Uncategorized
પતિ IPS, પોતે IAS, જજ અમન કુમાર શર્મા આત્મહત્યા કેસમાં સાળી નિધિ મલિકનું નામ આવ્યું ચર્ચામાં

દિલ્હીના જજ અમન કુમાર શર્માનો આત્મહત્યા કેસ ચર્ચામાં છે. તેમના પરિવારે તેમની પત્ની સ્વાતિ અને સાળી IAS અધિકારી નિધિ મલિક પર ગંભીર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. જાણો કોણ છે નિધિ મલિક અને આ હાઈ-પ્રોફાઇલ આત્મહત્યા કેસમાં તેમનું નામ કેમ આવી રહ્યું છે.
રાજધાની દિલ્હીના ન્યાયિક ક્ષેત્રમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. કડકડડૂમા કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ તરીકે તહેનાત 30 વર્ષીય જજ અમન કુમાર શર્માએ સફદરજંગ સ્થિત આવાસ પર કથિત રીતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. શરૂઆતી તપાસમાં પોલીસ આને આત્મહત્યાનો મામલો માની રહી છે, પરંતુ મૃતક જજના પરિવારે જે ખુલાસા કર્યા છે, તેનાથી આ ઘટના હાઈ-પ્રોફાઇલ વિવાદમાં ફેરવાઈ ગઈ છે. પરિવારનો આરોપ છે કે, અમન છેલ્લા 2 મહિનાથી ગંભીર માનસિક ઉત્પીડનનો શિકાર હતા. આ મામલે તેમની સાળી IAS નિધિ મલિકનું નામ પણ આવી રહ્યું છે.
દિવંગત જજ અમન કુમાર શર્માના પિતાનો દાવો છે કે, આ આત્મઘાતી પગલા પાછળ ઘરની અંદરનો તણાવ અને વગદાર સંબંધોની દખલગીરી છે. આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારું નામ તેમની સાળી અને IAS અધિકારી નિધિ મલિકનું છે. પરિવારનો દાવો છે કે, અમનની પત્ની સ્વાતિ, જે પોતે ન્યાયિક અધિકારી છે અને તેમની બહેન નિધિ મલિકનું ઘર પર પૂરું નિયંત્રણ હતું. અમને પોતાની મોતના થોડા સમય પહેલા જ પોતાના પિતાને ફોન કરીને પોતાનું દર્દ કહ્યું હતું. એક પ્રતિભાશાળી જજ, જેમના જીવન સામે લાંબી મુસાફરી હતી, તેમનું આ રીતે જવું સિસ્ટમ અને સમાજ સામે અનેક સવાલો ઉભા કરે છે.
જજ અમન શર્મા આત્મહત્યા કેસ: ધાક અને સંબંધોની ગૂંચવાયેલી કહાની
દિલ્હીના જજ અમન કુમાર શર્મા સફદરજંગ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના સાળા (બનેવી) શિવમે પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી. પોલીસનું કહેવું છે કે, શરૂઆતી મામલો ફાંસો ખાઈને આત્મહત્યાનો લાગી રહ્યો છે, પરંતુ હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ તમામ પાસાઓથી તપાસ કરી રહ્યા છે કે, શું આ ખરેખર આત્મહત્યા છે કે તેની પાછળ કોઈ ઊંડું કાવતરું છુપાયેલું છે.
સાળી IAS નિધિ મલિક પર લાગ્યા ગંભીર આરોપ
અમન કુમાર શર્માના પિતા પ્રેમ શર્મા અને સંબંધી રાજેશ શર્માએ સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. પિતાના જણાવ્યા મુજબ, અમને મોતથી બરાબર પહેલા ફોન પર કહ્યું હતું કે- હું ખૂબ પરેશાન છું, મારા માટે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. પરિવારનો આરોપ છે કે અમનના ઘર પર તેમની સાળી નિધિ મલિકનું સંપૂર્ણ નિયંત્રણ હતું. પરિવારનો દાવો છે કે, IAS નિધિ મલિકની ધાક અને દખલગીરીને કારણે અમન અને તેમની પત્ની વચ્ચે વિવાદ રહેતો હતો અને તેમને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા હતા.
કોણ છે IAS નિધિ મલિક?
નિધિ મલિક 2013 બેચના AGMUT કેડરના સિનિયર IAS અધિકારી છે. તેમણે BA અને LLB ઓનર્સની ડિગ્રી મેળવી છે. હાલમાં તેઓ જમ્મુ-કાશ્મીરમાં તહેનાત છે. ડિસેમ્બર 2024થી નિધિ મલિક રિયાસીના ડેપ્યુટી કમિશનર હતા અને ફેબ્રુઆરી 2026થી જમ્મુ-કાશ્મીરમાં ‘ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન’ (IGR)ના પદ પર કાર્યરત છે. IAS નિધિ મલિક પે-મેટ્રિક્સના લેવલ 13 પર છે. હરિયાણાના વતની નિધિનો જન્મ 31 માર્ચ, 1990ના રોજ થયો હતો. વિવિધ સરકારી પોર્ટલ્સ પર તેમની UPSC રેન્ક 108 બતાવવામાં આવી રહી છે.
પારિવારિક વિવાદ અને ‘બ્લોક’ નંબર
જજ અમન કુમાર શર્માના પરિવારનું કહેવું છે કે, જ્યારે તેમણે અમનની પત્નીના માતા-પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનો નંબર બ્લોક હતો. પરિવારનો આરોપ છે કે, એક સંબંધીએ પણ વચ્ચે પડવાની મનાઈ કરી દીધી હતી અને કહ્યું હતું કે, તેઓ આ ‘હાઈ-પ્રોફાઇલ’ મામલે દખલગીરી ન કરી શકે. હાલમાં પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે શું અમનની પત્ની અને તેમની બહેનના દબાણને કારણે જ તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું.
IAS નિધિ મલિકના પતિ કોણ છે?
IAS નિધિ મલિકના પતિ દેવેશ કુમાર મહલા 2012 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે. દેવેશ કુમાર મહલા મૂળ રાજસ્થાનના વતની છે અને તેમણે MSc, MTEc જેવી ડિગ્રીઓ મેળવી છે. હાલમાં તેઓ દિલ્હી પોલીસમાં DCP (નવી દિલ્હી જિલ્લો)ના પદ પર તહેનાત છે. નિધિ મલિક પહેલા પશ્ચિમ બંગાળ કેડરમાં હતા, પરંતુ IPS દેવેશ કુમાર મહલા સાથે લગ્નના આધારે (Inter Cadre Transfer) 20 ઓક્ટોબર, 2021ના રોજ તેમનો ટ્રાન્સફર AGMUT કેડરમાં કરી દેવામાં આવ્યો હતો.




