Uncategorized
Trending

દસ્તાવેજના કામ માટે લાંચ માંગનાર સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારી ઝડપાયા

નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર નરોડા-6 કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કાર્યવાહી હાથ ધરી

ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા
                    ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા
અમદાવાદ: નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર નરોડા-6 કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કાર્યવાહી હાથ ધરી છે. ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર 4 મે, 2026ના રોજ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સબ રજીસ્ટ્રાર કચેરી પાસે છટકું ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં આ કેસના ફરિયાદીએ પોતાના રહેણાક મકાનના દસ્તાવેજની પ્રક્રિયા માટે કચેરીની જરૂરી પ્રક્રિયા અનુસરી ત્યારે સબ રજીસ્ટ્રાર આકાશ અમૃતભાઈ દેસાઈએ દસ્તાવેજમાં ક્ષતિ બતાવી હતી. બાદમાં કચેરીમાં સીકકા ઓપરેટર તરીકે કાર્યરત જય બળદેવભાઈ આદિવાસીએ ફરીયાદીને વોટ્સએપ કોલ કરી જણાવ્યું હતું કે તેમનું કામ સરળતાથી થઈ જશે અને કલેક્ટર કચેરીમાંથી કલમ 73(AA)નું સર્ટિફિકેટ લાવવાની જરૂર રહેશે નહીં.
ત્યારબાદ જય આદિવાસી અને સર્ચ ઓપરેટર રાહીલ શૈખે ફરીયાદીને મળી ટોકન અનલોક કરવા માટે પ્રથમ તબક્કામાં રૂ.35,000 ઓનલાઇન ક્યુઆર કોડ મારફતે વસૂલ્યા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી સબ રજીસ્ટ્રારના કહેવાથી આરોપી નં-2 અને 3 દ્વારા કુલ ₹2.50 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી.
ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન જય આદિવાસીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને સબ રજીસ્ટ્રારના વતી રકમ સ્વીકારવાની વ્યવસ્થા કરી. આ દરમ્યાન જય આદિવાસી અને નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરાએ મળીને સ્થળ પર ₹2.50 લાખની લાંચ સ્વીકારી હતી
ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી ₹2.50 લાખની રકમ કબ્જે કરી અને સબ રજીસ્ટ્રાર આકાશ દેસાઈ, જય આદિવાસી તથા નરેન્દ્ર બોહરાને ઝડપી પાડ્યા હતા. જ્યારે રાહીલ શૈખની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ મામલે આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે અને ACB દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે ફરી એકવાર સખત કાર્યવાહી કરવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!