Uncategorized
Trending
એવા ચોર જેણે જાતે જ ચોરીની કબૂલાત કરી; જ્વેલર્સના શો રૂમમાં ચોરી કરવા ગયા ને પોતે જ પોલીસને ફોન કરી કહ્યું-‘સાહેબ અમે ચોરી કરવા આવ્યા’તા

તસ્કરોએ વાપીમાં આવેલી જ્વેલર્સની દુકાન લૂંટવાનો ફૂલપ્રૂફ પ્લાન કર્યો અને ચોરી કરવા પહોંચ્યા. દુકાનમાં અંદર પણ ઘૂસી ગયા પણ જે થયું કે ચોરોએ જાતે જ પોલીસને ફોન કરી બોલાવવી પડી અને ચોરીની કબૂલાત પણ કરવી પડી. આવો જાણીએ શું છે આ રસપ્રદ કિસ્સો.
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં એક અત્યંત રસપ્રદ અને અનોખી ચોરીની ઘટના સામે આવી છે. જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરોને સ્થાનિકોની સમયસૂચકતાને કારણે અંદર જ પુરાઈ રહેવું પડ્યું હતું. બહાર લોકોનું ટોળું ભેગું થઈ જતાં પકડાઈ જવાના અને લોકોના મારના ડરથી ફફડી ગયેલા ચોરોએ આખરે પોતાનો જીવ બચાવવા માટે સામેથી જ 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવવી પડી હતી!
ચોરોએ ઇલેક્ટ્રિક કટર વડે શટરના નકુચા કાપીને અંદર પ્રવેશ કર્યો
ઘટનાની વિગતો અનુસાર, 19 ઓગસ્ટ મંગળવારની સાંજે 7.30 વાગ્યે સંજાણ બજારમાં આવેલા ‘બી.જે. જ્વેલર્સ’ શોરૂમના માલિક દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. જે બાદ મોડી રાત્રે આશરે 3:00 વાગ્યે બે અજાણ્યા તસ્કરોએ આ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ ઇલેક્ટ્રિક કટર વડે શટરના નકુચા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો.
કટરનો અવાજ આવતાં એક સ્થાનિકે ફોન દ્વારા માલિકને જાણ કરી
ચોરો જે સમયે શટર કાપી રહ્યાં હતા ત્યારે કટરનો અવાજ આવતાં જ સામે રહેતા નિખિલભાઈ જાગી ગયા હતા. તેમણે તાત્કાલિક દુકાનમાલિકના મિત્ર આકાશભાઈને જાણ કરી હતી, જેમણે જ્વેલર્સના માલિક મનીષ શર્માને ઘટના અંગે માહિતગાર કર્યા હતા. માહિતી મળતાં જ મનીષ શર્મા તેમના ભાઈ નિરજ સાથે તુરંત દુકાને દોડી આવ્યા હતા. આ દરમિયાન આસપાસના રહીશો પણ એકઠા થઈ ગયા હતા.
સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને બહારથી શટરને બંધ કરી દીધું
શટર અડધું ખુલેલું જોઈને તપાસ કરતાં અંદર બે ચોર હોવાની ખાતરી થઈ હતી. આથી સ્થાનિકોએ ભારે સમયસૂચકતા વાપરીને ચતુરાઈપૂર્વક બહારથી શટર બંધ કરી દીધું હતું અને બંને તસ્કરોને દુકાનમાં જ કેદ કરી દીધા હતા. દુકાનમાં પુરાયેલા ચોરોને બહાર મોટું ટોળું ભેગું થયું હોવાનો ખ્યાલ આવતાં જ તેઓ ગભરાઈ ગયા હતા અને બચવા માટે પોતે જ 112 પર ફોન કરીને પોલીસની મદદ માગી હતી.
પોલીસે શટર ખોલી બંને ચોરોને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો
ઘટનાની જાણ થતાં જ નાઈટ પેટ્રોલિંગમાં રહેલી ઉમરગામ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે શટર ખોલીને બંને ચોરોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ઇલેક્ટ્રિક કટર, ચોરીના સાધનો, સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





