Uncategorized
Trending

હોસ્પિટલોની ઘોર બેદરકારી: રાજકોટ સિવિલમાં દર્દીને બહાર ફેંકી દેવાયાના દાવો; કડોદરામાં જીવતા યુવકને કફન ઓઢાડી દીધાનો આક્ષેપ

Gross negligence of hospitals: રાજકોટ સિવિલમાં દર્દીને બહાર ફેંકાયો હોવાના ફોટા-વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જ્યારે સુરત કડોદરાની ખાનગી સંજીવની હોસ્પિટલમાં જીવતા યુવકને કફન ઓઢાડાયાનો આક્ષેપ થઈ રહ્યા છે. બંને હોસ્પિટલોની બેદરકારી સામે લોકોમાં રોષ ફેલાયો છે.

રાજકોટ/સુરત: ગુજરાત રાજ્યમાં બે મોટા શહેરોમાં હજારો દર્દીઓના જીવનનો સહારો બની હોસ્પિટલોમાં જ માનવતા શરમાવે અને તબીબી જગત સામે ગંભીર સવાલો ઊભા કરતી આઘાતજનક ઘટનાઓ સામે આવી છે. પ્રથમ કિસ્સો રાજકોટ સિવિલ હોસ્પિટલનો છે, જ્યાં હોસ્પિટલના સ્ટાફે દર્દીને બહાર ફેંકી દીધો હોવાના આરોપો સાથે ફોટા-વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. આવી જ રીતે સુરતમાં કડોદરાની ખાનગી હોસ્પિટલમાં જીવતા માણસને મૃત સમજી તેના પર કફન ચઢાવી સાઈડમાં મુકી દીધો હોવાના આરોપો ઉછળી રહ્યા છે, ત્યારે હોસ્પિટલ તંત્રની આ ગંભીર બેદરકારીને પગલે સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ: દર્દીને બહાર ફેંકી દેવાતા ચકચાર

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાંથી દર્દી સાથે અત્યંત અમાનવીય વ્યવહાર કરવામાં આવતો હોવાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયા છે. વાયરલ થયેલા આ ફોટામાં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ દ્વારા એક લાચાર દર્દીને સિવિલ હોસ્પિટલની બહાર ફેંકી દેવામાં આવ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલના આ ક્રૂર વલણ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
આ ગંભીર મામલો ગરમાતા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ મોનાલી માકડીયાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસ મુજબ જે તે વ્યક્તિ છેલ્લા બે-ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આંટાફેરા કરતો હતો. જોકે આ વાત ખરી છે કે નહીં એ બીજી વાત છે, પરંતુ દર્દી સાથે આવી રીતે દુરવ્યવહાર કેટલો યોગ્ય કહેવાય? તેવા સવાલો ઉભા થયા છે, ત્યારે સમગ્ર મામલે હોસ્પિટલના સીસીટીવી (CCTV) ફૂટેજ તેમજ જે તે વિભાગમાં ફરજ બજાવનારા કર્મચારીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી, તપાસમાં જો કોઈ કર્મચારી કસુરવાર જણાશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. તેવી બાહેંધરી હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટે આપી છે.

કડોદરાની સંજીવની હોસ્પિટલ: જીવતા યુવકને કફન ઓઢાડી સાઇડમાં મૂકી દીધો!

બીજી તરફ, સુરત કડોદરાની સંજીવની હોસ્પિટલ પણ એક શરમજનક વિવાદમાં સપડાઈ છે. પીપોદરા વિસ્તારમાં કરંટ લાગ્યા બાદ એક યુવકને તાત્કાલિક સારવાર માટે સંજીવની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં યુવકના પરિવારજનોએ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે ગંભીર અને ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, યુવકના શ્વાસ ચાલુ હોવા છતાં ડોક્ટરોએ તેની યોગ્ય સારવાર કરવાને બદલે જીવતા યુવકને કફન ઓઢાડીને એક સાઇડમાં મૂકી દીધો હતો!
હોસ્પિટલની આ ઘોર બેદરકારી જોઈને પરિવારજનોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો અને ભારે આક્રોશ સાથે તેઓએ યુવકને તાત્કાલિક સંજીવની હોસ્પિટલમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પરિવારે પોતાની વ્યવસ્થા કરીને વધુ અને તાકીદની સારવાર માટે યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટનાને લઈને મૃતકપ્રાય સ્થિતિમાં મુકાયેલા યુવકના પરિવારજનોમાં સંજીવની હોસ્પિટલ સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલ હોસ્પિટલોમાં આ ઘોર બેદરકારીના કિસ્સા સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલે ઉચ્ચ તપાસની માંગ ઉઠી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!