Uncategorizedબનાસકાંઠા
Trending
500ની નોટ લેતા પહેલાં 100 વાર વિચારજો! 2.44 લાખની બનાવટી નોટો ઝડપાઈ, શું બજારમાં પણ વટાવાઈ ગઈ છે નકલી નોટો?

પોલીસને નકલી નોટોના નેટવર્કની બાતમી મળતાં રેડ પાડી અને સ્થળેથી જે નોટો મળી તે જોઈને તો પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ. હાલ આ સમગ્ર ખેલના માસ્ટરમાઇન્ડને ઝડપવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળેલી ગુપ્ત બાતમીના આધારે SOGની ટીમે વિલંબ કર્યા વગર શિહોરી ખાતે ચોક્કસ સ્થળે છાપો માર્યો હતો. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી ₹500ના દરની આખી 488 નકલી નોટો મળી આવી હતી, જેની કુલ કિંમત ₹2,44,000 થાય છે. આટલી મોટી માત્રામાં ડુપ્લીકેટ નોટોનો જથ્થો જોઈને તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે તમામ બનાવટી નોટો કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાળા કારોબારમાં સંકળાયેલા બે આરોપીઓ રમેશભાઈ વાઘેલા અને દેવરામ જોષીને પોલીસે સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી પાડી અટકાયત કરી લીધી છે. જોકે, પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ખેલનો માસ્ટરમાઇન્ડ અને મુખ્ય સૂત્રધાર ભીખુ ડાભી નામનો શખ્સ છે, જે હાલ પોલીસ પકડથી ફરાર છે. ભીખુ ડાભીને ઝડપી પાડવા માટે પોલીસે ચારેય તરફ જાળ બીછાવીને શોધખોળ તેજ કરી છે.
શિહોરી પોલીસે આ સમગ્ર નકલી નોટોના રેકેટના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલી મોટી સંખ્યામાં નોટો ક્યાં છપાતી હતી, શિહોરી સુધી આ જથ્થો કેવી રીતે પહોંચાડવામાં આવ્યો અને અત્યાર સુધીમાં બજારમાં આવી કેટલી નકલી નોટો વટાવી દેવાઈ છે. આ ઘટનાને પગલે પોલીસે પણ નાગરિકોને ₹500ની નોટ લેતી વખતે તેના સિક્યોરિટી ફીચર્સ ખાસ ચકાસવાની સલાહ આપી છે.



