Uncategorized
Trending

રાજકોટમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી

સગીરાનું પેટ ઉપસી આવતાં સમગ્ર મામલો સામે આવ્યો; માતાની ફરિયાદ બાદ ગાંધીગ્રામ પોલીસે POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.

રાજકોટ: રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સગીરાના ઘર નજીક રહેતા એક રિક્ષાચાલકે તેને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. સગીરાનું પેટ ઉપસી આવતાં પરિવારને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ સગીરાની માતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, સગીરા ધોરણ-9 સુધી અભ્યાસ કરી ચૂકી છે અને હાલ અભ્યાસ કરતી નથી. થોડા સમય પહેલાં પરિવારને સગીરાનું પેટ ઉપસી આવેલું જણાતાં તેની તબીબી તપાસ કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સગીરા પાંચ મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ જાણ થતાં પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરી હતી. ત્યારે સગીરાએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરી હતી.
સગીરાએ પરિવારને જણાવ્યું હોવાના આધારે પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, તેના ઘર નજીક રહેતા અને રિક્ષા ચલાવતા આરોપી સાથે તેની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ એક દિવસ સગીરાને રાત્રિના સમયે પોતાના ઘરે બોલાવી હતી અને ત્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આ ઘટના બાદ આરોપીએ સગીરાને વધુ ત્રણેક વખત પોતાના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન સગીરા ગર્ભવતી બની હતી. સગીરાના પરિવારને ઘટનાની જાણ થયા બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. કેસ સામે આવ્યા બાદ ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ હવે સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને સગીરાના નિવેદન સહિત અન્ય પાસાંની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અથવા અન્ય કોઈ હકીકત છુપાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ અધિકારી રાજેશ બારિયાએ જણાવ્યું છે કે, સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!