Uncategorized
હસતાં હસતાં આ શાતિર મહિલાએ કરી દોઢ કરોડની ચોરી! સીસીટીવીમાં કરતૂત કરતાં ઝડપાઈ

અમદાવાદની લૂંટના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, શાતિર મહિલા અન્ય કર્મીઓ સાથે હસતાં હસતાં વાતો કરે છે. તે પોતાનું રોજનું કામ કરતાં કરતાં જ આ ઘરેણાંઓ પોતાના કોટના ખિસ્સામાં મૂકતી દેખાય છે.
અમદાવાદ: નિકોલ વિસ્તારમાં આવેલા એક જાણીતા જ્વેલરી શોરૂમમાંથી આશરે દોઢ કરોડ રૂપિયાથી વધુ કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ અંગેની નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે, આ મસમોટી લૂંટ અન્ય કોઈ નહીં પરંતુ તેમના સ્ટાફના જ એક મહિલા કર્મીએ કરી છે. મહિલા જ્વેલરીની દુકાનમાં જ હાથફેરો કરતી હોય તેવું સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે.

શહેરના નિકોલના અનમોલ સર્કલ નજીક ગ્રેવીટી શોપિંગ મોલમાં આવેલા આભૂષણ સોના-ચાંદીના શોરૂમ ચલાવતા દર્શન જવાહરલાલ શાહે આ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, મહિલા કર્મચારી દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ શોરૂમમાં કુલ 19 જેટલા કર્મચારીઓ કાર્યરત છે.

આ ચોંકાવનારી લૂંટના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, શાતિર મહિલા અન્ય કર્મીઓ સાથે હસતાં હસતાં વાતો કરે છે. તે પોતાનું રોજનું કામ કરતાં કરતાં જ આ ઘરેણાંઓ પોતાના કોટના ખિસ્સામાં મૂકતી દેખાય છે. આ મહિલા ચોરી કરતી હશે ત્યારે તેની પાસેના કર્મચારીઓને પણ આ અંગેની જાણ થઈ ન હતી. ચાલાક મહિલા હસતાં હસતાં, વાતો કરતાં પોતાનું કામ પણ કરી રહી છે અને ચોરી પણ કરી રહી છે.

વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 11 મે 2026ના રોજ રાબેતા મુજબ શોરૂમ ખુલ્યો હતો અને સાંજે લગભગ પાંચ વાગ્યે તેઓ શોરૂમ પરત ફર્યા ત્યારે એક ગ્રાહકને દાગીના બતાવવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન સ્ટાફના કાનજીભાઈએ ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ગુમ હોવાનું ધ્યાન દોર્યું હતું. ગ્રાહક જતાં રહ્યા બાદ વધુ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન માર્કેટિંગ અને સેલ્સ વિભાગમાં કામ કરતી હર્ષિદાબેન રાજેન્દ્રભાઈ શેટ્ટી શોરૂમમાં હાજર ન હોવાનું સામે આવ્યું હતું. સ્ટાફે જણાવ્યું કે, તેઓ કોઈ ઇમરજન્સી કામ હોવાનું કહીને બહાર ગયા હતા. જોકે માલિકે તેમને કોઈ રજા આપી નહોતી. શંકા જતાં શોરૂમના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં હર્ષિદાબેન કબાટમાંથી સોનાના દાગીના કાઢીને પોતાના કપડાંના ખિસ્સામાં અને બેગમાં મૂકતા દેખાયા હતા.

ત્યારબાદ આ મહિલા શોરૂમમાંથી બહાર નીકળતા પણ કેમેરામાં કેદ થયા હતા. માલિકે તેમના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. બાદમાં શોરૂમમાં રાખેલા અન્ય દાગીનાની ગણતરી કરતા કુલ 1211 ગ્રામથી વધુ વજનના સોનાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે શો રૂમ માલિકે ચોરીમાં ગયેલા દાગીનામાં સોનાની ચેઇન, લકી, વીંટીઓ, મંગળસૂત્ર, પેન્ડલ અને સોનાની ઘડિયાળ સહિતના દાગીના મહિલા કર્મચારીએ ચોરી કર્યાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ચોરી થયેલા સોનાના દાગીનાની અંદાજીત કિંમત રૂ. 1.66 કરોડ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ નિકોલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


