સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા, CCTV:સુરતમાં નાનપણની મિત્રો કોલેજ જવાનું કહી નીકળી, ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit suicide’; ઇન્જેક્શન-દવાની બોટલો મળી
સુરત

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી આજે(7 માર્ચ) સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બંને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ આકસ્મિક મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને મૃતક યુવતીઓ નાનપણની મિત્રો હતી અને કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જેમાં રોશની શિરસાઠે ChatGPT પર સર્ચ કર્યું હતું કે ‘How to commit suicide’.
બંને યુવતીઓ બાથરૂમમાં જતી હતી તે સમયના CCTV પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને યુવતીઓ બાથરૂમ તરફ જઈ રહી છે અને બાદમાં બાથરૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી દે છે. બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી છે.

કોલેજ ગયેલી યુવતીઓ ઘરે પરત ન ફરતા શોધખોળ શરૂ થઈ ડીંડોલી વિસ્તારમાં રહેતી બે સખીઓ રોશની શિરસાઠ અને જ્યોત્સના ચૌધરી શુક્રવારે સવારે રાબેતા મુજબ કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. જોકે, બપોર વીતી જવા છતાં બંને યુવતીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
કોલેજથી પાછા આવવાનો સમય બપોરે 12:30 વાગ્યાનો હતો: સંબંધી સંબંધી સુભાષભાઈએ જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યે બંને કોલેજ જવા માટે નીકળી હતી. તેમનો કોલેજથી પાછા આવવાનો સમય બપોરે 12:30 વાગ્યાનો હતો, પણ તેઓ ન આવી. 1:30 વાગ્યા પછી બધાએ તેમને ફોન કરવાના શરૂ કર્યા, પણ કોઈનો ફોન તેઓ ઉપાડતી નહોતી. ન તો કોઈ મેસેજનો જવાબ આપ્યો.
‘બાથરૂમનો દરવાજો તોડીને જોયું તો બંને યુવતીઓ ત્યાં પડેલી હતી’ ત્યારબાદ અમે 3 વાગ્યે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) કરી. અમે અમારી રીતે પણ શોધખોળ શરૂ કરી અને લોકેશન ટ્રેસ કર્યું તો સ્વામિનારાયણ મંદિર પાસેનું લોકેશન બતાવ્યું. ત્યાં જઈને જોયું તો તેમની ગાડી મળી આવી.અમે આખું મંદિર તપાસ્યું પણ કઈ મળ્યું નહીં. એક બાથરૂમની લાઈટ ચાલુ હતી એટલે અમને શંકા ગઈ. બાથરૂમ અંદરથી બંધ હતું એટલે અમે દરવાજો તોડીને જોયું તો બંને યુવતીઓ ત્યાં પડેલી હતી.

‘નાનપણથી બહેનપણી હતી’ અમે ગભરાઈ ગયા હતા અને તરત જ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પણ ત્યાં તેમણે ના પાડી દીધી. પછી સિવિલ હોસ્પિટલ લાવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી.સીસીટીવી કેમેરા બહાર છે, પણ બાથરૂમની અંદર નથી. તેઓ પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી સાથે જ ભણી છે. કોલેજમાં જ બંને અલગ થઈ હતી. તેઓ બાળપણની બહેનપણીઓ હતી.
બાથરૂમમાંથી ઝેરના પડીકા મળ્યા: PI આ સમગ્ર મામલે ડીંડોલીના PI આર. જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમને ઘટનાની જાણકારી મળતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મંદિરના તમામ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. લગભગ સવા સાત વાગ્યાના અરસામાં બંને યુવતીઓ મંદિરમાં પ્રવેશ કરે છે અને 7:30 વાગ્યે તેઓ બાથરૂમ તરફ જાય છે. બાથરૂમની અંદરથી અમને ઝેરના પડીકા પણ મળી આવ્યા છે, જેને અમે FSLમાં મોકલીશું. હાલ પરિવારનું નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે.
સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી મળી આવી સ્કૂટી પોલીસ તપાસ દરમિયાન આજે શનિવારે સવારે બંને યુવતીઓનું છેલ્લું લોકેશન સણીયા ગામ પાસે મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા સણીયા ગામના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી યુવતીઓની સ્કૂટી મળી આવી હતી. ત્યારબાદ પોલીસે મંદિરના CCTV ફૂટેજ ચેક કરતા બંને યુવતીઓ જાતે જ મંદિરના બાથરૂમ તરફ જતી હોવાનું અને અંદરથી દરવાજો બંધ કરતી હોવાનું કેમેરામાં કેદ થયું હતું. શંકા જતાં પોલીસે બાથરૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો મળી આવી બાથરૂમનો દરવાજો તોડતા જ અંદરનું દૃશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રોશની અને જ્યોત્સના બંને ત્યાં મૃત હાલતમાં મળી આવી હતી. તપાસ દરમિયાન મૃતદેહોની પાસેથી ઇન્જેક્શન અને દવાની ત્રણ બોટલો પણ મળી આવી છે, જે શંકા જન્માવે છે કે યુવતીઓએ કોઈ ઝેરી દવા અથવા ઓવરડોઝના કારણે આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, આ મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ તેજ કરી ડીંડોલી પોલીસે આ મામલે એ.ડી (અકસ્માત મોત) ક્રમાંક 32, 33/2026 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવતીઓએ કયા અગમ્ય કારણોસર આ અંતિમ પગલું ભર્યું અથવા તેમની સાથે શું બન્યું હતું તે જાણવા માટે મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇન્જેક્શનમાં કઈ દવા હતી અને તેનાથી મોત નીપજ્યું છે કે કેમ તે દિશામાં એફએસએલ (FSL)ની મદદ લેવામાં આવી રહી છે.
ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit suicide’ ડીંડોલી વિસ્તારમાં બનેલી વિદ્યાર્થિનીઓની આત્મહત્યાની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન એક અત્યંત ચિંતાજનક વિગત સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આત્મહત્યા કરતા પહેલા આ વિદ્યાર્થિનીઓએ તેમના મોબાઈલમાં ChatGPT જેવા AI પ્લેટફોર્મ પર ‘How to commit suicide’ (આત્મહત્યા કઈ રીતે કરવી) સર્ચ કરીને રીતો વિશેની જાણકારી મેળવી હતી. આ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ મળતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. ઘટનાસ્થળેથી પોલીસને કેટલીક ઇન્જેક્શનની સિરીંજ પણ મળી આવી છે, જે આ કેસમાં કોઈ ખાસ પદ્ધતિનો ઉપયોગ થયો હોવાના સંકેત આપે છે. ડીંડોલી પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ માનસિક તણાવ જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે કયા સંજોગોમાં આ તેજસ્વી વિદ્યાર્થીનીઓને આવો આત્મઘાતી નિર્ણય લેવાની ફરજ પડી.

