Uncategorized
Trending
યમુના નદીમાંથી બહાર કઢાઈ બોટ, 10 લોકોના મોત બાદ 5 હજુ પણ ગુમ
વૃંદાવનમાં દુર્ઘટનાઃ

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં યમુના નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી જતાં 10 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના બાદ પાણીમાં ઊંડે ફસાયેલી બોટને 5 કલાકની ભાર જહેમત બાદ બહાર કાઢવામાં આવી છે. આ દુર્ઘટના બાદ આખા વૃંદાવનમાં ભારે ચકચાર મચી ગઈ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે મધ્યરાત્રિ પછી પણ સર્ચ ઓપરેશન અભિયાન ચાલુ હતું, જે દરમિયાન ઊંડા પાણીમાં ફસાયેલી મોટર બોટને બહાર કાઢવામાં આવી છે. જોકે, હજુ પણ 5 લોકો લાપતા છે, જેમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
5 લોકો હજુ પણ ગાયબ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 10 લોકામાંથી 7 લોકો એક જ પરિવારના છે. મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આગ્રા રેન્જના ડીઆઈજી શૈલેશ કુમાર પાંડેએ જણાવ્યું કે, યમુના નદીમાં બોટ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. મોટર બોટને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 5 લોકો ગાયબ છે, જેમની શોધખોળ ચાલી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, તમામ પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.
શુક્રવારે બપોરે સર્જાઈ હતી દુર્ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બપોરે 2.45 વાગ્યાની આસપાસ શ્રી બાંકે બિહારી મંદિરથી આશરે 2.5 કિલોમીટર દૂર કેશી ઘાટ પાસે પર્યટકોથી ભરેલી મોટર બોટ પોન્ટૂન પુલ (પીપા પુલ) સાથે અથડાઈને યમુના નદીમાં પલટી ગઈ હતી. બોટમાં 35થી વધુ લોકો સવાર હતા, જે નદીમાં પડી ગયા હતા. તેમાંથી 10 લોકોના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ 5 લોકો નદીમાં લાપતા છે અને તેમની શોધખોળ ચાલુ છે.


