Uncategorized
Trending
અમદાવાદ: ‘મેં લાંચ નથી આપી’ના લખાણ પર 46 નોકરીવાચ્છુકોને સહ કરાવી લાખોની લાંચ લેતા 4 મફતિયા ઝડપાયા

બે આરોપીઓ ઉમેદવારો પાસે કોઈ મોબાઈલ કે રેકોર્ડિંગ ઉપકરણ નથી તેની ખાતરી કરી અન્ય બે આરોપી પાસે મોકલતા જ્યાં ઉમેદવારો પાસે ‘અમે નોકરી માટે કોઈ લાંચ નથી સ્વીકારી’ના લખાણ પર તેમની સહી લેવામાં આવતી હતી.
આરોપીઓ વટવા GIDC સ્થિત ઓફિસથી આખું નેટવર્ક ચલાવતા
તપાસ અનુસાર, હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફની કરાર આધારિત ભરતી કરવા માટે દિલ્હી સ્થિત ‘સિક્યોરશિલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ’ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કંપનીના ઓપરેશન મેનેજર પ્રમોદ પાંડે અને પંકજ મિશ્રા 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવ્યા હતા. તેઓ વટવા GIDC સ્થિત ઓફિસથી આ આખું નેટવર્ક ચલાવતા હતા અને પેરામેડિકલ સ્ટાફની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી પૈસા વસૂલતા હતા.
ઉમેદવાર પાસે કોઈ રેકોર્ડિંગ ઉપકરણ કે ફોન નથી તેની ખાતરી કરતાં
આ સમગ્ર કૌભાંડમાં રાજીવ શુક્લા અને જયેશ ચૌધરી નામના બે શખ્સો ઉમેદવારોનું ચેકિંગ કરવાનું કામ કરતા હતા. ઉમેદવાર પાસે મોબાઈલ કે અન્ય કોઈ રેકોર્ડિંગ ઉપકરણ નથી તેની ખાતરી કર્યા બાદ જ તેમને પંકજ અને પ્રમોદ પાસે મોકલવામાં આવતા હતા. પોતાના બચાવ માટે આરોપીઓ ઉમેદવારો પાસેથી “અમે નોકરી માટે કોઈ પણ પ્રકારની લાંચ કે નાણાં આપ્યા નથી” તેવા લખાણ વાળા ફોર્મ પર અગાઉથી જ સહી કરાવી લેતા હતા.
બાપુનગર ESIC હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગોની કુલ 70 જગ્યાઓ પર ભરતી કરવાની હતી, જેમાંથી આરોપીઓએ 46 લોકો પાસેથી ₹21.57 લાખથી વધુની રકમ લાંચ પેટે પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે. હાલમાં ACB દ્વારા ચારેય આરોપીઓ—પ્રમોદ પાંડે, પંકજ મિશ્રા, રાજીવ શુક્લા અને જયેશ ચૌધરીની ધરપકડ કરીને ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ મોડસ ઓપરેન્ડીમાં હોસ્પિટલના અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓ કે વચેટિયાઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.



