
ધાનેરા નજીક વીંછીવાડીમાં પોલીસે 41 પ્રોહિબિશન કેસમાં જપ્ત 33710 દારૂ બોટલ રોડ રોલરથી નાશ કરી છે. અંદાજીત રૂપિયા 1.65 કરોડનો મુદ્દામાલ નષ્ટ કરાયો છે. અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી આ કાર્યવાહી થઈ છે.

મળતી માહિતી મુજબ, ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના મુદામાલનો કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામ ખાતે હાથ ધરવામાં આવી હતી. વિવિધ ગુનામાં પકડાયેલ દારૂ અને બિયરના બોટલ ઉપર રોડ રોલર ફરી વળ્યું હતું અને દારૂની નદીઓ વહી હતી વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નિયત પ્રક્રિયા મુજબ સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

સ્થળ પર ઊંડો ખાડો ખોદી તેમાં જપ્ત કરાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ અવશેષોને ખાડામાં પૂરી સ્થળને સુરક્ષિત રીતે બંધ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ 41 પ્રોહિબિશન ગુનાઓના મુદામાલનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 33,710 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા મુદામાલની કુલ અંદાજિત કિંમત રૂ. 1,65,59,571/- હોવાનું જણાવાયું હતું.

આ કાર્યવાહી દરમિયાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધાનેરા કે. એચ. વાઘેલા, DYSP ડો. જે. જે. ગામીત, નશાબંધી અધિકારી પી. જી. ચૌધરી તેમજ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ. ડી. ચૌધરીની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.ધાનેરા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ગેરકાયદે દારૂના વેપાર સામે કડક સંદેશરૂપ બની છે અને ભવિષ્યમાં પણ પ્રોહિબિશન કાયદાના અસરકારક અમલ માટે આવી કામગીરી યથાવત રાખવામાં આવશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ દારૂબંધી લાગુ છે. છતાં કરોડો રુપિયાનો દારૂ પકડાયો હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે, ક્યાંક વાહન ચેકીંગ દરમિયાન તો ક્યાંક સ્થાનિક પોલીસની સતર્કતાથી દારૂ પકડાતો હોય છે. જ્યારે કેટલાક કિસ્સામાં તો સ્થાનિક પોલીસની નિષ્ક્રયતાને કારણે SMC(સ્ટેટ મોનિગરિંગ સેલ) અચાનક રેડની કાર્યવાહી કરી કરોડો રુપિયાનો વિદેશી દારૂ પકડી પાડે છે. એક રીતે જોતા પોલીસ દારૂ પકડી પાડે એ સારી બાબત છે, પરંતુ દારૂબંધી હોવા છતાં આટલો મોટી માત્રામાં દારૂ રાજ્યની સરહદમાં ધૂસ્યો કરી રીતે તેવા પોલીસ સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં રાજકોટ રેન્જ આઇજીની ટીમે ધ્રાંગધ્રા હાઈવે પર કાર્પેટની આડમાં વિદેશી દારૂની હેરફેર ઝડપી પાડી છે. સોલડી ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે શખ્સ ને ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી વિદેશી દારૂ અને બિયરના ટીન સહિત કુલ 9792 બોટલો તેમજ ટ્રક સહિત રૂપિયા 28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી કચ્છમાં લઈ જવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજીની ટીમ વારંવાર દારૂ, ખનીજ સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.



