Uncategorized
Trending

ચૂંટણી પહેલા નણંદ નયનાબા અને ભાભી રીવાબા શુભેચ્છા આપવા બદલ આવ્યા ચર્ચામાં, એકબીજાને આપ્યો રોકડો જવાબ!

ગુજરાતના રાજકારણમાં બહુચર્ચિત સૌરાષ્ટ્રના નણંદ ભાભીની જોડી ફરી ચર્ચામાં આવી છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પોતાના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. જોકે, આ મુદ્દો હાલ ચર્ચાનું કારણ બન્યો છે.

જામનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આખા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારની સાથે સાથે એકબીજાના ઉમેદવારોને વાકબાણોથી પાડવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં બહુચર્ચિત સૌરાષ્ટ્રના નણંદ ભાભીની જોડી ફરી ચર્ચામાં આવી છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પોતાના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી. જોકે, આ મુદ્દો હાલ ચર્ચાનું કારણ બન્યો છે. નયનાબા જાડેજાએ ભાભીએ આપેલી શુભેચ્છા અંગે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના જે કોઈ વ્યક્તિઓ મને શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમનો આભાર.

“ચૂંટણી લડનાર દરેકને મારી શુભેચ્છાઓ”

રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ સાથે જોડાયેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છાની સાથે તેમણે ભાજપની જીતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી લડનાર દરેકને મારી શુભેચ્છાઓ છે, પરંતુ મને ભાજપના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આગામી 28 તારીખે જ્યારે પરિણામ આવશે, ત્યારે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થશે.”

નયનાબા જાડેજાએ શું કહ્યું?

રીવાબાની આવી શુભેચ્છા પર નયનાબા જાડેજાએ હસતાં હસતાં પ્રતિક્રિયા આપી હતી. નયનાબાએ આ અંગે જણાવ્યું હતું કે, “શુભેચ્છા આપવા બદલ હું તેમનો આભાર માનું છું, પરંતુ આ જે નિવેદનો છે તે તેમનો ‘ઓવર કોન્ફિડન્સ’ છે એટલે એ લોકો કોઈ સેટિંગ કરવાના લાગે છે. કારણ કે, આ લોકો કોઈ વિસ્તારમાં તો ગયા નથી તો પછી કોન્ફિડન્સ ક્યાંથી આવે? બાકી તો સમય જ બતાવશે કે જનતા કોને પસંદ કરે છે અને કોની જીત કે હાર થાય છે.”
આ સાથે નયનાબાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને જવાબ કોઈ આપી શકશે કે નહીં તે તો 28મી તારીખે જ ખબર પડશે. કારણ કે, કોંગ્રેસ અધ્ધરતાલ વાતો નથી કરતી પરંતુ જમીન પર કામ કરે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સખત મહેનત કરી રહ્યા છે. જેથી આ તમારી ગભરામણ છે. જો તમે કામ કર્યું હોત તો વોર્ડમાં ઉમેદવારો બદલવાની જરૂર જ ના પડી હોત. તમે કામ નથી કર્યું પણ ભ્રષ્ટાચાર કર્યો છે. કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા એમની સમસ્યા નથી સાંભળી. તેથી તમારે હવે ઉમેદવારો બદલીને લોકો સુધી પહોંચવું પડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!