બોરસદના દહેમીની ભાર્ગવા આર્યુવેદિક હોસ્પિટલ સંચાલિત હોસ્ટેલમાં ગુરૂવારે મોડી રાત્રે 19 વર્ષીય વિદ્યાર્થિનીએ તેના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે બોરસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, હાલમાં યુવતીના મોતનું કારણ હજુ અકબંધ છે.
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદની આઈવેદા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિધિ પરમાર નામની યુવતીએ ગુરૂવારે સાંજે તેના રૂમ પર ગળે ફાંસો ખાઈ લીધો હતો. જોકે, તેની રૂમ પાર્ટનર જ્યારે આવી ત્યારે યુવતીએ ફાંસો ખાધેલી હાલતમાં જોતાં જ તેઓએ બુમરાણ મચાવી હતી. જેને પગલે રેક્ટર સહિતની ટીમ તુરંત જ સ્થળ પર આવી પહોંચી હતી અને આ બનાવ અંગેની જાણ બોરસદ પોલીસને કરી હતી.
પોલીસ દ્વારા હાલમાં તેણી તેની પાછળ કોઈ સ્યુસાઈડ નોટ છોડી ગઈ છે કે કેમ તે બાબતને લઈને તપાસ શરૂ કરી હતી. મહત્વની વાત તો એ છે કે, બે દિવસ પછી મૃતકની પરીક્ષા શરૂ થવાની હતી. જોકે, એ પહેલાં જ તેણે આપઘાત કરી લેતાં પરીક્ષાની તૈયારીને લઈને તેણે આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે બાબતને લઈને રહસ્ય ઘેરાયું છે. આ બનાવને પગલે પરિવારજનોને જાણ થતાં જ ગમગીની વ્યાપી ગઈ હતી. ત્રણ દિવસ અગાઉ આણંદની કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ધરતીએ પણ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.


