Uncategorized
Trending
ધંધુકા ધર્મેશ ગમારા હત્યાકાંડ: આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બૂલડોઝર ફરશે; મૃતકના ભાઈએ શું કહ્યું?

ધંધુકામાં ધર્મેશ ગમારા હત્યાકાંડ અને આગજનીની ઘટના બાદ પોલીસે હવે આરોપીઓને શોધીને તેઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર તૈયારી શરૂ કરી છે. સાથે જ આ મામલે મૃતક યુવકના ભાઈ ગોવિંદ ગમારાનું નિવેદન સામે આવ્યું છે.

અમદાવાદ: ધંધુકામાં એક સામાન્ય ઓવરટેકના મુદ્દે શરૂ થયેલો વિવાદ હિંસક બની જતા વિધર્મી યુવકો દ્વારા ધર્મેશ ગમારા નામના યુવકની હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ બાદ હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળની જોવા મળી રહી છે, ત્યારે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. ત્યારે આગામી સમયમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બૂલડોઝર ફરવી તોડી પડાશે તેવી માહિતી હાલ સામે આવી છે, સાથે જ સમગ્ર મામલે મૃતકના ભાઈનું નિવેદન સામે આવતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
સમગ્ર મામલે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઘટના સમયે મુસ્લિમ સમાજના યુવક સમીર અને ભરવાડ સમાજના યુવક ધર્મેશ ગમારા વચ્ચે બાઇક ઓવરટેક બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ ભરવાડ સમાજના કેટલાક લોકોનું ટોળું નસીબ સોસાયટી પહોંચ્યું હતું. આ દરમિયાન સમીરના પરિચિત આરોપી રિઝવાને ધર્મેશ ગમારાને છરી મારી હોવાનો આરોપ છે, જેના કારણે ધર્મેશ ગમારાનું મોત થયું હતું.
આ ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં કેટલાક અસામાજિક તત્વોએ ટોળાં એકત્ર કરી તોડફોડ અને આગજની જેવી ઘટનાઓને અંજામ આપ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને હાલ સુધીમાં હિંસા ફેલાવનાર 20 લોકોની અટકાયત સાથે હત્યાકાંડને અંજામ આપનાર બે લોકોની ધરપકડ કરાઈ છે.
અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટના જણાવ્યા મુજબ, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ SIT ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં એક DySP, બે PI અને PSI કક્ષાના અધિકારીઓ સામેલ છે, જે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરશે. એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓની ગેરકાયદેસર મિલકતો સામે પણ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સાથે જ ખોટા મેસેજ ફેલાવનારાઓ સામે મોનીટરીંગ ટીમ પણ સક્રિય કરવામાં આવી છે.

