નડિયાદ હાઈવે પરથી 152 પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ:₹11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ત્રણ આરોપી પકડાયા

ખેડા જિલ્લાના નડિયાદ-ડાકોર રોડ એક્સપ્રેસ હાઈવે પરથી પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવીને લઈ જવાતી એક ટ્રક ઝડપી પાડવામાં આવી છે. ગત રાત્રિના સમયે તંબુ ચોકી પાસે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ટ્રકમાંથી 150 બકરા-બકરી અને 2 ઘેટા સહિત કુલ 152 પશુઓને અત્યંત દયનીય હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી ટ્રક અને પશુઓ સહિત કુલ ₹11,08,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ઘટનાની વિગતો અનુસાર, બનાસકાંઠાના ડીસા ખાતે રહેતા અને સબંધ વિકાસ ફાઉન્ડેશનમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા દિનેશભાઈ ઉમાજી ગેલોત 11 માર્ચના રોજ નડિયાદ આવ્યા હતા. તેઓ રાત્રિના સમયે ભાડાની કાર લઈને સુરત જવા નીકળ્યા હતા. તે દરમિયાન રાત્રિના આશરે 12:30 વાગ્યે નડિયાદ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક શંકાસ્પદ જણાતા તેમણે પોલીસને જાણ કરી હતી.
દિનેશભાઈએ ટ્રક નંબર GJ-31-T-3165 માં પશુઓને ખૂબ જ ખીચોખીચ અને નિર્દયતાપૂર્વક ભરવામાં આવ્યા હોવાનું જોયું હતું. તેમણે તાત્કાલિક ખેડા નડિયાદ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી હતી. હાઈવે પર ઉભેલી પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓને જાણ થતા તેમણે તુરંત કાર્યવાહી કરી શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. ત્યારબાદ નડિયાદ ટાઉન પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાં ચાલક સહિત ત્રણ વ્યક્તિઓ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ચાલકે પોતાનું નામ રાધેશ્યામ માગીલાલ ભાટ અને તેની બાજુમાં બેઠેલા શખ્સે વિનોદ મેવાલાલ ખટીક હોવાનું જણાવ્યું હતું. આ બંને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના માવલી તાલુકાના રહેવાસી છે. ટ્રકની પાછળ બેઠેલા ત્રીજા શખ્સની ઓળખ કિશન જગદીશજી ભસઈ તરીકે થઈ હતી, જે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાનો વતની છે.
ટ્રકની પાછળના ભાગે લાકડાનું પાટિયું મારીને ઉપર અને નીચેના એમ બે ભાગ કરવામાં આવ્યા હતા. આ બંને ખાનામાં પશુઓને હલનચલન ન કરી શકે અને શ્વાસ ન લઈ શકે તે રીતે ક્રૂરતાપૂર્વક ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા. ટ્રકમાં પશુઓ માટે પાણી કે ઘાસચારાની કોઈ જ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. આરોપીઓ પાસે આ પશુઓની હેરાફેરી માટેના કોઈ પણ કાયદેસરના પાસ કે પરમિટ પણ મળી આવ્યા ન હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આ મામલે ટ્રકમાં ભરેલા 150 બકરા-બકરી જેની કિંમત અંદાજે 6,00,000 રૂપિયા અને 2 ઘેટા જેની કિંમત 8,000 રૂપિયા ગણી કુલ 6,08,000 ના પશુઓ તેમજ 5,00,000 ની કિંમતની ટ્રક મળી કુલ 11,08,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન દાખવવા બદલ નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

