Uncategorized
Trending
ખંભાતમાં પરિણીતાને બ્લેકમેઇલ કરી શોષણનો આરોપ, જૂના ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી; બે આરોપી ઝડપાયા

ખંભાતના ઇન્ચાર્જ DYSP હરદેવસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ, “પોલીસ દ્વારા આરોપી વિજય ચૌહાણ અને તેના મિત્ર કિરણ જાદવની ધરપકડ કરવામાં આવી છે.”
આણંદ: ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરિણીત મહિલાને જૂના અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ અને શારીરિક શોષણ કરવાનો ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધાઈ છે. મહિલાની ફરિયાદના આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં વિજય ચૌહાણ અને કિરણ જાદવ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર થઈ હતી ઓળખ
ફરિયાદ મુજબ, મહિલાની ઓળખ આરોપી વિજય રાવજીભાઈ ચૌહાણ સાથે સોશિયલ મીડિયા મારફતે થઈ હતી. બંને વચ્ચે વાતચીત બાદ મિત્રતા અને સંબંધો થયા હતા. જોકે પરિવારને આ સંબંધની જાણ થયા બાદ મહિલાએ આરોપી સાથેનો સંપર્ક તોડી પતિ સાથે રહેવાનું શરૂ કર્યું હતું. આક્ષેપ મુજબ ત્યારબાદ આરોપીએ મહિલાનો ફરી સંપર્ક કરી તેની પાસે રહેલા જૂના અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. મહિલાને અને તેના પતિને બદનામ કરવાની ધમકી આપીને તેના પર દબાણ કરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધનો આક્ષેપ
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મહિલાને કારમાં બેસાડી ગેસ્ટ હાઉસ લઈ જવામાં આવી હતી. ત્યાં પણ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. ત્યારબાદ આ વીડિયોના આધારે મહિલાને વધુ ધમકાવીને આરોપી જ્યારે અને જ્યાં બોલાવે ત્યાં આવવા માટે દબાણ કરાતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આરોપીના મિત્રો સામે પણ ગંભીર આક્ષેપ
ફરિયાદમાં આરોપીના મિત્રો કિરણ જાદવ અને પ્રદીપની ભૂમિકા અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. મહિલાને અન્ય આરોપીઓ સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ, વિરોધ કરવા પર અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી.
માર્ચ 2025ની ઘટનાનો પણ ઉલ્લેખ
ફરિયાદમાં 24 માર્ચ 2025ની એક ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલાને કારમાં પેટલાદ તરફ લઈ જવામાં આવી હતી અને આ દરમિયાન અન્ય લોકો પણ સાથે હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં પણ મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ અને ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ફરિયાદના ત્રણ દિવસ બાદ પોલીસ કાર્યવાહી
મહિલાએ 4 ઓગસ્ટ 2026ના રોજ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ખંભાતના ઇન્ચાર્જ DYSP હરદેવસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા આરોપી વિજય ચૌહાણ અને તેના મિત્ર કિરણ જાદવની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ મોબાઇલ ફોન, ફોટા-વીડિયો અને સોશિયલ મીડિયા ચેટ સહિતના ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે.
પોલીસ તપાસમાં વધુ હકીકત બહાર આવશે
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની હકીકત ડિજિટલ પુરાવા, તપાસ અને કાયદેસરની કાર્યવાહી દરમિયાન વધુ સ્પષ્ટ થશે.



