Uncategorized

‘ઘરની હરાજી થશે તો મારે ઝેર ખાવાનો વારો આવશે’:ફાયનાન્સ કંપનીની જીદ સામે લાચાર માતાની વેદના; પતિનું મોત, બે બાળકોની જવાબદારી, હવે મકાન છીનવાશે?

અમદાવાદ

મકાનની હરાજી કરે તો હું અને મારા છોકરાંઓ રસ્તા પર આવી જઇશું. હું મારા છોકરાંઓને લઇને ક્યાં જઉં?

આ શબ્દો છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારના ત્રાગડમાં સ્વસ્તિક એલિગન્સમાં ફ્લેટ ધરાવતાં વિધવા મહિલા ગીતા રાઠોડના.

તેમના આ મકાનની આજે હરાજી થવાની છે. ગીતાબેન લોકોના ઘરમાં રસોઇ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. દીકરી ધો.11માં અભ્યાસ કરે છે અને દીકરો ધો.10માં અભ્યાસ કરે છે. દીકરાની પરીક્ષા પણ ચાલે છે.

ગીતાબેનના પતિ નરેશ રાઠોડ એમ્બ્યુલન્સ ચલાવતા હતા. 2018માં તેમણે આધાર હાઉસિંગ ફાયનાન્સ લિમીટેડમાંથી 20 લાખ રૂપિયાની લોન અને 20 લાખ રૂપિયાનો વીમો લીધો હતો. જ્યારે વીમો લીધો ત્યારે તેમને એવું કહેવાયું હતું કે જો નરેશ રાઠોડનું મૃત્યુ થાય તો વીમાની રકમમાંથી લોનની રકમ ભરપાઇ થઇ જશે અને મકાન ગીતાબેનના નામે થઇ જશે. 2020માં કોરોનામાં નરેશ રાઠોડનું મૃત્યુ થયું હતું.

નરેશ રાઠોડના મૃત્યુ બાદ જ્યારે ગીતાબેને ક્લેઇમ મૂક્યો ત્યારે ફાયનાન્સ કંપનીએ તેમને કહ્યું હતું કે તમે કાગળ મૂકો એટલે લોન માફ થઇ જશે. જો કે આ ઘટનાના 14 મહિના પછી તેમનો ક્લેઇમ રિજેક્ટ થયો હતો. જેના પછી ફાયનાન્સ કંપનીએ તેમની પાસેથી હપ્તા વસૂલ્યા હતા.

ગીતા રાઠોડનો ફ્લેટ સ્વસ્તિક એલિગન્સમાં આવેલો છે
ગીતા રાઠોડનો ફ્લેટ સ્વસ્તિક એલિગન્સમાં આવેલો છે

ગ્રાહક કમિશને પતિના મૃત્યુ બાદ લોનની રકમ માફ કરવા અને તેમની પાસેથી વસૂલેલી રકમ 9% ના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. જેનાથી નારાજ થઇને ફાયનાન્સ કંપનીએ દિલ્હી સ્થિત નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમિશન સમક્ષ અપીલ કરી છે. હાલ આ અપીલ પેન્ડિંગ છે તેમ છતાં ફાયનાન્સ કંપની આજે આ મકાનની હરાજી કરી રહી છે. આ અંગે ગીતાબેને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર પણ લખ્યો છે. બીજીતરફ ફાયનાન્સ કંપની દાવો કરી રહી છે કે આ કાર્યવાહી કાયદા પ્રમાણે જ થઇ રહી છે.

ફાયનાન્સ કંપનીએ આજે હરાજી રાખી છે
ફાયનાન્સ કંપનીએ આજે હરાજી રાખી છે

દિવ્ય ભાસ્કરે આ આખા મામલા અંગે ગીતા રાઠોડ અને ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ તેમજ આધાર હાઉસિંગ ફાયનાન્સ લિમીટેડના જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી હતી.

પતિના મૃત્યુ પછી 9 લાખ રૂપિયા વસૂલ્યા ગીતાબેને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ક્લેઇમ રિજેક્ટ થયા પછી ફાયનાન્સ કંપનીએ અમારી પાસેથી થોડાં-થોડાં હપ્તા વસૂલવાનું ચાલુ કર્યું હતું. અમને કહેતા કે જો તમે હપ્તા નહીં ભરો તો અમે ઘરનો કબજો લઇ લઇશું. દર 2-4 મહિને હપ્તા વસૂલવા આવી જાય અને ઘર પર નોટિસ મોકલી ઘરને સીલ કરી દેવાની ધમકી આપે છે. મારા પતિના મૃત્યુ પછી અંદાજે 9 લાખ રૂપિયા એ લોકોએ અમારી પાસેથી વસૂલ્યા છે.

ગ્રાહક ફોરમે શું ચુકાદો આપ્યો તેની વાત પણ ગીતાબેને કહી. તેઓ જણાવે છે કે, મારા પતિ જીવતાં હતા ત્યારે અમે 3 વર્ષ સુધી દર મહિને 21 હજાર રૂપિયાનો હપ્તો ભર્યો હતો. અમે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિના સુચિત્રાબેનની મદદ લીધી હતી. તેમણે અમારા વતી ગ્રાહક ફોરમમાં કેસ કર્યો હતો. જેમાં એવો ઓર્ડર થયો હતો કે મારા પતિના મૃત્યુ બાદ અમે જેટલી પણ રકમ ભરી છે તે 8% વ્યાજ સાથે પાછી આપવી.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો ગીતાબેને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને 9મી માર્ચે લેખિત રજૂઆત કરી છે. આ અરજીમાં સમગ્ર કેસની વિગતો દર્શાવીને જણાવ્યું છે કે ગ્રાહક કમિશને આપેલા ચુકાદા સામે રિવીઝન પિટિશન પેન્ડિંગ હોય તેવા સમયે ફાયનાન્સ કંપનીનું આવું પગલું કોર્ટની અવમાનના ના ગણી શકાય ? ગ્રાહક સુરક્ષા કમિશનનો ચુકાદા અમારી તરફેણમાં હોવા છતાં પણ સરફેસી એક્ટનો દુરૂપયોગ કરીને અમારી મિલકત પચાવી પાડવાની કોશિષ કરી રહી છે. મારા ઘરને કંઇપણ થશે તો હું અને મારા 2 સંતાનો રોડ પર આવી જઇશું.

આધાર હાઉસિંગ ફાયનાન્સની મનમાનીઃ ગીતાબેન ગીતાબેને આધાર હાઉસિંગ ફાયનાન્સને પણ ગઇકાલે નોટિસ ફટકારી છે. જેમાં આ હરાજી કાયદા વિરૂદ્ધની અને મન મરજી મુજબની હોવાનું કહ્યું છે. સાથે જ નોટિસ મળ્યાં બાદ હરાજીનું કામ તાત્કાલીક બંધ કરવાની માંગ કરી છે.

મકાનના દરવાજા પર નોટિસ ચોંટાડેલી છે
મકાનના દરવાજા પર નોટિસ ચોંટાડેલી છે

મોત વ્હાલું કર્યા સિવાય કોઇ રસ્તો નહીં બચેઃ ગીતાબેન ગીતાબેને કહ્યું કે, જો આધાર હાઉસિંગ ફાયનાન્સ ગ્રાહક સુરક્ષા કમિશનના ચુકાદાઓને અવગણી પોતાની મરજી મુજબની કાર્યવાહી કરશે તો આ જોતાં ભવિષ્યમાં કોઇ ગ્રાહક સુરક્ષા કમિશનનું પગથિયું નહીં ચડે. સમાજ ઉપયોગી, ગ્રાહકલક્ષી કાનૂનનો કોઇ અર્થ, જરૂરિયાત કે હેતુ નથી. આર્થિક રીતે સંપન્ન ફાયનાન્સ કંપની અન્ય કાયદાની જોગવાઇ તથા આંટીઘૂંટીઓની મદદ લઇ અમને નિરાધાર કરે તો સગીર સંતાનો સાથે રસ્તે રઝળવા કરતાં મોત વ્હાલું કરવા સિવાય બીજો કોઇ રસ્તો બાકી નહીં રહે.

તેમણે આધાર ફાયનાન્સ કંપની પર દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો. તેઓ કહે છે કે, મારી ઉપર આધાર હાઉસિંગ ફાયનાન્સ લિમીટેડ તરફથી આવું પ્રેશર નાંખવામાં આવ્યું છે. અમે આધાર ફાયનાન્સમાં આ અંગે કંઇ વાત કરવા ગયા નથી. કેમ કે અમે જઇએ તો પણ તેઓ કંઇ જવાબ આપતાં જ નથી. તેઓ અમારા ઘરે આવીને નોટિસ ચોંટાડી જાય છે પરંતુ અમે હાથોહાથ રૂબરૂમાં અરજી આપવા જઇએ તો પણ તેઓ સ્વીકારતાં નથી અને કંઇ સાંભળતાં પણ નથી. હજુ સુધી અમને ફોરમના હુકમ મુજબ કોઇ રકમ પણ ચુકવી નથી.

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કોરોનાના સમયે નરેશભાઇ કાર્ડિયાકએરેસ્ટના કારણે મૃત્યુ પામ્યા હતા પણ વીમા કંપનીએ તેમને પોલિસીનો લાભ નહોતો આપ્યો. જેથી ફાયનાન્સ કંપનીએ ગીતાબેન પર પૈસા વસૂલવા દબાણ ઊભું કર્યું હતું.

‘અમે ગ્રાહક ફોરમમાં કેસ કર્યો હતો. જેમાં ડિસ્ટ્રીક્ટ ફોરમે અમારી તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. ડિસ્ટ્રીક્ટે ફોરમે 9 જુલાઇ, 2020થી વ્યાજ સાથે રકમ પાછી આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે બંને પક્ષકારોએ કમિશન સમક્ષ અપીલ કરી હતી. સ્ટેટ કમિશને પણ ડિસ્ટ્રીક્ટ ફોરમના હુકમને કાયમ રાખ્યો હતો.’

નેશનલ ફોરમમાં 13મી એપ્રિલે સુનાવણી થવાની છે
નેશનલ ફોરમમાં 13મી એપ્રિલે સુનાવણી થવાની છે

તેમણે હરાજીની પ્રક્રિયાને ફાયનાન્સ કંપનીની દાદાગીરી ગણાવી. તેઓ કહે છે કે, આ હુકમ સામે આધાર ફાયનાન્સે નેશનલ કમિશન સમક્ષ અપીલ દાખલ કરી છે. જ્યાં ફાઇનલ સુનાવણી માટે 13 એપ્રિલની તારીખ નક્કી કરાઇ છે. આવા સમયે ફાયનાન્સ કંપનીએ પોતાની મનમરજી મુજબ દાદાગીરી કરીને હરાજી અંગેની નોટિસ આપી છે. જે ખોટું છે. જ્યારે કેસ ચાલી રહ્યો હોય ત્યારે કોઇ દખલગીરી કરી શકાય નહીં તેમ છતાં ફાયનાન્સ કંપની હરાજીની પ્રક્રિયા કરે તો તે ન્યાય સંગત નથી. જરૂર પડ્યે અમે ફાયનાન્સ કંપનીની આ દાદાગીરીને પડકારીશું. ન્યાય મેળવવા માટે અમારે જ્યાં પણ જવું પડશે ત્યાં જઇશું.

મકાનની હરાજી વિરૂદ્ધ સુચિત્રા પાલે કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તેમણે વધુમાં કહ્યું કે, સ્ટેટ કમિશને હુકમ કર્યો છે અને નેશનલ કમિશનમાં કેસ પડતર છે ત્યારે તેઓ તરફથી જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે તે અંગે અમે કોર્ટના અનાદરની કાર્યવાહી જરૂરથી કરીશું. તેના માટે અમે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ (ડીઆરટી )માં પ્રોસેસ કરી છે. પરંતુ અમને હરાજી પહેલાંની તારીખ મળી નથી એટલે તે તારીખ સુધી અમારે રાહ જોવી પડશે ત્યારપછી જ અમે આગળની કાર્યવાહી કરી શકીશું.

કાયદા પ્રમાણે જ કાર્યવાહીઃ ફાયનાન્સ કંપની આધાર હાઉસિંગ ફાયનાન્સ લિ.ના ઓથોરાઇઝ્ડ ઓફિસર અભિલાષ ઉન્નીથાને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આ મેટર કોન્ફિડેન્શિયલ છે એટલે હું કંપનીની કોઇ વાત ન કરી શકું. અમે કાયદા પ્રમાણે જ કાર્યવાહી કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!