મહેસાણા
Trending

અંધારામાં ટોર્ચનો પ્રકાશ ફેંક્યો ને સીધી પેટમાં ગોળી મારી! મિયાસણાની સીમમાં ખેડૂત પ્રૌઢ પર અજાણ્યા શખ્સોનું ફાયરિંગ

કનુજી કંઈ સમજે તે પહેલાં જ હુમલાખોરોએ બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું, જેમાં ગોળી સીધી તેમના પેટમાં વાગતાં તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. તેમણે તાત્કાલિક પોતાના મિત્રને ઘટનાની જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા.
મહેસાણા: જિલ્લાના ખેરાલુ તાલુકામાં રાત્રિના સમયે ગોળીબારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મિયાસણા ગામની સીમમાંથી પસાર થઈ રહેલા એક ખેડૂત પ્રૌઢ પર અજાણ્યા હુમલાખોરોએ અચાનક ફાયરિંગ કરી દીધું હતું. પેટના ભાગે ગોળી વાગવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રૌઢને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ખેરાલુ પોલીસે ગંભીર ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

              

મૂળ નંદાલી ગામના વતની કનુજી ઉર્ફે કનકસિંહ પરમાર રાત્રિના સમયે જમીને મિયાસણા ગામે પોતાના મિત્રોને મળવા અને પૈસાની ઉઘરાણી અર્થે નીકળ્યા હતા. આ દરમિયાન મિયાસણા ગામની સીમમાં કૌટુંબિક ભાઈના ખેતર પાસેથી પસાર થતી વખતે સામેથી આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના પર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો હતો.
કનુજી કંઈ સમજે તે પહેલાં જ હુમલાખોરોએ બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું, જેમાં ગોળી સીધી તેમના પેટમાં વાગતાં તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. ગોળી વાગ્યા બાદ પણ ગંભીર રીતે ઘવાયેલા કનુજીએ હિંમત ન હારી અને તાત્કાલિક ફોન કરીને પોતાના મિત્ર તથા પુત્રને ઘટનાની જાણ કરી હતી.
બનાવની જાણ થતાં જ મિત્રો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને પ્રથમ વડનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની નાજુક સ્થિતિને જોતાં વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમનું ઓપરેશન કરીને સારવાર ચાલુ રાખવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સીમ વિસ્તારમાં દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે બે શંકાસ્પદ શખ્સોને અટકાયતમાં લઈ ઊંડાણપૂર્વક પૂછપરછ શરુ કરી છે. આ ફાયરિંગ પાછળ અંગત અદાવત હતી, લૂંટનો ઈરાદો હતો કે પછી કોઈ અન્ય કારણ, તે અંગે મહેસાણા Dy.SP મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!