છેતરપિંડીનો નવો કીમિયો:સાઈબર ઠગોની નવી તરકીબ, પૂર્વ છાત્રોના નામે પ્રોફેસરોને મેસેજ કરી રૂપિયા માંગ્યા
આણંદ
હાય સર, ગુડ મોર્નિંગ…
મને ઓળખ્યો.. હું તમારો પૂર્વ વિદ્યાર્થી…
સર… પ્લીઝ મને પૈસાની ખૂબ જરૂર છે… મને 15 હજાર રૂપિયા આપશો…
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અલગ-અલગ ડિપાર્ટમેન્ટના પાંચથી છ પ્રોફેસરના વ્હોટસએપ પર આ મેસેજ છેલ્લાં એકાદ અઠવાડિયાથી અજાણ્યા નંબર પરથી મળી રહ્યા છે. અજાણ્યા નંબર પરથી કરવામાં આવેલા મેસેજમાં અલગ-અલગ રકમની જ માંગણી કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી એકપણ પ્રોફેસરે આ પ્રકારના મેસેજ કરનારા લેભાગુને પૈસા ચૂકવ્યા હોય તેવું બહાર આવ્યું નથી. અલબત્ત, મેસેજ કરનારા શખસ દ્વારા પોતાની ઓળખ પૂર્વ વિદ્યાર્થી તરીકે આપીને પોતાના ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોવાનું, ફી ભરવાની બાકી હોવા જેવા કારણો આગળ ધરીને પૈસાની માંગણી કરવામાં આવી રહી છે.
છેલ્લાં કેટલાંય સમયથી દરેક યુનિવર્સિટી, કોલેજ, શાળાઓમાં અગાઉ ભણી ચૂકેલા વિદ્યાર્થીઓના સંમેલન, સ્નેહ મિલન જેવા કાર્યક્રમો, વ્હોટસએપ પર ગ્રૂપ બનાવવામાં આવતા હોય છે. ત્યારે હવે આ તકનો લાભ લઈને કેટલાંક ઠગબાજ સક્રિય બન્યા છે. તેઓ યેનકેન પ્રકારે પ્રોફેસર-શિક્ષકોને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે.
સરદાર પટેલ યુનિવર્સિટીમાં જ છેલ્લાં એકાદ અઠવાડિયાથી પૂર્વ વિદ્યાર્થીઓના નામે પાંચથી છ ડિપાર્ટમેન્ટના પ્રોફેસરોને એકસરખા જ મેસેજ કરવામાં આવ્યા હતા. જેમાં ગુડ મોર્નિંગના મેસેજ કર્યા બાદ મેસેજ કરનારો શખસ પોતાની ઓળખ પૂર્વ વિદ્યાર્થી તરીકે આપતો હોય છે. જેમ-જેમ પ્રોફેસર સાથેની વાતચીત આગળ વધે એ પછી આ ઠગબાજો દ્વારા પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે. ઈમોશ્નલ કરી દે તેવા કારણો બતાવીને તેઓ દ્વારા રૂપિયા 10 થી 15 હજારની માંગ કરવામાં આવે છે. કેટલાંક સંજોગોમાં તો તેમને પૈસા પરત આપી દેવાનું પણ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શાતિર દિમાગના આ ઠગોની તરકીબમાં અત્યાર સુધીમાં કોઈ પ્રોફેસર ફસાયું નથી એમ સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
હું કયો વિષય ભણાવતો હતો તેમ પૂછતાં જ સાયબર ઠગની ગેં..ગેં..ફેં..ફેં.. થઈ ગઈ છેલ્લાં કેટલાંય સમયથી આ પ્રકારના મેસેજમાં નાણાં ગુમાવવાનો વારો આવતો હોય એટલે તમામ પ્રોફેસરોએ મદદ કરી નથી. પરંતુ કેટલાંક કિસ્સામાં તો પ્રોફેસરોએ સંદેશ મોકલનારા શખસને રૂબરૂ મળવા આવ તેમ કહેતાં જ બ્લોક કરી દીધા તો વળી એક સાયન્સના પ્રોફેસરે તેને હું કયો વિષય ભણાવતો હતો તે કહે તેમ પૂછતાં મેસેજ કરનારા શખસને ગેં..ગેં..ફેં..ફેં.. થઈ ગઈ હતી અને કોઈ ગુજરાતીનો જ વિષય ભણાવતા હતા તેમ કહ્યું હતું. કેટલાંક પ્રોફેસરોએ તો જવાબ આપવાનું જ ટાળ્યું હતું.

