Uncategorized
Trending

Drugs Free Gujarat: ‘નશામુક્ત ગુજરાત’ માટે સરકારનો મોટો નિર્ણય: તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં શરૂ થશે 15 બેડના ડી-એડિક્શન સેન્ટર

રૂ. 14.90 કરોડના ખર્ચને મંજૂરી; હવે પોતાના જિલ્લામાં જ મળશે સારવાર, કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા

ગાંધીનગર: ગુજરાતમાં તાજેતરમાં રૂ. 2153 કરોડનાં ડ્રગ્સનો નાશ કરાયો હોવાની ઐતિહાસિક કાર્યવાહી બાદ હાલ ફરી એકવાર રાજ્યમાં નશા-મુક્તિની લડતને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સરકારે રાજ્યના તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં 15 બેડ ક્ષમતાવાળા ડી-એડિક્શન સેન્ટરો (નશામુક્તિ કેન્દ્રો) શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 14.90 કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
વિગતે વાત કરીએ તો, ગુજરાત સરકારે રાજ્યના તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં 15 બેડ ક્ષમતાવાળા ડી-એડિક્શન સેન્ટરો (નશામુક્તિ કેન્દ્રો) શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી અત્યાર સુધી વિશેષ સારવાર માટે મોટા શહેરોનો સહારો લેતા નશાના વ્યસનથી અસરગ્રસ્ત લોકોને હવે પોતાના જિલ્લામાં જ સારવાર, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવાઓ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ થશે.
મળતી વિગતો અનુસાર, દરેક નશામુક્તિ કેન્દ્રમાં નશાની લતમાંથી મુક્તિ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ડિટૉક્સ સારવાર, ડી-એડિક્શન થેરાપી, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવા, પરિવાર પરામર્શ અને પુનર્વસન જેવી સર્વગ્રાહી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ઉપરાંત, ઇન-પેશન્ટ (IPD) અને આઉટ-પેશન્ટ (OPD) બંને પ્રકારની સેવાઓ પણ શરૂ કરવામાં આવશે. દરેક કેન્દ્રમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિકો અને અન્ય પ્રશિક્ષિત કર્મચારીઓની ટીમ કાર્યરત રહેશે, જેથી દર્દીને એક જ સ્થળે સર્વાંગી સારવાર મળી શકે.
નોંધનીય છે કે, બે દિવસ અગાઉ 20મી જુલાઈને સોમવારના રોજ ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત BEIL કંપનીના ઇન્સિનેરેટરમાં અંદાજે ₹2212 કરોડના ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો. આંકડાની દ્રષ્ટિએ આ ઐતિહાસિક કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ નિકાલ કમિટીના સભ્યોની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી ડ્રગ્સના જથ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. ડ્રગ્સ વિરોધી આ ઐતિહાસિક કાર્યવાહી બાદ હવે ‘નશામુક્ત ગુજરાત’ માટે સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે.
નશો માત્ર વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને અસર કરે છે. તેથી નવી વ્યવસ્થા હેઠળ દર્દીને વ્યસન-મુક્ત કરવાની સાથે તેને ફરી સામાન્ય અને સ્વાભિમાની જીવન જીવવા સક્ષમ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. યોજનાના અમલીકરણમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સાધનોની ખરીદી GeM પોર્ટલ મારફતે કરવામાં આવશે. ઉપરાંત કામગીરીનું નિયમિત મોનીટરિંગ, સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ હાથ ધરાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!