Uncategorized

‘પાટીદાર બહેનોને બ્યૂટિપાર્લરના ઘોડા ઊપડ્યા છે’:જેરામબાપાએ કહ્યું, ફેશનમુક્ત બનો, કુદરતે આપેલા સૌંદર્યને સ્વીકારો, લગ્ન પહેલાં 10 વાર જોવા જાવ છો તો પછી છૂટાછેડા કેમ?

પાટીદાર સમાજનું પણ બંધારણ તૈયાર થાય એવી સંભાવના. - Divya Bhaskar
પાટીદાર સમાજનું પણ બંધારણ તૈયાર થાય એવી સંભાવના.

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે થોડા દિવસ પહેલાં ‘કડવા પાટીદાર સમાજ સ્નેહમિલન’ કાર્યક્રમ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજમાં સદવિચારનાં બીજ રોપવા, મહિલા સશક્તીકરણ, યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન અને સામાજિક કુરિવાજોને દૂર કરવા જેવા મહત્ત્વના વિષયો પર સકારાત્મક વિચાર-વિમર્શ કરવા તેમજ શિક્ષિકા બહેનોના વયનિવૃત્તિ નિમિત્તે તેમનું સન્માન કરી તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં જેરામબાપાએ સમાજમાં થતા છૂટાછેડા દૂષણને દૂર કરી છૂટાછેડા ન જ થવા જોઈએ એવો સંકલ્પ કરવા, ભાઈઓને વ્યસનથી દૂર રહેવા અને બહેનોને ફેશનથી દૂર રહેવા ટકોર કરી હતી. જ્યારે સાંસદ રૂપાલાએ બાળકોના ઉછેરમાં ધ્યાન આપવા અને તેમને પૂરતો સમય આપવા ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરીએ યોજાયેલા આ કાર્યક્રમનો વીડિયો વાઇરલ થયો છે.

8 ફેબ્રુઆરીએ 'કડવા પાટીદાર સમાજ સ્નેહમિલન' કાર્યક્રમ યોજાયો હતો.
8 ફેબ્રુઆરીએ ‘કડવા પાટીદાર સમાજ સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો હતો.

 

આપણા વડીલોએ જે પ્રણાલી પાડી એ આપણે ભૂલી ગયાઃ જેરામબાપા કડવા પાટીદાર સમાજના અગ્રણી જેરામબાપાએ સમાજને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આપણા સમાજમાં ઋષિમુનિઓ અને આપણા વડીલોએ જે પ્રણાલી પાડી હતી એ હવે આપણે ભૂલી ગયા છીએ. દીકરીનો જ્યારે ઉછેર થાય ત્યારે દીકરી પહેલા મોળાક્ત રહે ત્યારથી એકટાણા કરવાનું, ભૂખ્યા રહેવાનું અને માઁ ગૌરી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત થાય છે. એમાંથી મોટી થાય અને જયા પાર્વતી વ્રત કરે, મોળાક્ત રહે એટલે મીઠા વગરનું મોળું ખાય. આ બધું દીકરી માવતરના ઘરે હોય ત્યારે ટેવ પાડે, કારણ કે ખબર હોય કે દીકરી પારકા ઘરે જશે, ત્યાં રીત-રીવાજ અને રહેણીકહેણી અલગ હશે, આમાં સેટ થઇ જાય એટલે આ બધી પ્રણાલી પાડી હતી.

નાનપણમાં ગીતો ગવાતા કેસરિયો વર દેજે, સસરો સુવાદિયો દેજે એટલે કે સસરા સ્વાદિષ્ટ ખાવાના શોખીન હોય એ ઘરમાં સારું ખાવાનું મળે. આ બધું આજે આપણે ભૂલી ગયા છીએ. શિક્ષણ આવ્યું એ સારી વાત છે, એનાથી જ સમાજનો વિકાસ થાય, પણ એની સાથે-સાથે આ પણ જરૂરી છે. સંપત્તિ આવી, શિક્ષણ આવ્યું, પણ વૈચારિક્તા ખામી આવતાં સમાજને મોટું નુકસાન થાય છે.

‘સંતાનો 18થી 20 વર્ષના થાય ત્યાં સુધી આપણી પકડ તેના પર હોવી જોઈએ’ આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે બહેનોને મારી પ્રાર્થના છે, આપણું સંગઠન મજબૂત છે. આપણે દાખલો બેસાડવો જોઈએ કે અમારા તાલુકામાં કોઈ છૂટાછેડાના કેસ થશે જ નહિ. આવો સંકલ્પ કરી બધાએ અહીથી ઊભું થવું જોઈએ. ભાઈઓ અને બહેનો બધાં જ આ સંકલ્પ લે… ખાસ બહેનોને પ્રાર્થના છે, દીકરો હોય કે દીકરી, 18થી 20 વર્ષનો થાય ત્યાં સુધી આપણી પકડ તેના પર હોવી જોઈએ.

‘સમાજ વ્યસનમુક્ત અને બાયું ફેશનમુક્ત થાય એ જરૂરી’ ગુરુકુળના વિદ્યાર્થી આજીવન નિર્વ્યસની રહી શકે તો તમે તો જનેતા છો, તમે માઁ થઈને આવું સંસ્કારનું સિંચન કેમ ન કરી શકો? તમે ચોક્કસ સિંચન કરી શકો છો, તમે કહો 20 વર્ષ સુધી તારા બાપને ભલે વ્યસન હોય, તારા ભાઈને ભલે વ્યસન હોય, તારે નથી કરવાનું એટલે ચોક્કસ નહિ થાય. સમાજ વ્યસનમુક્ત થાય એ જરૂરી છે અને બાયું ફેશનમુક્ત થાય એ જરૂરી છે.

આખા કચ્છમાં ગમે તેના લગ્નમાં જમો, એક જ પ્રકારનું મેનુ આવેઃ રૂપાલા રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પણ સમાજને ટકોર કરતાં જણાવ્યું હતું કે સમાજમાં લગ્નમાં ખોટા ખર્ચા, સમાજમાં છૂટાછેડા, દીકરીના પૈસા લેવા આ બધા કુરિવાજો બંધ કરવા જોઈએ. સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવાનો છે, તોડવાનો નહિ. હું જાહેરમાં કચ્છના આહીર સમાજનું ઉદાહરણ એટલે જ આપું છું કે કચ્છનો આહીર સમાજ છે, એ લોકોએ ઠરાવ કરી દીધો છે, એક જ તિથિના લગ્ન અને એમાં મેનુ પણ એક જ આખા કચ્છમાં ગમે, તેના લગ્નમાં જમો એક જ પ્રકારનું મેનુ આવે. એમાં સંભારો પણ વધારાનો ન આવે એને સમાજ કહેવાય.

‘નાની-મોટી ખલેલ દૂર કરી સમાજને પાટા પર ચડવાની કોશિશ જરૂરી’ આપણે પણ આપણા સમાજમાં આવી કોઈ નાની-મોટી ચીજો દાખલ કરીને આજે વિશ્વ આખામાં આપનો સમાજ પ્રખ્યાત છે, તો જે નાની-મોટી ખલેલ દૂર કરી ફરી પાટા પર ચડવાની કોશિશ કરી તોપણ માતાજી આપણી સાથે રહેશે એવું મને લાગે છે. આપણા સમાજમાં આમ કરો, આમ ન કરો, આવા છે, તેવા છે નહિ, પણ આપણો સમાજ છે, સમજી ફરીથી આપનો સમાજ આમ ચાલશે એમ નાની-મોટી વાતોના નિર્ણય કરવાની આવશ્યકતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!