Uncategorized
Trending
ભરૂચમાં પોલીસકર્મીઓએ બૂટલેગરનો ફોન પરત આપવા 3 લાખ માગ્યા, 1 લાખનો પહેલો હપ્તો લેવા ગયા અને ACBએ થપ્પો કર્યો!

ભરૂચના પાનોલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ પ્રોહિબિશન કેસમાં જપ્ત કરેલો મોબાઈલ પરત આપવા માટે ₹3 લાખની લાંચ માગી હતી. ₹1 લાખનો પ્રથમ હપ્તો સ્વીકારતા ACBએ ત્રણેયને રંગેહાથ ઝડપી લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ: ગુજરાતમાં લાંચિયા સરકારી બાબુઓ સામે ACBએ લાલ આંખ કરી છે. ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ પ્રોહીબીશનના ગુનામાં જપ્ત કરેલો મોબાઈલ ફોન પરત આપવાના અવેજ પેટે ₹1,00,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવીને ત્રણેય પોલીસકર્મીઓને લાંચની રકમ સાથે દબોચી લેહતો પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
આરોપી પોતાનો કબજે કરેલો સામાન પરત લેવા ગયા તો લાંચ માગી
મળતી વિગતો અનુસાર, આ કેસના જાગૃત નાગરિક વિરુદ્ધ અગાઉ પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, જેના કારણે તે સબજેલ ભોગવી આવ્યો હતો. જામીન પર મુક્ત થયા બાદ, ફરિયાદી પોતાનો કબ્જે લેવાયેલો મોબાઈલ ફોન પરત મેળવવા માટે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે આવ્યો હતો.
કબજે કરેલો મોબાઈલ પરત આપવા પોલીસકર્મીઓએ 3 લાખ માગ્યા
ફરિયાદીએ આરોપી પોલીસ કર્મચારીઓ અનિરુદ્ધ ધાધલ (હેડ કોન્સ્ટેબલ) અને જયદીપસિંહ સુખદેવસિંહ પરમાર (હેડ કોન્સ્ટેબલ)નો સંપર્ક કર્યો હતો. જો કે, મોબાઈલ પરત આપવા માટે આ બંને કર્મચારીઓએ ₹3,00,000ની મસમોટી લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ એકસાથે આટલી મોટી રકમ આપવા માટે અસમર્થતા દર્શાવતા, આરોપી અનિરુદ્ધે ₹1,00,000ના ત્રણ હપ્તા કરી આપ્યા હતા.
ડી સ્ટાફની ચેમ્બરમાં લાંચના છટકાનું આયોજન કર્યું
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેઓએ વડોદરા એસીબી એકમનો સંપર્ક કરીને આખી ઘટનાની લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભરૂચ એસીબીએ પાનોલી પોલીસ સ્ટેશનની સામે આવેલા કન્ટેનરમાં કાર્યરત “ડી” સ્ટાફની ચેમ્બરમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ટ્રેપ દરમિયાન, ફરિયાદીએ આરોપી અનિરુદ્ધ સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી.
ACBએ ત્રણેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
અનિરુદ્ધના ઈશારે ત્યાં હાજર આરોપી સાગર ચાવડાએ ફરિયાદી પાસેથી લાંચના પ્રથમ હપ્તા પેટે ₹1,00,000 સ્વીકાર્યા હતા. એસીબીની ટીમે તુરંત જ ત્રાટકીને સાગરભાઈ ચાવડાને લાંચની રકમ સાથે રંગેહાથ પકડી પાડ્યા હતા. એસીબીએ એકબીજાના મેળાપીપણામાં લાંચની માંગણી કરવા અને સ્વીકારવા બદલ ત્રણેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



