યુપીમાં 3 સગીર બહેનો 9મા માળેથી કૂદી: કોરિયન લવ ગેમની લત હતી, પિતાએ ઠપકો આપ્યો હતો; સુસાઈડ નોટમાં લખ્યું- હવે તમને અહેસાસ થશે કે અમે ગેમને કેટલો પ્રેમ કરતા હતા

યુપીમાં ગાઝિયાબાદમાં ત્રણ સગી બહેનોએ 9મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. મંગળવારે રાત્રે 2 વાગ્યે ત્રણેય બહેનો હાથ પકડીને બાલ્કનીમાંથી કૂદી પડી હતી. પડવાનો અવાજ સાંભળીને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
ત્રણેય બહેનોની ઉંમર 12 થી 16 વર્ષની વચ્ચે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રણેય બહેનોને ટાસ્ક-બેઝ્ડ ‘કોરિયન લવ ગેમ’ની લત હતી. તેઓ કોરોના કાળથી આ ગેમ રમી રહી હતી. પિતાએ તેમને ગેમ રમવાની ના પાડી અને ઠપકો આપ્યો હતો, જેના કારણે ત્રણેય બહેનોએ આ પગલું ભર્યું હતું. જોકે, પરિવારના સભ્યો અત્યારે આ અંગે કંઈ કહી રહ્યા નથી.
આ ઘટના ભારત સિટી બી-1 ટાવરના ફ્લેટ નંબર 907ની છે. એડિશનલ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) આલોક પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે પોલીસ દરેક પાસાઓની તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયે આત્મહત્યા કરી છે. ત્રણેય સાથે જ રહેતી હતી અને મોબાઈલમાં ગેમ રમતી હતી. કયા સંજોગોમાં આત્મહત્યા કરી તેની તપાસ કરવામાં આવી રહી છે.
રાત્રે 2 વાગ્યે ત્રણેય બહેનો હાથ પકડીને બાલ્કનીમાંથી કૂદી પડી. થોડીવાર પછી તેમના મોત નીપજ્યા.
- સુસાઈડ નોટમાં લખ્યું- ગેમ ન છોડી શક્યા.
ત્રણેય બહેનો જે રૂમમાં સૂતી હતી, ત્યાં ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી. તેમાં લખ્યું હતું-
મમ્મી પપ્પા સોરી… ગેમ નથી છોડી શકતી. હવે તમને એ અહેસાસ થશે કે અમે આ ગેમને કેટલો પ્રેમ કરતા હતા, જે ગેમ તમે છોડાવવા માગતા હતા.
- પિતાએ કહ્યું- તમારા બાળકોને મોબાઈલ ગેમ રમવા ન દો
પિતા ચેતનભાઈએ જણાવ્યું- 8 થી 10 પેજની સુસાઈડ નોટ છે. જેમાં દીકરીઓએ આત્મહત્યા અને ગેમ વિશે જણાવ્યું છે. દીકરીઓએ લખ્યું-‘સોરી પપ્પા, અમે ગેમ ન છોડી શક્યા. કોરિયન ગેમ અમારી જિંદગી, અમારી જાન છે.’
ચેતન કહે છે- મારી દીકરીઓ સાથે બહુ ખરાબ થયું. કોઈ માતા-પિતા પોતાના બાળકોને મોબાઈલ ગેમ રમવા ન દે. કયો ટાસ્ક મળી જાય છે, ખબર નથી પડતી. મને ખબર હોત કે કેવા ટાસ્ક આપી રહ્યા છે, તો અમે ગેમ રમવા જ ન દેત.
- મોટી દીકરી ટાસ્ક આપતી હતી, બાકીની બંને વાત માનતી હતી’
ચેતન જણાવે છે- દીકરીઓ 3 વર્ષથી ગેમ રમી રહી હતી. કહેતી હતી કે અમારે કોરિયા જવું છે. અમે ક્યારેય તેમના રૂમમાં જતા તો ત્રણેય ત્યાંથી બીજા રૂમમાં જતી રહેતી હતી.
મોટી દીકરી પ્રાચી બંનેને ટાસ્ક આપતી હતી. બંને નાની દીકરીઓ તેની દરેક વાત માનતી હતી. ત્રણેય સાથે જ રહેતી હતી. એકસાથે જ ટોયલેટ અને નાહવા જતી હતી.
- પોલીસે કહ્યું- બાળકીઓ 80 ફૂટની ઊંચાઈએથી કૂદી હતી.
SP અતુલ કુમાર સિંહે જણાવ્યું- છોકરીઓની ઉંમર 12, 14 અને 16 વર્ષની હતી. પિતા ચેતન ઓનલાઇન શેર ટ્રેડિંગનું કામ કરે છે. પોલીસને રાત્રે 2:18 વાગ્યે સૂચના મળી, જેના પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
જે ઊંચાઈએથી ત્રણેય બાળકીઓ કૂદી હતી, ત્યાંથી જમીન 80 ફૂટ છે. ત્રણેય બાળકીઓ જમીન પર પડેલી મળી આવી હતી અને ગંભીર રીતે ઘાયલ હતી. તેમને એમ્બ્યુલન્સ મારફતે લોનીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કરી હતી.
- કોરિયન લવ ગેમ વિશે જાણો.
કોરિયન લવ ગેમ એક પ્રકારની ઓનલાઇન ગેમ છે. તે ઇન્ટરનેટ પર ચાલતી એવી ઓનલાઇન ચેટ સિસ્ટમનું નામ છે, જેમાં સામેવાળી વ્યક્તિ પોતાને કોરિયન અથવા વિદેશી છોકરો કે છોકરી ગણાવીને વાત શરૂ કરે છે. આ ગેમ મોટાભાગે સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ દ્વારા ફેલાય છે.
શરૂઆતમાં સામેની વ્યક્તિ મિત્રતા અને પ્રેમની વાતો કરે છે. ભરોસો જીતવા માટે શરૂઆતમાં સરળ ટાસ્ક આપવામાં આવે છે. ધીમે-ધીમે ટાસ્ક અઘરા થતા જાય છે અને ખેલાડી પર માનસિક દબાણ વધવા લાગે છે. ઘણા કિસ્સાઓમાં જો વાત માનવામાં ન આવે, તો ડરાવવામાં કે ધમકાવવામાં આવે છે. આના કારણે રમનાર વ્યક્તિ ભારે તણાવમાં આવી જાય છે અને તેના વર્તનમાં બદલાવ આવવા લાગે છે.






