં બંને બહેનપણીએ એક સાથે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે એનેસ્થેસિયાની દવાની બોટલો તેમજ ઈન્જેક્શન ક્યાંથી ખરીદ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

રોશની અને જ્યોત્સનાનું પોલીસ બનવાનું સપનું હતું રોશની અને જ્યોત્સના બંનેએ ડીંડોલી ખાતે આવેલી માતૃભૂમિવિદ્યા સંકુલમાં ધોરણ-6થી ધોરણ-12 સુધીનો સાથે અભ્યાસ કર્યો હતો. બંને બહેનપણી સ્કૂલમાં હસી મજાક કરતા હતા અને અભ્યાસના સમયે અભ્યાસ કરતા હતા. બંનેને ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં આશરે 70 ટકાથી વધારે ગુણ આવ્યા હતા. તેમજ બંનેને પોલીસ બનવાનું સપનું હતું.
બંને બહેનપણીએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ છે. મૃતક રોશનીના પિતાને વજન કાંટાનો વેપાર કરે છે. તેને અન્ય એક મોટો ભાઈ છે. જ્યારે જ્યોત્સનાના પિતા સ્મીમેર હોસ્પિટલમાં લેબ ટેકનીશિયન છે. તેને અન્ય એક નાનો ભાઈ છે.

આપઘાતના એક દિવસ પહેલા જ રોશનીના માતાપિતાની મેરેજ એનિવર્સરી હતી મૃતક રોશનનીના માતા-પિતાની ગત 5 માર્ચે એનિવર્સરી હોવાથી તેના મામા ઘરે આવ્યા હતા. રોશની અને તેના ભાઈએ કેક લાવી ઘરમાં એનિવર્સરીની ઉજવણી કરી હતી. બાદમાં સાંજે બધાએ જોડે બેસીને ઘરે જમ્યા હતા. તેના બીજા દિવસે 6 માર્ચે રોશનીએ તેની સ્કૂલ મિત્ર જ્યોત્સના સાથે ભરેલા આ અણધાર્યા પગલાથી બંને પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

કઈ ઘટના પરથી આપઘાત કરવાનું શીખી? આપઘાત કરનાર વિદ્યાર્થિનીના મોબાઇલમાંથી એક 11 મહિના પહેલા કરવામાં આવેલા આપઘાતનું પ્રેસ કટિંગ પણ મળી આવ્યું હતું. આપઘાતની ઘટના પરથી તેણે એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈને આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. જે સમગ્ર ઘટના એવી છે કે, ગત 7 એપ્રિલ 2025ના રોજ સુરતમાં કિરણ હોસ્પિટલની નર્સે ડીંડોલીની હોટલમાં એનેસ્થેસીયાનું જાતે ઈન્જેક્શન લઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઈ હતી. જો કે તેણીને હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા જ રસ્તામાં મોત થયું હતું.
મૂળ તેલંગાણા રાજ્યનાં વારંગલ નગરનાં વતની શંકરભાઈ ગુડા સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી ગ્રીન સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ પોતે સંચા મશીન પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરી 23 વર્ષીય શ્રુતિ કિરણ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતી હતી. શ્રુતિએ 7 એપ્રિલના રોજ બપોરે ડીંડોલીમાં જી-9 બિઝનેસ સેન્ટરમાં આવેલી વેલેન્ટાઈન હોટલમાં જઈ જાતે જમણાં હાથમાં એનેસ્થેસીયાનાં ઓવરડોઝનું ઈન્જેકશન લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શ્રુતિએ આપઘાતનો પ્રયાસ કરતાં આસપાસના લોકોએ એમ્બ્યુલન્સને બોલાવી હતી. બાદમાં તેણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરનાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. મૃતક યુવતી હોટલમાં એકલી જ આવી હતી અને બાદમાં તેણીએ એનેસ્થેસીયાનાં ઓવરડોઝનું ઈન્જેકશન મારી લીધું હતું.
ChatGPT શું છે? ChatGPT આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સોફ્ટવેર છે. તેનું પૂરુ નામ ચેટ જનરેટિવ પ્રીટેન્ડ ટ્રાન્સફોર્મર છે. ઓપનસોર્સની આ વેબસાઈટ પર જઈને યૂઝર્સે ChatGPTના આઈકોન પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં ચેટનાં માધ્યમથી પ્રશ્ન પૂછવાનો હોય છે.

AI વિશ્વ માટે ખતરનાક કેમ છે? આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થનારા ખતરાને લઈને ટેક કોમ્યૂનિટીમાં એક લાંબી માથાકૂટ ચાલી રહી છે. તેઓનું માનવુ છે કે, ‘અત્યારે જેટલું સરળ અને સારુ લાગી રહ્યું છે, તે AI પછી લોકો માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરી દેશે.’ AI ઓટોમેશનનાં કારણે લોકોની નોકરીઓ જઈ રહી છે. રાજનીતિ માટે AI એલ્ગોરિધમનાં કારણે સમાજમાં ખોટી માહિતી કે નફરત ફેલાઈ શકે છે અને એવુ થયુ પણ છે.


