50 હજારનું ડિજિટલ ફ્રોડ થાય તો એક કોલથી રિફંડ:તરત ફરિયાદથી 85% રકમ પાછી મળશે; RBI બનાવી રહી છે નવી ગાઈડલાઈન, 6 એપ્રિલ સુધી સૂચનો મોકલી શકાશે
નવી દિલ્હી


ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં થતી છેતરપિંડીથી ગ્રાહકોને બચાવવા માટે નવું ડ્રાફ્ટ ફ્રેમવર્ક ‘કસ્ટમર લાયબિલિટી ઇન ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ’ બહાર પાડ્યું છે. આ અંતર્ગત જો કોઈ ગ્રાહક સાથે ડિજિટલ છેતરપિંડી થાય છે અને તે તરત જ તેની જાણ કરે છે, તો તેને 25,000 રૂપિયા સુધીનું વળતર મળી શકે છે.
નવા નિયમોનો ઉદ્દેશ્ય બેંક ફરિયાદોના નિરાકરણમાં લાગતા સમયને ઘટાડવાનો અને નાની રકમની છેતરપિંડી માટે એક સારી રિફંડ સિસ્ટમ તૈયાર કરવાનો છે. RBI એ આ ડ્રાફ્ટ પર જનતા અને હિતધારકો પાસેથી 6 એપ્રિલ, 2026 સુધી સૂચનો માંગ્યા છે. આ પછી સરકાર તેને લાગુ કરશે.
ફ્રોડની રકમના 85% સુધી પાછા મળી શકશે
પ્રસ્તાવિત નિયમો અનુસાર, જો 50,000 રૂપિયા સુધીની ડિજિટલ છેતરપિંડી થાય છે અને ગ્રાહક સમયસર તેની જાણ કરે છે, તો તેને નુકસાનના 85% અથવા ₹25,000 (જે ઓછું હોય તે) પાછા મળી શકે છે.
RBI માને છે કે તેનાથી ગ્રાહકોનો વિશ્વાસ વધશે જ નહીં, પરંતુ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ પણ વધુ સુરક્ષિત બનશે. આ વળતર મિકેનિઝમ લાગુ થયાની તારીખથી એક વર્ષ સુધી અમલમાં રહેશે, ત્યારબાદ તેના અનુભવોના આધારે તેની સમીક્ષા કરવામાં આવશે.
ઉદાહરણ દ્વારા સમજો ફ્રોડ થવા પર કેટલા પૈસા પાછા મળશે
પ્રથમ સ્થિતિ : જો ₹10,000 નું ફ્રોડ થયું હોય, તો 85% ના હિસાબે ₹8,500 પાછા મળશે.
બીજી સ્થિતિ : જો ₹40,000 નું ફ્રોડ થયું હોય, તો 85% ના હિસાબે ₹34,000 થાય છે, પરંતુ લિમિટ ₹25,000 છે, તેથી ₹25,000 જ મળશે.
2017ના નિયમોમાં ફેરફારની જરૂર શા માટે પડી?
RBIએ જણાવ્યું કે હાલના નિયમો વર્ષ 2017માં જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા 7-8 વર્ષમાં ડિજિટલ બેન્કિંગ અને પેમેન્ટની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે અનધિકૃત ટ્રાન્ઝેક્શન ઉપરાંત પણ અનેક પ્રકારના નવા ઇલેક્ટ્રોનિક ફ્રોડ સામે આવી રહ્યા છે.
તેને ધ્યાનમાં રાખીને જૂના નિયમોનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી દરેક પ્રકારની ડિજિટલ છેતરપિંડીને તેમાં આવરી શકાય.
ફરિયાદના કેસોનો ઝડપથી નિકાલ થશે, બેંકો પર જવાબદારી વધશે
નવા ડ્રાફ્ટનો એક મુખ્ય ઉદ્દેશ્ય બેંકો દ્વારા ફરિયાદોની પ્રક્રિયા કરવામાં લાગતા સમયને ઘટાડવાનો છે. ઘણીવાર જોવા મળે છે કે છેતરપિંડી થયા પછી ગ્રાહકોને રિફંડ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે.
RBI ઈચ્છે છે કે બેંકો અને નાણાકીય સંસ્થાઓ આ પ્રક્રિયાને ઝડપી બનાવે. ભવિષ્યમાં RBI વળતરની ચુકવણીમાં પોતાનો હિસ્સો ઘટાડવા અને બેંકોનો હિસ્સો વધારવા પર પણ વિચાર કરશે.
6 એપ્રિલ સુધી સામાન્ય લોકો સૂચનો આપી શકે છે
RBI એ આ ડ્રાફ્ટને પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યો છે. રેગ્યુલેટેડ એન્ટિટીઝ (બેંકો/NBFCs) અને સામાન્ય જનતા આ અંગે પોતાનો પ્રતિભાવ ઈમેલ દ્વારા મોકલી શકે છે. પ્રતિભાવ મળ્યા પછી નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
