Uncategorized
માતા-પિતાએ કહાની ઉપજાવી કાઢી? મિષ્ટી અને રાહાના મોતની તપાસમાં ચોંકવાનારો ખુલાસો
અમદાવાદ ઢોસાકાંડ
નવા ખુલાસાઓ બાદ હવે પોલીસ સામૂહિક આપઘાત, સામૂહિક હત્યા, અકસ્માત કે અન્ય કોઈ ષડયંત્રની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બહારથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોત થયા હતા. આ કેસ આખા ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે. અઢી માસની રાહા અને ત્રણ વર્ષની મિસ્ટીનું મોતના મામલામાં નવો જ વળાંક સામે આવ્યો છે. જે બાદ તેમના માતા પિતાની પણ તબિયત બગડતાં તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ચર્ચાસ્પદ કેસમાં બ્લડ રિપોર્ટનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં બાળકીઓના માતા પિતાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળી આવ્યું છે. જોકે, નિષ્ણાતોએ આ અંગે જણાવ્યું છે કે, એફએસએલના રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. નવા ખુલાસાઓ બાદ હવે પોલીસ સામૂહિક આપઘાત, સામૂહિક હત્યા, અકસ્માત કે અન્ય કોઈ ષડયંત્રની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

આ ચર્ચાસ્પદ કેસમાં પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનિંગની શક્યતા નકારી કાઢવામાં આવી છે. હવે ઝેરી દવાના એંગલ પરથી તપાસ આગળ વધી રહી છે. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા વિમલ પ્રજાપતિ અને તેમની પત્ની ભાવનાબેન પ્રજાપતિના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવતાં તેમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડના અંશો મળી આવ્યા છે. (બાળકીઓની ફાઇલ તસવીર)

આ દવા સામાન્ય રીતે અનાજને જીવાતોથી બચાવવા માટે વપરાય છે. આ ખુલાસા બાદ ફૂડ પોઇઝનિંગની થિયરી અટકાવી દેવામાં આવી છે. બંને બાળકીના પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ હજુ બાકી છે, જે આવ્યા બાદ જ આ કેસમાં વધુ સ્પષ્ટતા જોવા મળશે. પોલીસે દાદા દાદીની પૂછપરછ કરી છે. દંપતીના સીડીઆરની તપાસ ચાલી રહી છે. (વિમલ પ્રજાપતિ અને તેમની પત્ની ભાવનાબેન પ્રજાપતિની ફાઈલ તસવીર)

સીસીટીવી ફૂટેજની તપાસમાં વિમલ રામનગરના મેડિકલ સ્ટોરમાંથી ઘઉંમાં મૂકવાની ઝેરી દવાના 10 ટિકડા ખરીદ્યા હતા. તેમાંથી બે ટિકડા બાકી બચેલા હતા. શરૂઆતમાં પ્રજાપતિ પરિવારે ઢોસા ખાવાથી ફૂડ પોઇઝનિંગ થયાનો દાવો કર્યો હતો, પરંતુ હાલના રિપોર્ટમાં તે નકારી કાઢવામાં આવ્યું છે. નવા ખુલાસાઓ બાદ હવે પોલીસ સામૂહિક આપઘાત, અકસ્માત કે અન્ય કોઈ ષડયંત્રની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. (વિમલ પ્રજાપતિની ફાઇલ તસવીર)

નોંધનીય છે કે, બાળકીઓના મોત કેવી રીતે થયા તે માટે પોલીસ મેડિકલ રિપોર્ટ, એફએસએલ અને વિસેરા સહિતના રિપોર્ટની રાહ જોઈ રહી છે. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવીને તેના ઢોંસા બનાવીને ખાવાથી બે માસૂમ બાળકીના મોત નીપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોંસા બનાવીને ખાતાં તેમની તબિયત લથડી હતી. જે બાદ તેમની પત્ની અને મોટી પુત્રી મિસ્ટીની પણ તબિયત લથડી હતી. જે બાદ સારવાર દરમિયાન અઢી માસની રાહા અને ત્રણ વર્ષની મિસ્ટીનું મોત નીપજ્યું હતું. (સીસીટીવી ફૂટેજ)



