Uncategorized
Trending
પુણેના સિયા-કેતન જેવો જ કિસ્સો ગુજરાતના પાટણમાં! પતિએ મિત્ર સાથે મળી પત્નીને કેનાલમાં ધક્કો મારી દીધો

પાટણ હારિજના ગોવના ગામમાં પતિએ અનૈતિક સંબંધો માટે મિત્ર સાથે મળી પત્નીને નર્મદા કેનાલમાં ફેંકી હત્યા કરી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા.

શું છે આખો કેસ?બનાવની મળતી વિગતો અનુસાર, પાટણ-હારીજના ગોવના ગામેથી સંબંધોને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે, જેમાં પ્રેમમાં અંધ બનેલા એક પતિએ મિત્ર સાથે મળી પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. કહેવાય છે ને કે પાપ ગમે તેટલું છુપાવો, એક દિવસ બહાર આવી જ જાય છે. આ કિસ્સામાં પણ એવું જ બન્યું. અનૈતિક સંબંધો આડે આવતી પત્નીનો કાંટો કાઢવા માટે પતિએ પોતાના મિત્ર સાથે મળીને પત્નીને જીવતી જ નર્મદા કેનાલમાં ફેંકી દીધી! પણ કહેવાય છે ને કે કુદરતના ચોપડે બધો હિસાબ હોય છે. પત્નીની હત્યા કર્યા બાદ પાપનો ઘડો ભરાતા પતિએ પોતે જ સાળા રતાજી ઠાકોર સામે પોતે કરેલ ગુનો કબૂલ્યો. હત્યારા બનેવીના મુખે બહેનની હત્યાનો કાંડ સાંભળતા જ રતાજી ઠાકોરના પગ નીચેથી જમીન સરકી ગઈ અને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા હવે બંને હત્યારાઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

પાટણ જિલ્લાના સમી તાલુકાના વાવલ ગામના વતની અને હાલ હારીજ તાલુકાના ગોવના ગામે ખેત મજૂરી કરી રહેતા ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. ગોવના ગામમાં રહેતા સકતાજી ઠાકોર નામના શખ્સ (પોતે પરણિત હોવા છતાં)ને છેલ્લા દોઢ વર્ષથી અન્ય કોઈ મહિલા સાથે અનૈતિક સંબંધો ચાલી રહ્યા હતા. આ ગેરકાયદેસર પ્રેમ સંબંધની જાણ જ્યારે તેની પત્ની મંજુલાબેન ઠાકોરને થઈ, ત્યારે ઘરમાં રોજ-રોજ કંકાસ શરૂ થયો. પત્ની વારંવાર પતિના આ આડા સંબંધોનો વિરોધ કરતી હતી. બસ, આ રોજ રોજના ઝઘડાથી છુટકારો મેળવવા અને પોતાના અંધ પ્રેમને પામવા માટે પતિ સકતાજીએ પતિ-પત્નીના પવિત્ર સંબંધનો અંત લાવવા એક ભયાનક પ્લાન ઘડી કાઢ્યો હતો.

પ્રિ-પ્લાનિંગ મુજબ, સકતાજી ઠાકોરે પોતાની પત્ની મંજુલાબેનને રસ્તામાંથી હટાવવા માટે પોતાના મિત્ર કિશનજી ઠાકોરનો સંપર્ક કર્યો હતો. બંને મિત્રોએ ભેગા મળીને મંજુલાબેનની કરપીણ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું. એક દિવસ તક જોઈને સકતાજી અને કિશનજી મંજુલાબેનને ગોવના ગામથી નજીક આવેલ ચંદ્રુમાણા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ નજીક લઈ ગયા. ત્યાં કોઈ કશું સમજે તે પહેલાં જ બંને નરાધમોએ મંજુલાબેનના હાથ-પગ પકડી લીધા અને જીવતી જ ધસમસતા પાણીના પ્રવાહમાં ફેંકી દીધી. મંજુલાબેન જીવ બચાવવા કરગરી રહ્યા હતા, પણ પથ્થર હૃદયના પતિને જરાય દયા ન આવી અને પાણીમાં ડૂબી જવાથી મંજુલાબેનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતો.

સકતાજી ઠાકોરે પોતાની જ પત્નીને મોતના ઘાટ ઉતાર્યા બાદ પતિ કાયદાની પકડમાંથી બચવા માટે અવનવા ગતકડાં વિચારી રહ્યો હતો, પરંતુ પાપ છાપરે ચડીને પોકારે છે તેમ સકતાજીએ ભય અથવા પસ્તાવાને કારણે સમગ્ર હકીકતની જાણ પોતાના જ સાળા રતાજી ઠાકોરને કરી દીધી હતી. બહેનની હત્યાની વાત સાંભળતા જ સાળાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં રતાજી ઠાકોરે સહેજ પણ મોડું કર્યા વગર તાત્કાલિક સમી પોલીસ સ્ટેશન દોડી જઈ બનેવી સકતાજી અને તેના મિત્ર કિશન વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ લાલ આંખ કરીને ગણતરીના દિવસોમાં જ બંને હત્યારા દોષિતોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રના પુણેમાં હાઈપ્રોફાઈલ બિઝનેસમેન કેતન અગ્રવાલને સગાઈના થોડા દિવસોમાં જ તેની મંગેતર સિયાએ પ્રેમ પ્રકરણમાં પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધો છે. સિયાએ ગત 18 જૂનના રોજ મંગેતર કેતનને ટ્રેકિંગના બહાને લોહગઢ કિલ્લા પર લઈ જઈ પ્રેમી ચેતનની મદદથી 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો. આવી જ રીતે ગુજરાતના પાટણમાં પણ પ્રેમ-પ્રકરણમાં પતિ દ્વારા પત્નીની હત્યાનો કિસ્સો હાલ ચારેય બાજુ હડકંપ મચાવી રહ્યો છે. પ્રેમ આંધળો હોય છે એવું આપણે સાંભળ્યું છે, પણ અનૈતિક સંબંધો માણસને કઈ હદે રાક્ષસ બનાવી દે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. જે પત્ની સાથે સાત ફેરા ફર્યા હતા, તેના જ હાથ-પગ પકડીને કેનાલમાં ફેંકી દેતા આ પાપી પતિનો હાથ જરાય ન ધ્રૂજ્યો. જોકે હાલ તો સમી પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા છે અને બંનેના બે દિવસના રિમાન્ડ પર છે પરંતુ આ ઘટનાએ સમગ્ર પાટણ જિલ્લામાં અરેરાટી વ્યાપી દીધી છે.


