Uncategorized
Trending
સુરતમાં જળ પ્રલય મામલે સરકાર આકરા પાણીએ: ખાડીપૂરના કાયમી ઉકેલ માટે 500 કરોડ જાહેર; CM-DyCm સાથે પાટીલ ઉતર્યા મેદાને

સુરતમાં જળપ્રલય બાદ CM ભૂપેન્દ્ર પટેલ, DyCM હર્ષ સંઘવી અને CR પાટીલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. સરકારે 500 કરોડ ફાળવી ખાડીપૂરના કાયમી નિવારણની જાહેરાત કરી.
સુરત: શહેરમાં ભારે વરસાદ ખાબકતા સર્જાયેલા જળ પ્રલયને લઈને ગુજરાત સરકાર આક્રમક રૂપમાં દેખાઈ રહી છે. ઠેર ઠેર દુકાનોમાં પાણી ભરાતા સ્થાનિકો અને વેપારીઓમાં રોષને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળમંત્રી CR પાટીલ સ્થાનિક ધારાસભ્યો તથા વહીવટી તંત્રને સાથે રાખી હાલ મેદાને ઉતરી છે. CM અને Dycm સહિત ઉચ્ચ અધિકારીઓએ ખાડીપૂરથી ઈજાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ હાઈ-લેવલ મિટિંગનો દોર શરૂ કર્યો છે. સાથે જ દર વર્ષે સર્જાતા આ ખાડીપૂરનું કાયમી નિવારણ લાવવા સરકારે તાત્કાલિક 500 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે.

વિગતે વાત કરીએ તો, સુરત શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા જળપ્રલય અને વેપારીઓ સહિત સ્થાનિકોમાં ફાટી નીકળેલા આક્રોશને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલે સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સહ-ઉપસ્થિતિમાં એક હાઈ-લેવલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ટ્રિપલ આઈસી (IICC) ખાતે યોજાયેલી આ સંકલન બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યંત આકરા પાણીએ જોવા મળ્યા હતા. પૂરની સ્થિતિ અને તંત્રની ઢીલી કામગીરીને લઈને તેમણે સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓની જોરદાર ઝાટકણી કાઢી હતી.

બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ ખાડી પૂરની સમસ્યા અંગે કડક વલણ અપનાવતા સ્પષ્ટ સૂચના આપી છે કે, ખાડી આસપાસ બનેલા તમામ ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે. તેમણે ઉમેર્યું કે, ખાડી કિનારે બનેલી અંદાજે 100 જેટલી ગેરકાયદેસર ઇમારતો અને દબાણોના કારણે આખું સુરત શહેર ભોગવે, તે હવે સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે! ખાડી પૂરનો કાયમી ઉકેલ શોધવા માટે વહીવટી તંત્રને ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કરવા આદેશ અપાયો છે. આ કાયમી નિવારણ માટે ગમે તેટલો ખર્ચ થાય તે સરકાર આપવા તૈયાર છે, જેના ભાગરૂપે સરકારે હાલ તાત્કાલિક 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી છે અને ભવિષ્યમાં જરૂર પડ્યે 1000 કરોડ કે 1500 કરોડ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

આટલું જ નહીં, સુરત શહેરમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે મંત્રીઓનો કાફલો ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી પડ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાડી પૂરથી પ્રભાવિત પર્વત પાટિયા વિસ્તારની રૂબરૂ વિઝીટ લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ જોડાયા હતા.

બીજી તરફ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ભટાર રોડ સ્થિત આઝાદ નગર અને રસુલાબાદ વિસ્તારની મુલાકાત લઈને સ્થાનિક પરિવારો સાથે રૂબરૂ સંવાદ સાધ્યો હતો અને તંત્રને તાત્કાલિક સફાઈ કરવા તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી કેશડોલ્સ અને જરૂરી સહાય 24 કલાકમાં પહોંચાડવા આદેશ આપ્યા હતા.

આ પૂર સંકટ વચ્ચે સ્થાનિક જનપ્રતિનિધિઓએ પણ મુખ્યમંત્રી સમક્ષ તંત્રની પોલ ખોલી હતી. ધારાસભ્ય કુમાર કાનાણી અને સંગીતા પાટીલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરીને ખાડી પૂરની ગંભીર સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. કુમાર કાનાણીએ મીડિયા સમક્ષ પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખાડી પૂરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. લોકપ્રતિનિધિઓની આ રજૂઆતો બાદ મુખ્યમંત્રીએ તમામ વિભાગોને ભેગા મળીને કામ કરવા અને પૂરથી થયેલા નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની કામગીરી હાથ ધરવા જણાવ્યું છે.

ભવિષ્યમાં સુરત શહેરમાં આ પ્રકારની ખાડી રેલ (પૂર) ફરી ક્યારેય ન આવે તે માટે તમામ ટેકનિકલ વિગતો એકત્ર કરીને લોંગ ટર્મ એક્શન પ્લાન બનાવવાની સૂચના અપાઈ છે. આ સાથે જ, ભારે વરસાદના કારણે શહેરના જે મુખ્ય રસ્તાઓ તૂટી ગયા છે અથવા ધોવાઈ ગયા છે, તેને યુદ્ધના ધોરણે તાત્કાલિક રીપેર કરવા કમિશનરને આદેશ અપાયો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તાના નબળા બાંધકામ માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ તપાસ કરીને કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી નબળી કામગીરીની પુનરાવૃત્તિ ન થાય.

નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે નવસારીના પણ હાલ બેહાલ થયા છે, ત્યારે સુરત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી. આર. પાટીલે નવસારી જિલ્લાની પણ મુલાકાત લીધી હતી. નવસારી કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તેમજ નવસારીના સાંસદ સી. આર. પાટીલની સંયુક્ત અધ્યક્ષતામાં એક હાઈલેવલ સમીક્ષા બેઠક યોજાઈ ગઈ હતી. આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ સહિત ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા, જ્યાં પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ અને સ્થાનિક વિકાસ કાર્યો અંગે વહીવટી તંત્ર સાથે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. બેઠકનો મુખ્ય એજન્ડા નવસારી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવાનો હતો. સ્થાનિક નેતાઓ દ્વારા પૂરના કારણે પ્રભાવિત થયેલા લોકો માટે વહેલી તકે સરકારી સહાય અને મોટા રાહત પેકેજની માંગ કરવામાં આવી છે, જેના પર મુખ્યમંત્રીએ સકારાત્મક પગલાં લેવાની ખાતરી આપી છે.


