જૂનાગઢ SOGએ ઓડિશાથી પોસ્ટ પાર્સલ મારફતે મંગાવવામાં આવેલા 4.239 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.
જૂનાગઢ: શહેરમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ SOG ટીમે ભવનાથ વિસ્તારની પોસ્ટ ઓફિસમાં દરોડો પાડી ઓડિશાથી પાર્સલ મારફતે મંગાવવામાં આવેલા 4.239 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં છેલ્લા બે વર્ષથી સસ્પેન્ડ રહેલા હેડ કોન્સ્ટેબલની મુખ્ય ભૂમિકા ખુલી છે. પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે વોચ ગોઠવી બે શખ્સોને પાર્સલ સાથે દબોચ્યા
22 જુલાઈના રોજ જૂનાગઢ SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતે ઓડિશાથી એક શંકાસ્પદ પાર્સલ આવ્યું છે. બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી. પાર્સલ લેવા આવેલા રઈશખાન પઠાણ અને સોહિલ શેખને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મળેલી સામગ્રીની FSL દ્વારા પ્રાથમિક તપાસ કરાવતા 4.239 કિલોગ્રામ ગાંજો હોવાનું પ્રસ્થાપિત થયું હતું.
પૂછપરછમાં સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલનું નામ ખુલતા ખળભળાટ
પોલીસે સ્થળ પરથી ગાંજો, બે મોબાઈલ ફોન અને સુઝુકી એક્સેસ મોપેડ સહિત કુલ ₹2.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાતા આંતરરાજ્ય નશાના કારોબારનો મોટો ધડાકો થયો હતો. તપાસમાં સામે આવ્યું કે આ જથ્થો જૂનાગઢના અમિત ઉર્ફે ચેમ્પિયન રાઠોડ અને સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ કિરણ કાનજીભાઈ રાઠોડ દ્વારા ઓડિશાના ‘ગોપી દાદા’ નામના શખ્સ પાસેથી મંગાવવામાં આવ્યો હતો.
સસ્પેન્ડેડ પોલીસકર્મીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા
આ જથ્થો પોસ્ટ ઓફિસ ખાતે આવી જતાં અકીલ ફિરોઝભાઈ સીડાના કહેવાથી રઈશખાન પઠાણ, સોહિલ શેખ અને સમુન લાસારી તેને લેવા ગયા હતા. આ ગુનામાં SOGએ સસ્પેન્ડેડ પોલીસકર્મી કિરણ રાઠોડની પણ ધરપકડ કરી ગુરુવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કિરણ રાઠોડ સામે અગાઉ મારામારી અને પ્રોહિબિશનના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે.
NDPS કેસમાં પ્રથમ વખત ‘પોસ્ટ પાર્સલ’ સર્વિસનો ઉપયોગ
પોલીસ તપાસ માટે આ કેસ એટલા માટે અત્યંત મહત્વનો બન્યો છે કારણ કે જૂનાગઢમાં પ્રથમ વખત NDPS સંબંધિત માદક પદાર્થોની હેરફેર માટે સરકારી ‘પોસ્ટ પાર્સલ’ સેવાઓનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં કિરણ રાઠોડ, અમિત રાઠોડ, ગોપી દાદા (ઓડિશા), અકીલ સીડા, સમુન લાસારી, રઈશખાન પઠાણ અને સોહિલ શેખ સહિત કુલ 7 આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ 3 આરોપીઓ જેલહવાલે છે, જ્યારે બાકીના ફરાર 4 આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ વધુ તેજ કરવામાં આવી છે.