Uncategorized
Trending

શિકાગોમાં ગુજરાતી પતિએ દીકરીના બહાને બોલાવી પત્નીનું ગળું કાપ્યું, છરી ખરીદી ઘા મારવાની ‘પ્રૅક્ટિસ’ કરી, ભારત ભાગે એ પહેલા જ દબોચાયો

મહેસાણાના અંકુર પટેલે દીકરીને મળવાના બહાને પત્નીને શિકાગો બોલાવી છરીના ઘા મારી પતાવી દીધી. ક્રૂર હત્યા પાછળનું સાચું કારણ શું હતું, તેણે કઈ રીતે આખું પ્લાનિંગ કર્યું અને ભારત ભાગતા એરપોર્ટ પરથી કેવી રીતે દબોચાયો? જાણો આ હૈયું હચમચાવતા કેસની તમામ વિગતો.

મહેસાણા: અમેરિકાના શિકાગોમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વતનીએ શિકાગોમાં 5 વર્ષની પુત્રીને મળવવાના બહાને પોતાની પત્નીને બોલાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ આરોપી ભારત આવવાના ફિરાકમાં હતો અને એરપોર્ટ પર જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.

અંકુર અને મહિલા લગ્ન થયાના થોડા સમયમાં જ છુટા પડ્યા

મળતી માહિતી પ્રમાણે, 31 વર્ષીય અંકુર પટેલ મહેસાણાના કડી તાલુકાનો વતની છે. થોડા વર્ષો પહેલા તેના એક મહિલા સાથે લગ્ન થયા હતા. જેમનાથી તેમને 5 વર્ષની પુત્રી પણ છે. લગ્નના થોડા મહિના બાદ બંને વચ્ચે કંઈ અણબનાવ બનતા મહિલા મે મહિનામાં મહિલા અંકુરને છોડીને તેમની સાથે જ અગાઉ કામ કરતા એક યુવક જોડે સંબંધમાં રહેવા લાગી હતી.

મહિલા પોતાની સાથે કામ કરતાં યુવક સાથે રહેવા લાગી

પરિવારના દબાણ હેઠળ મહિલાએ જુલાઈમાં પટેલ સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો અને થોડા સમય માટે તેની સાથે વિસ્કોન્સિનમાં રહેવા પણ ગઈ હતી, પરંતુ થોડા જ સમયમાં તે ફરી અલગ રહેવા લાગી અને તેમની પુત્રી અંકુર પાસે જ રહી. ત્યારબાદ અંકુરે ફોન પર મહિલાને અને તેના નવા સાથીદારને મારી નાખવાની ધમકીઓ આપી હતી અને પુત્રી સાથે વાત કરવાની પણ મનાઈ કરી દીધી હતી.

આરોપી પતિ અંકુર પટેલ

અંકુરે પોતાની દીકરીને ભારત માતા-પિતા પાસે મોકલી દીધી

લગભગ બે અઠવાડિયા પહેલાં અંકુર પટેલ શિકાગોમાં પોતાના સગાંઓ સાથે રહેવા ગયો હતો અને પોતાની અલગ રહેતી પત્નીને જાણ કર્યા વગર પુત્રીને પોતાના માતા-પિતા પાસે ભારતમાં મોકલી દીધી હતી. અંકુરને નોર્થ એવર્સ એવન્યૂના 4800 બ્લોકમાં આવેલા તેના એક મિત્રના એપાર્ટમેન્ટની ચાવી પણ આપવામાં આવી હતી, જ્યાં તે પોતાની કેટલીક વસ્તુઓ રાખતો હતો.

અંકુરે પોતાની પત્નીને પુત્રીને મળવાના બહાને બોલાવી

7 ઓગસ્ટે જ્યારે અંકુરે મહિલાનો સંપર્ક કર્યો હતો, તે દરમિયાન મહિલા પોતાના નવા સાથીદાર સાથે લ્યુઇઝિયાનામાં રહેવા ગઈ હતી. ત્યારે અંકુરે પોતાની પત્નીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને તે પ્રમાણે તેણે તેની પત્નીને પુત્રીને લેવા માટે શિકાગો આવવા કહ્યું હતું. જોકે, પુત્રીને ભારત મોકલી દીધી હોવાની જાણ ન હોવાથી મહિલા અને તેનો નવો સાથીદાર બાળકીને લેવા માટે કારમાં શિકાગો આવ્યા હતા.

CCTVમાં યુવક છરી ખરીદી ઘા મારવાની પ્રેક્ટીસ કરતો દેખાયો

બીજા દિવસે સાંજે લગભગ 4:30 વાગ્યે અંકુર એવર્સ એપાર્ટમેન્ટ નજીક આવેલી એક દુકાનમાં ગયો હતો, જ્યાં સીસીટીવીમાં તે નાની ફોલ્ડિંગ છરી ખરીદતો જોવા મળ્યો હતો. એ જ છરીનો ઉપયોગ તેણે પોતાની પત્નીની હત્યા કરવા માટે કર્યો હતો. પેકારાના જણાવ્યા મુજબ, ખરીદી પૂર્ણ કરતા પહેલાં પટેલ છરીથી ઘા મારવા અને કાપવા જેવી હરકતો કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તે એવર્સ એપાર્ટમેન્ટમાં ગયો અને મહિલાની રાહ જોવા લાગ્યો હતો.

અંકુર અને તેની પત્ની વચ્ચે સાથે રહેવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ

સીસીટીવીમાં મહિલા ગાર્ડન યુનિટ તરફ આવતી જોવા મળી હતી અને પટેલ થોડા સમય માટે એપાર્ટમેન્ટમાંથી બહાર આવીને તેને અંદર લઈ જતો જોવા મળ્યો હતો. અંદર બંને વચ્ચે ફરી સાથે રહેવાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અંકુરે આ બોલાચાલીના કેટલાક ભાગો પોતાના ફોનમાં રેકોર્ડ પણ કર્યા હતા, જોકે તેમાં કોઈ શારીરિક હિંસા દેખાઈ નહોતી.

અંકુરે પોતાનું પેન્ટ ઉતારી મહિલાના મૃતદેહ પાસે જ મુકી દીધું

ત્યારબાદ કોઈ સમયે અંકુરે છરી કાઢીને મહિલાની ગરદનમાં ઘા માર્યો હતો. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે, મહિલાના શરીર પર બચાવ કરવાનો પ્રયાસ કરતી વખતે થયેલા અનેક ઘા હતા, જેમાં ડાબા હાથ પર ઊંડો ચીરો પણ સામેલ હતો. જે બાદ આરોપી અંકુરે લોહીથી ભરાઈ ગયેલી પોતાની પેન્ટ ઉતારીને મહિલાના મૃતદેહ પાસે એપાર્ટમેન્ટમાં જ મૂકી દીધી હતી. સીસીટીવીમાં તે સાંજે લગભગ 7:05 વાગ્યે ત્યાંથી નીકળતો જોવા મળ્યો હતો.

મહિલાની સાથે રહેતા યુવકે પોલીસને ફોન કરી સમગ્ર માહિતી આપી

આ દરમિયાન મહિલાનો નવો સાથીદાર બિલ્ડિંગની બહાર જ રાહ જોઈ રહ્યો હતો અને વારંવાર મહિલાને મેસેજ કરી રહ્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતાં સાંજે લગભગ 7:30 વાગ્યે તેણે 911 પર ફોન કરીને જણાવ્યું હતું કે, મહિલાનો સંપર્ક થતો નથી અને તેઓ શિકાગો શા માટે આવ્યા હતા તેની સમગ્ર માહિતી પણ પોલીસને આપી હતી.

અંકુર તેના મિત્રો સાથે જમવા ના પહોંચતા મિત્રો ચિંતિત થયા

શિકાગો પોલીસે મહિલા અને અંકુર બંનેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેમાંથી કોઈનો સંપર્ક થઈ શક્યો નહોતો. મહિલાએ કયા એપાર્ટમેન્ટમાં પ્રવેશ કર્યો હતો તેની માહિતી તેના નવા સાથીદાર પાસે ન હોવાથી પોલીસ અંતે ત્યાંથી પરત ફરી ગઈ હતી. તે જ રાત્રે અંકુરના કેટલાક મિત્રો ચિંતિત થયા હતા, કારણ કે તેણે તેમની સાથે જમવા આવવાનું હતું પરંતુ તે આવ્યો નહોતો.

અંકુર ફ્લાઇટ લઈ ભારત આવવા નિકળ્યો પણ ટિકિટ કાઉન્ટર બંધ નીકળ્યું

અંકુરના મિત્રો જ્યારે તેને શોધવા માટે એવર્સ એપાર્ટમેન્ટમાં ગયા, ત્યારે તેમને વોશિંગ મશીન નજીક મહિલાનો મૃતદેહ પડેલો મળ્યો અને તેમણે 911 પર ફોન કર્યો હતો. એપાર્ટમેન્ટમાંથી નીકળ્યા બાદ અંકુર સીધો ઓ’હેર ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ભાગ્યો હતો. તેણે ઉબર બુક કરી હતી અને ભારત જવાની ફ્લાઇટની ટિકિટ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટિકિટ કાઉન્ટર બંધ હતું.

મોટેલમાં રહેતી વખતે અંકુરે હત્યામાં વપરાયેલી છરી ફેંકી દીધી

જે બાદ તેણે બીજી ઉબર લઈને નજીકના સ્ટોરમાં જઈ પોતાના ડેબિટ કાર્ડથી નવા જૂતાં અને કપડાં ખરીદ્યા અને નજીકની એક મોટેલમાં રોકાયો હતો. મોટેલમાં રહેતી વખતે તેણે હત્યામાં વપરાયેલી છરી ફેંકી દીધી હતી, જે બાદમાં પોલીસને મળી આવી હતી. આગામી સવારે અંકુર ફરી ઓ’હેર એરપોર્ટ ગયો હતો અને તેણે ભારત જવાની ટિકિટ સફળતાપૂર્વક ખરીદી લીધી હતી.

ફરી એરપોર્ટ પહોંચી ભાગવાની ફિરાકમાં હતો ને પોલીસે દબોચ્યો

આરોપી અંકુર ભારત માટે ફ્લાઈટ પકડે તે પહેલાં જ શિકાગો પોલીસે ફેડરલ અધિકારીઓને ચેતવણી આપી દીધી હતી કે તે દેશ છોડવાનો પ્રયાસ કરી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ટિકિટ ખરીદવાની માહિતી શિકાગો પોલીસને આપી હતી અને ત્યારબાદ પોલીસે એરપોર્ટ પરથી પટેલની ધરપકડ કરી હતી.

ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી અંકુરને જેલમાં જ રાખવાનો આદેશ

પૂછપરછ દરમિયાન પટેલે દાવો કર્યો હતો કે તેણે મહિલાની હત્યા કરવાની યોજના બનાવી નહોતી, પરંતુ જ્યારે મહિલાએ કહ્યું કે તે પોતાના નવા સાથીદાર સાથે જ રહેશે ત્યારે તેણે મહિલાને મારી નાખી હતી. આ કેસ કોર્ટમાં ચાલતા ન્યાયાધીશ ડી’એન્થોની થેડફોર્ડે ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી અંકુરને જેલમાં જ રાખવાનો આદેશ આપ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!