
સાંજના સમયે માતા-પિતાએ તેને મોબાઇલ બાજુએ મૂકી અભ્યાસ કરવા જણાવ્યું હતું. સામાન્ય ઠપકો મળતાં બાળકને માઠું લાગી આવ્યું હતું. થોડા સમય બાદ તે પોતાના રૂમમાં ગયો હતો.
સુરત: શહેરમાં બાળકોમાં વધી રહેલી મોબાઇલની લત (Mobile Addiction)ને લઈને ચિંતાજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતના વેડ રોડ વિસ્તારની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ધોરણ-7ના 13 વર્ષીય વિદ્યાર્થીનું મૃતદેહ તેના ઘરે લટકેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પ્રાથમિક માહિતી મુજબ બાળક સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતો હતો અને અભ્યાસને લઈને માતા-પિતાએ સમજાવતાં તે વ્યથિત થઈ ગયો હતો. ત્યારબાદ આ દુઃખદ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
ધોરણ-7માં અભ્યાસ કરતો હતો
મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થી મૂળ ઓડિશાનો વતની હતો અને પરિવાર સાથે સુરતમાં રહેતો હતો. તે સુરત મહાનગરપાલિકાની શાળા નંબર-331માં ધોરણ-7માં અભ્યાસ કરતો હતો. પરિવારનો એકનો એક દીકરો હોવાથી તેના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મોબાઇલ બાજુએ મૂકી અભ્યાસ કરવા જણાવ્યું હતું
પરિવારજનોના જણાવ્યા મુજબ બાળક છેલ્લા કેટલાક સમયથી મોબાઇલમાં વધુ સમય પસાર કરતો હતો. ઘટનાના દિવસે પણ તે મોબાઇલમાં વ્યસ્ત હતો. સાંજના સમયે માતા-પિતાએ તેને મોબાઇલ બાજુએ મૂકી અભ્યાસ કરવા જણાવ્યું હતું. સામાન્ય ઠપકો મળતાં બાળકને માઠું લાગી આવ્યું હતું. થોડા સમય બાદ તેણે પોતાના રૂમમાં જઈ દોરડાની મદદથી ફાંસો ખાઈ લીધો. પરિવારજનોને જાણ થતાં તરત જ તેને નીચે ઉતારી સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
આવી દુઃખદ ઘટના બનશે તેની કલ્પના પણ નહોતી
આ ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસ પરિવારજનોના નિવેદન તેમજ અન્ય પાસાઓના આધારે તપાસ આગળ વધારી રહી છે. મૃતકના સ્વજનોની બાઇટમાં પણ પરિવાર પર તૂટી પડેલા આઘાતની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. પરિવારજનોનું કહેવું છે કે તેઓએ માત્ર બાળકને અભ્યાસ માટે સમજાવ્યું હતું, પરંતુ આવી દુઃખદ ઘટના બનશે તેની કલ્પના પણ નહોતી.
સંતુલિત અને નિયંત્રિત ઉપયોગ શીખવવો વધુ જરૂરી
આ બનાવે ફરી એકવાર બાળકોમાં વધી રહેલી ડિજિટલ લત અને તેના માનસિક સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ અંગે ગંભીર ચર્ચા જગાવી છે. શિક્ષણવિદો અને મનોચિકિત્સકોનું માનવું છે કે બાળકોને મોબાઇલનો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા કરતાં તેનો સંતુલિત અને નિયંત્રિત ઉપયોગ શીખવવો વધુ જરૂરી છે. સાથે જ માતા-પિતાએ બાળકો સાથે સતત સંવાદ જાળવવો, તેમની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવો અને અભ્યાસ કે અન્ય મુદ્દાઓને લઈને દબાણ સર્જવાને બદલે સમજદારીપૂર્વક માર્ગદર્શન આપવું જોઈએ.



