Uncategorized
Trending
વિઝા મેળવીને ઘરે આવતા દંપતી રિક્ષામાં ભૂલ્યા બેગ, વરાછા પોલીસે 40 CCTV ખંગાળી શોધી આપી

40 જેટલા CCTV કેમેરા ચેક કરી પોલીસે રિક્ષાનું લોકેશન શોધ્યું, બેગ સહીસલામત મળતા દંપતીએ પોલીસનો માન્યો આભાર
મળતી માહિતી મુજબ, દંપતી વિદેશ જવા માટે વિઝા મેળવીને ખુશી-ખુશી પોતાના ઘરે પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન તેમણે રિક્ષામાં મુસાફરી કરી હતી. રિક્ષામાંથી ઉતર્યા બાદ ઘરે પહોંચ્યા ત્યારે તેમની એક બેગ રિક્ષામાં જ રહી ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. બેગ નજરે ન પડતા દંપતી ગભરાઈ ગયું હતું અને બેગ પરત મળવાની આશા સાથે તરત જ વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો.
દંપતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા વરાછા પોલીસની ટીમે મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા દંપતી જ્યાંથી રિક્ષામાં બેઠું હતું અને જ્યાં ઉતર્યું હતું તે રૂટ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે એક પછી એક આશરે 40 જેટલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. CCTV ફૂટેજના આધારે રિક્ષાની હિલચાલને ટ્રેસ કરવામાં આવી હતી. રિક્ષા કયા માર્ગે ગઈ અને ત્યારબાદ ક્યાં પહોંચી તેની કડી જોડતા પોલીસ ગણતરીના સમયમાં જ રિક્ષા સુધી પહોંચી હતી.
પોલીસની ટીમે રિક્ષા શોધી કાઢ્યા બાદ તેમાં ભુલાયેલી બેગ અંગે તપાસ કરી હતી. સદનસીબે દંપતીની બેગ સહીસલામત મળી આવી હતી. પોલીસે બેગ દંપતીને પરત સોંપતા તેમની ચિંતાનો અંત આવ્યો હતો. વિદેશ જવા માટે વિઝા મેળવ્યા બાદ ખુશી અને આશાઓ સાથે ઘરે પરત ફરી રહેલા દંપતી માટે બેગ ગુમ થવાની ઘટના ચોક્કસપણે ચિંતાજનક બની હતી. જોકે, વરાછા પોલીસની ઝડપી કામગીરીના કારણે બેગ ટૂંકા સમયમાં પરત મળી આવતા દંપતીને મોટી રાહત મળી હતી.



