Uncategorized
Trending

‘સ્પાઇડરમેન’ મૂવી ચાલી રહ્યું હતું અને અચાનક… અંકલેશ્વરના રાજહંસ સિનેમામાં એવું તો શું બન્યું કે ચીસાચીસ મચી ગઈ?

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા રાજહંસ સિનેમામાં ‘સ્પાઇડરમેન’ ફિલ્મના ચાલુ શો દરમિયાન ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.

અંકલેશ્વર:  શહેરના ભડકોદરા ગામ સ્થિત કાપોદ્રા પાટિયા નજીક આવેલા જાણીતા રાજહંસ સિનેમામાં આજે ચાલુ શો દરમિયાન અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. સિનેમા ઘરમાં ‘સ્પાઇડરમેન’ ફિલ્મ ચાલી રહી હતી તે સમયે આગ લાગતા દર્શકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, ફાયર બ્રિગેડ અને સિનેમા સ્ટાફની ત્વરિત કામગીરીના કારણે બે વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.

સ્પાઇડર મેનના ચાલુ શો દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

પ્રાપ્ત માહિતી અનુસાર, થિયેટરના પ્રોજેક્ટર રૂમના પાછળના ભાગે આવેલી ઇલેક્ટ્રિકલ લાઇનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. શોર્ટ સર્કિટ થયા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા પરિસરમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર DPMC સહિત આસપાસના વિસ્તારમાંથી 3થી 4 ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

                                     અંકલેશ્વરના રાજહંસ સિનેમામાં આગ લાગતાં અફરાતફરી

કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો

ફાયર ફાયટરોએ સતત પાણીનો મારો ચલાવીને આશરે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં રાજહંસ સિનેમાનું નંબર-૩ થિયેટર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. ઘટનાની જાણ થતાં જ DYSP અને GIDC પોલીસ સ્ટેશનના PI સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

                                              પ્રોજેક્ટર રૂમમાંથી સળગતી જ્વાળાઓ નીકળી

પોલીસે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી

હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની ખાતરી કરવા તેમજ સિનેમા ગૃહને થયેલા આર્થિક નુકસાનનો સચોટ અંદાજ મેળવવા માટે આગળની કાનૂની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!