

રાજકોટના ભોમેશ્વર વાડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માતાની સતત વણસી રહેલી માનસિક સ્થિતિ અને ઘરના કલેશથી કંટાળીને ધોરણ 9માં ભણતા 15 વર્ષના કિશોરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
સદનસીબે, પિતાની સમયસૂચકતાને કારણે કિશોરનો જીવ બચાવી લેવાયો હતો. હાલ આ સગીર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, ભોમેશ્વર વાડી વિસ્તારમાં રહેતા એક પ્રૌઢનો 15 વર્ષીય પુત્ર વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે દરમિયાન અવાજ આવતા સગીરના પિતા તુરંત જ રૂમમાં દોડી ગયા હતા અને પુત્રને નીચે ઉતારી લીધો હતો.
સગીરને બેભાન અવસ્થામાં તાત્કાલિક 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
સગીરના પિતાએ જણાવ્યા અનુસાર, પરિવાર છેલ્લા દોઢ મહિનાથી ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. તેમની પત્ની માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરમાં સતત તોડફોડ અને અશાંતિનું વાતાવરણ રહેતું હતું. પત્નીની બીમારીને કારણે પરિવારના સભ્યો છેલ્લા બે દિવસથી સૂઈ શક્યા નહોતા.
જેથી પુત્રે હતાશામાં આવીને પિતાને કહ્યું હતું કે,”પપ્પા, હવે હું થાકી ગયો છું’ અને ત્યારબાદ આ પગલું ભર્યું હતું. સગીર ત્રણ ભાઈઓમાં સૌથી નાનો પુત્ર છે અને ધોરણ 9માં અભ્યાસ કરે છે. સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર હાલ સગીરની હાલત સ્થિર છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં સંત કબીર રોડ, શેરી નં.1માં રહેતા રણછોડભાઈ પોપટભાઈ સગપરિયા (ઉં.વ.72) એ માનસિક બીમારીથી કંટાળી રવિવારે વહેલી સવારે પોતાના ઘરે લોખંડના હૂકમાં ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ થતાં જ પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
પારિવારિક તણાવમાં કફોડી સ્થિતિ સગીરોની: મનોચિકિત્સક
ઘરમાં સતત ઝઘડા, માનસિક બીમારી અથવા તણાવપૂર્ણ વાતાવરણ હોય ત્યારે તેની સૌથી વધુ અસર બાળકો પર પડે છે. મનોચિકિત્સકોના જણાવ્યા મુજબ સગીર વયના બાળકોમાં ભાવનાત્મક સહનશક્તિ ઓછી હોય છે, તેથી તેઓ પરિવારના કલેશને સહન કરી શકતા નથી.
ઘણી વખત બાળકો પોતાનું દુઃખ વ્યક્ત પણ કરી શકતા નથી અને અંદરથી તૂટી જતા હોય છે.
ઘરમાં માતા-પિતાના મતભેદ, તોડફોડ, ચીડિયાપણું અથવા સતત તણાવ હોય ત્યારે બાળકમાં ડર, એકલતા અને હતાશા જેવી લાગણીઓ વધે છે. આવી સ્થિતિમાં કેટલાક બાળકો અભ્યાસથી દૂર થવા લાગે છે, તો કેટલાકમાં ડિપ્રેશન જેવી સ્થિતિ ઊભી થાય છે. અત્યંત કફોડી સ્થિતિમાં તેઓ જીવનથી કંટાળી જઈ ખોટું પગલું ભરવાનો પ્રયાસ પણ કરી શકે છે.




