Uncategorized
Trending
‘મેના રાણી મનમાં વસી ગયા’ સોંગ પર ઠુમકા અને મોઢામાં દારૂની બોટલ! જૂનાગઢના હનુમાન ધારા અને રામજી મંદિરના વ્યવસ્થાપકો દારૂ સાથે ઝડપાયા

જૂનાગઢના હનુમાન ધારા અને રામજી મંદિરના વ્યવસ્થાપકો દારૂની મહેફિલ માણતા હોય તેવા બે કથિત વીડિયો વાયરલ થયા છે. જોકે, બંને વીડિયો જૂના હોવાનું અને બદનામ કરવા કાવતરું રચ્યું હોવાનું બંને ભાઈઓ રટણ કરી રહ્યાં છે. પોલીસે હાલ બંનેને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.
મંદિરના વ્યવસ્થાપકના બે અલગ અલગ વીડિયો સામે આવ્યા
મળતી માહિતી મુજબ, ઉપરકોટ નજીક આવેલા રામજી મંદિરના ડેલામાં રહેતા અને હનુમાન ધારા મંદિરની વ્યવસ્થા સંભાળતા વિશાલ અગ્રાવત અને તેમના ભાઈ હિરેનદાસ અગ્રાવતના અલગ-અલગ બે વીડિયો સામે આવ્યા છે. વાયરલ વીડિયોમાં બંને ભાઈઓ દારૂ પીતા અને મિત્રો સાથે મહેફિલ માણતા નજરે પડે છે. ધાર્મિક સ્થળો સાથે જોડાયેલી વ્યક્તિઓના આવા કૃત્યથી સમગ્ર જૂનાગઢના ધાર્મિક સમુદાયમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.
અંગત અદાવતમાં બદનામ કરવા કાવતરું રચાયું હોવાનો આક્ષેપ
આ વિવાદ વચ્ચે બંને ભાઈઓની સ્પષ્ટતા પણ સામે આવી છે. હનુમાન ધારા મંદિરની વ્યવસ્થા સંભાળતા વિશાલ અગ્રાવતે દાવો કર્યો છે કે તેઓ મંદિરના પૂજારી નથી પરંતુ વ્યવસ્થાપક છે. તેમણે પોતે દારૂ પીધો હોવાનો ઇનકાર કરતાં જણાવ્યું કે વાયરલ વીડિયો જૂનો છે અને તેઓ માત્ર દારૂ પીતા લોકો સાથે બેઠા હતા. તેમને અંગત અદાવતમાં બદનામ કરવા આ ષડયંત્ર રચાયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

બંને ભાઈઓની પોલીસે અટકાયત કરી
‘બે વર્ષ પહેલાં પરાણે દારૂ પીવડાવીને વીડિયો ઉતારવામાં આવ્યો’
બીજી તરફ, તેમના ભાઈ હિરેનદાસ અગ્રાવતે રામજી મંદિર બહારના રૂમમાં દારૂ પીધો હોવાની કબૂલાત કરી છે, પરંતુ સાથે જ એવો દાવો કર્યો છે કે બે વર્ષ પહેલાં તેમને પરાણે દારૂ પીવડાવીને આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો.
વીડિયો વાયરલ થતાં જ એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને ભાઈઓના નિવાસસ્થાને અને મંદિર બહાર આવેલી કોઠડીમાં સ્થળ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ બંને ભાઈઓને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. હાલ પોલીસ વીડિયો કેટલો જૂનો છે, તેની સત્યતા શું છે અને કયા સંજોગોમાં આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો તે તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.





