Uncategorized
Trending
અમરેલીમાં બાળકના મોત બાદ ચાર દિવસમાં કુલ 10 સિંહોને પાંજરે પુરાયા, વન વિભાગનું મેગા ઓપરેશન

ખાંભા તાલુકાના ચતુરી ગામેથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. જેમાં માત્ર 5 વર્ષના એક માસૂમ બાળકને સિંહણ ખેંચી ગઈ હતી. જે બાદ વન વિભાગે મેગા ઓપરેશન ચાલુ કર્યુ છે.
અમરેલી: જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં પાંચ વર્ષના બાળકના મોતની ઘટના બાદ વન વિભાગે સિંહોને પકડવા શરૂ કરેલું મેગા ઓપરેશન સતત ચોથા દિવસે પણ યથાવત છે. શનિવારે મોડી રાત્રે વધુ બે નર સિંહોને ટ્રેક્યુલાઇઝ કરીને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ સાથે છેલ્લા ચાર દિવસમાં કુલ 10 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ખાંભા તાલુકાના ચતુરી ગામેથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. જેમાં માત્ર 5 વર્ષના એક માસૂમ બાળકને સિંહણ ખેંચી ગઈ હતી.
મોડી રાત્રે વધુ બે નર સિંહોને રેસ્ક્યૂ
મળતી માહિતી પ્રમાણે, વન વિભાગની ટીમે મોડી રાત્રે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન વધુ બે નર સિંહોને ટ્રેક્યુલાઇઝ કરીને સુરક્ષિત રીતે પાંજરે પૂર્યા હતા. અગાઉ આ જ વિસ્તારમાંથી આઠ સિંહોને પકડી લેવામાં આવ્યા હતા. ચતુરી ગામમાં બનેલી માનવ મૃત્યુની ઘટના બાદ ખાંભા વન વિભાગે સતત સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન કુલ 10 સિંહોને રેસ્ક્યૂ કરીને પાંજરે પૂરવામાં આવ્યા છે.
સતત ચોથા દિવસે મેગા ઓપરેશન
વન વિભાગ દ્વારા ચતુરી ગામ અને આસપાસના વિસ્તારોમાં સતત ચોથા દિવસે મેગા ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. સિંહોની હિલચાલ પર નજર રાખવા અને જરૂરી કાર્યવાહી માટે વન વિભાગની ટીમો સતત તૈનાત છે. ચતુરી ગામમાં સિંહના હુમલામાં પાંચ વર્ષના બાળકના મોત બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સિંહોને શોધી ટ્રેક્યુલાઇઝ કરવાની કામગીરી સતત ચાલી રહી છે.
બાળકને કઈ રીતે સિંહણ ખેંચી ગઈ હતી?
ચતુરી ગામમાં રાત્રિના સમયે માસૂમ જીયાન દેવકુંભાઈ સીધા તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો. ત્યારે જ અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યો અને દાદાની નજર સામે જ તેને ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ. અચાનક બનેલી આ ઘટનાને પગલે જીયાનના દાદા મજબૂર થઈને ચીસો પાડવા લાગ્યા હતા. જેને પગલે ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમની વ્હારે આવી પહોંચ્યા હતા અને શોધખોળ હાથ ધરતા આખરે 1 કિલોમીટર દૂરથી જીયાનનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાની પરિવારજનોને જાણ થતાં જ સમગ્ર પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી. તો વન વિભાગનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોનો આરોપ લગાવ્યો હતો કે, વન વિભાગની ઘોર બેદરકારીને કારણે આ માસૂમનો જીવ ગયો છે. અમરેલી જિલ્લામાં માત્ર એક જ મહિનાની અંદર સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ હતો.
ચાર સિંહને આજીવન કેદની સજા
અમરેલીમાં યુવાનને ફાડી ખાનાર ચાર સિંહોને આજીવન કેદની સજા અપાઈ હતી. સિંહ હુમલામાં મોતની ઘટના બાદ વન વિભાગે 4 સિંહોને પાંજરે પૂર્યા હતા અને તેમના શારીરિક તપાસ કરતા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પકડાયેલા ચારેય સિંહોએ માનવ માંસ આરોગ્યું હતું. સિંહો આદમખોર સાબિત થતાં વન વિભાગ દ્વારા વન્યજીવ કાયદા હેઠળ તેમને આકરી સજા ફટકારવામાં આવી છે અને ચારેય સિંહોને માનવ વસાહતથી દૂર જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે રાખવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે મનુષ્યની જેમ હવે વન્યજીવોને પણ આ રીતે સજા ફટકારવામાં આવતા આ કિસ્સો હાલ ચર્ચા જગાવી રહ્યો છે. ગત 15 જૂનના રોજ અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં કોવાયા ગામે સિંહના હુમલામાં પરપ્રાંતિય યુવક પ્રકાશ ચંદ્રનું મોત થયું હતું. મૂળ ઉત્તરાખંડનો વતની અને અહીં હોટેલ રેસ્ટોરન્ટમાં કામ કરી ગુજરાન ચલાવતો યુવક પ્રકાશ ચંદ્ર મોડી રાત્રે પગપાળા પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન પીંગલેશ્વર મહાદેવ નજીક વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં સિંહે અચાનક તેમના પર હુમલો કર્યો અને તેમને જંગલ તરફ ખેંચી ગયો હતો.


