
આણંદમાં બાળકીના અપહરણ અને હત્યાના આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. એલસીબીની ટીમ જ્યારે આરોપી સુરેશ પરમારને આણંદ લાવી રહી હતી. આ દરમિયાન તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું.
આણંદ: વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. પોલીસે આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ તેને LCBની ટીમ આણંદ લાવી રહી હતી. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં એન્કાઉન્ટર કરવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, એલસીબીની ટીમ જ્યારે આરોપી સુરેશ પરમારને આણંદ લાવી રહી હતી. આ દરમિયાન તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું. આ સાથે જ અચાનક તેણે પોતાની પાસે છુપાવેલા ચપ્પુથી બે પોલીસ કર્મચારી પર હુમલો કરીને તેમને ઇજાગ્રસ્ત કરી દીધા હતા.

જેથી પીએસઆઈ રાણાએ તેને વારંવારની ચેતવણી આપી હતી. તે છતાં આરોપી અટક્યો ન હતો. જેથી પોલીસે સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન પરથી થોડા દિવસો પહેલા એક યુવાને ચાર વર્ષની માસૂમ બાળકીને ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. પરિવારે શોધખોળ બાદ આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરી હતી.

પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરતા અડાસ-વાસદ રેલવે લાઈન નજીકથી માસૂમ બાળકીનો મૃતદેહ મળ્યો હતો. બાળકીના મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે આ યુવાનને શોધી કાઢ્યો હતો. આ આરોપી બોચાસણ પાસેના પરા વિસ્તારમાં રહેતો સુરેશ વિઠ્ઠલ પરમાર હોવાનું સામે આવ્યું હતું.


