Uncategorized
Trending
સુરત સાયબર સેલે આંતરરાજ્ય ગેંગના 5 આરોપીઓને ઝડપી, 149 ફરિયાદો અને ₹6.53 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો

સુરત સાયબર ક્રાઇમે શેર માર્કેટ છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના 5 આરોપીઓને ઝડપ્યા. આરોપીઓએ વોટ્સએપ ગ્રુપ દ્વારા ₹26.20 લાખની છેતરપિંડી કરી હતી.
સુરત: શહેર સાયબર ક્રાઇમ સેલે શેર માર્કેટમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને પાંચ આરોપીઓને ઝડપી મોટી સફળતા મેળવી છે. આરોપીઓએ વોટ્સએપ ગ્રુપ મારફતે રોકાણકારોને વધુ નફાની લાલચ આપી બનાવટી ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂપિયા રોકાવડાવી કરોડો રૂપિયાની સાયબર ઠગાઈ આચરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદીને વોટ્સએપ પર એક શેર માર્કેટ ટ્રેડિંગ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ શેર માર્કેટની ટીપ્સ આપીને તેમની એપ્લિકેશન દ્વારા ટ્રેડિંગ કરવાથી ભારે નફો મળશે તેવી લાલચ આપી હતી. ફરિયાદીને એક બનાવટી વેબસાઇટની લિંક મોકલી તેમાં આઈડી બનાવડાવવામાં આવી હતી. વિશ્વાસમાં લીધા બાદ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹26.20 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં ન તો રોકાણ પર કોઈ નફો મળ્યો અને ન જ મૂળ રકમ પરત મળી, જેથી પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું સમજાતા ફરિયાદીએ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો.
આ ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
ટેકનિકલ વિશ્લેષણ, નાણાકીય ટ્રેઇલ, ડિજિટલ પુરાવા અને વિવિધ રાજ્યોની પોલીસ સાથે સંકલન કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
આ કેસમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રંજન ઉર્ફે સુનિલ ખિલારી, કૃષ્ણા કુંભાર ઉર્ફે કિશન, સુબાસચંદ્ર રાઉલો, એસ.કે. આલમગીર અને બસંતસિંહ ઉર્ફે સિંહસર ઉર્ફે બિગબોસનો સમાવેશ થાય છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રંજન અને કૃષ્ણાએ મળીને “RRK PUBLICBAZZAR PRIVATE LIMITED”ના નામે એક્સિસ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારબાદ આ બેંક ખાતું અને તેની કિટ કમિશનના આધારે અન્ય આરોપીઓને સોંપવામાં આવી હતી. આરોપીઓ આ ખાતા મારફતે સાયબર ફ્રોડના નાણાં IMPS અને RTGS દ્વારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડતા હતા. આ કેસમાં ફરિયાદી પાસેથી ટ્રાન્સફર થયેલા કુલ ₹26.20 લાખમાંથી ₹50 હજાર આ ખાતામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
સાયબર સેલની તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા આ બેંક ખાતા સામે દેશભરના વિવિધ રાજ્યોમાંથી NCCRP પોર્ટલ પર કુલ 149 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે. એટલું જ નહીં, તા. 1 માર્ચ 2025થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન આ એક જ ખાતામાં કુલ ₹6,53,43,924ના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ઓડિશા, પશ્ચિમ બંગાળ તેમજ કર્ણાટકના બેંગલુરુ શહેરના વિવિધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોમાં ઓનલાઈન છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત કોલકાતાના હરે સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2018માં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના ગુનામાં તેમનું નામ નોંધાયેલું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
સુરત સાયબર ક્રાઇમ સેલે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા અથવા વોટ્સએપ પર મળતી શેર માર્કેટ અને રોકાણ સંબંધિત લાલચભરી ઓફરોથી સાવચેત રહેવું જોઈએ. કોઈપણ અજાણી એપ્લિકેશન, વેબસાઇટ અથવા રોકાણ યોજના પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્તાવાર રીતે ચકાસણી કરવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ.



