
આરોપીઓ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ મારફતે વિવિધ પ્રોડક્ટ્સ મંગાવતા હતા. પ્રોડક્ટ હાથમાં આવ્યા બાદ તેની સાથે ચેડાં કરી અસલી અને મોંઘી પ્રોડક્ટ કાઢી તેના સ્થાને ડમી અથવા અન્ય વસ્તુ મૂકી દેવામાં આવતી હતી.
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી Appleનો મોબાઈલ ફોન તેમજ Sandiskની હાર્ડ ડિસ્ક સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.3 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અલગ-અલગ ઓનલાઈન ઓર્ડર મારફતે મંગાવવામાં આવેલા અસલી માલની અદલાબદલી કરી કંપનીને રૂ.8 લાખથી વધુનું નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.
ઓનલાઈન મંગાવેલા અસલી માલની કરી અદલાબદલી
મળતી માહિતી મુજબ આરોપીઓ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ મારફતે વિવિધ પ્રોડક્ટ્સ મંગાવતા હતા. પ્રોડક્ટ હાથમાં આવ્યા બાદ તેની સાથે ચેડાં કરી અસલી અને મોંઘી પ્રોડક્ટ કાઢી તેના સ્થાને ડમી અથવા અન્ય વસ્તુ મૂકી દેવામાં આવતી હતી. ત્યારબાદ આ બદલાયેલી પ્રોડક્ટ પરત મોકલવામાં આવતી હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે. આ રીતે એક પછી એક પ્રોડક્ટની અદલાબદલી કરીને આરોપીઓ ઓનલાઈન કંપનીને આર્થિક નુકસાન પહોંચાડતા હતા.
કંપનીના મેનેજરને શંકા જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો
Amazonની ડિલિવરી સંબંધિત વ્યવહારોમાં વારંવાર ગેરરીતિ જોવા મળતાં કંપનીના મેનેજરને સમગ્ર મામલે શંકા ગઈ હતી. અલગ-અલગ ડિલિવરી અને પરત આવતી પ્રોડક્ટ્સની તપાસ દરમિયાન પ્રોડક્ટમાં અદલાબદલી થઈ રહી હોવાની આશંકા મજબૂત બનતા કંપની તરફથી પાલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફરિયાદ મળ્યા બાદ પાલ પોલીસે ટેકનિકલ તેમજ અન્ય પાસાઓને આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગેંગની કામગીરી અંગે મહત્વની વિગતો પોલીસના હાથે લાગી હતી અને આખરે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
રૂ.3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી Appleનો 17 Pro સિરીઝનો મોબાઈલ ફોન તથા Sandiskની 8 હાર્ડ ડિસ્ક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ.3 લાખથી વધુ હોવાનું જણાવાયું છે. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલી ડિલિવરીમાં અદલાબદલી કરી હતી, કેટલા લોકો આ ગેંગમાં સામેલ છે અને અન્ય કોઈ ઓનલાઈન કંપની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




