Uncategorized
Trending
સુરત: યુવક ત્રણ કલાક થાંભલો પકડીને મોત સામે ઝઝૂમ્યો, બાઈક પાણીમાં વહી ગયું; મોબાઈલે જીવ બચાવ્યો

સુરતના ભરથાણા આઉટ ઓફ રિંગ રોડ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીમાં એક યુવક સાંજે અંદાજે 5:30 વાગ્યાથી ફસાઈ ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેની બાઈક અને બેગ બંને તણાઈ ગયા હતા. પોતાનો જીવ બચાવવા માટે યુવકે રોડની બાજુમાં આવેલી ફેન્સિંગના થાંભલાને પકડી રાખ્યો હતો.
સુરત: સુરત શહેરમાં વરસાદે કાળોકેર વર્તાવ્યો છે. 24 કલાકમાં અમુક વિસ્તારોમાં 19 ઇંચ સુધી વરસાદ ખાબકતા તેમજ ખાડીનું પાણી ઘૂસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આ દરમિયાન તંત્રએ ઘરો અને અન્ય જગ્યાએ વરસાદી પાણીમાં ફસાયેલા અનેક લોકોનું રેસ્ક્યૂ પણ કર્યું છે. સુરતમાં આવી જ રીતે પૂરના પાણીમાં ફસાયેલા એક યુવકને આર.ડી. ગ્રુપ સેવા ટ્રસ્ટ દ્વારા બચાવવામાં આવ્યો છે. આ યુવક સતત ત્રણ કલાક સુધી મોત સામે ઝઝૂમ્યો હતો. યુવકની હિંમત અને સેવા ટ્રસ્ટની મહેનત બાદ યુવકનો જીવ બચી ગયો છે.

યુવક ત્રણ કલાક મોત સામે ઝઝૂમ્યો – સુરતના ભરથાણા આઉટ ઓફ રિંગ રોડ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીમાં એક યુવક સાંજે અંદાજે 5:30 વાગ્યાથી ફસાઈ ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેની બાઈક અને બેગ બંને તણાઈ ગયા હતા. પોતાનો જીવ બચાવવા માટે યુવકે રોડની બાજુમાં આવેલી ફેન્સિંગના થાંભલાને પકડી રાખ્યો હતો. આ દરમિયાન અંધારું થઈ ગયું હતું. જોકે, યુવકે કોઈની નજર પોતાના પર પડે તે માટે પોતાની પાસે રહેલા મોબાઈલની ટોર્ચ એટલે કે ફ્લેશલાઇટ ચાલું રાખી હતી.

મદદ માટે પોલીસ-ફાયર બ્રિગેડને કોલ કર્યો – આ દરમિયાન યુવકે પોતે ફસાયો હોવાની અને મદદની જરૂર હોવાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને પણ કરી હતી. જોકે, સુરતમાં આભ ફાડ્યાં જેવી સ્થિતિ નિર્માણ પામી હોવાથી આ બંને તરફથી તાત્કાલિક મદદ પહોંચી શકી ન હતી. પરંતુ એક સેવા ટ્રસ્ટને આ અંગેની જાણ થતાં તેમણે તાત્કાલિક ત્યાં પહોંચીને યુવકને બચાવી લીધો હતો.

રેસ્ક્યૂ ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે મોબાઈલની ફ્લેશ લાઇટ જોઈ હતી. થોડા નજીક જતા યુવક થાંભલાના સહારે ઊભો હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ યુવકને દોરીની મદદથી ખેંચી લેવામાં આવ્યો હતો અને બાદમાં તેને ટ્રેક્ટરની મદદથી સહિસલામત બહાર કાઢવામાં આવ્યો હતો.

સુરતમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ – મંગળવારે સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે લગભગ આખું શહેર પાણીમાં ગરક થઈ ગયું હતું. શહેરના મોટાભાગના રોડ અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમુક વિસ્તારોમાં 19 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે શહેરમાં 3 NDRF અને 4 SDRFની ટીમ ફાળવવામાં આવી છે. શહેરના ઉધના, લિંબાયત, સચિન વિસ્તારમાં પાણી ભરાયા છે. પર્વત ગામ અને વરાછા વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ દરમિયાન 3400 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં વરસાદને પગલે નવ લોકોનાં મોત થયા છે, તેમજ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સુરતમાં એનડીઆરએફની ટીમ દેવદૂત બની – સુરતમાં ભારે વરસાદ બાદ લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે મંગળવારે NDRFની ટીમ લોકો માટે દેવદૂત બની હતી. NDRFની 6 ટીમે સુરતના મીઠીખાડી અને સાવલી ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. મીઠીખાડીમાંથી 190 નાગરિકો તેમજ એક પાલતુ બિલાડી અને એક પાલતુ શ્વાનનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાવલી ગામમાંથી 140 નાગરિકોને બચાવવામાં આવ્યા હતા. ટીમે કુલ 330 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.




