Uncategorized
Trending

ઓશિયા મોલના સંચાલકો સામે અંતે CIDમાં ફરિયાદ: કરોડોની છેતરપીંડી આચારી ચોપરા દંપતી વિદેશ ભાગી ગયાની અટકળો

ઓશિયા મોલના સંચાલકો સામે કરોડોની છેતરપિંડીનો આરોપ. CID પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ચોપરા દંપતી વિદેશ ભાગી ગયા હોવાની અટકળો.

અમદાવાદ: અમદાવાદ સહિત દેશભરમાં જાણીતા ઓશિયા મોલ(Osia Mall Ahmedabad)ના સંચાલકો દ્વારા કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પાછલા એક વર્ષથી ઓશિયા મોલના સંચાલકોએ વિવિધ વેપારીઓ પાસેથી માલ ખરીદી પૈસા ન આપવાનો વિવાદ ચાલી રહ્યો હતો. જે મામલે આખરે CID પોલીસ સ્ટેશનમાં સંચાલક સહિત પર્ચેસ મેનેજરની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે મોલના સંચાલકો વિદેશ ભાગી ગયા હોવાની અટકળો સામે આવી છે.
અમદાવાદ ગુજરાત અને દેશભરમાં વિવિધ પ્રકારની ઘરેલું ચીજ વસ્તુઓની એક જ સ્થાન પરથી ખરીદી માટે જાણીતા ઓશિયા હાઇપર રીટેલ લિમિટેડ, એટલે કે ઓશિયા મોલના સંચાલકો વિવાદમાં સપડાયા છે. મોલના સંચાલકો સામે આરોપ છે કે હોલસેલના વેપારીઓ પાસેથી માલ ખરીદીને પૈસાની ચુકવણી નથી કરી. વેપારીઓ તેમની પાસેથી પૈસા માંગતા રહ્યા પરંતુ પૈસા ન મળવાના કારણે આખરે ભોગ બનનાર વેપારીઓએ પોલીસનો સહારો લેવો પડ્યો છે
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ અમદાવાદના એક વેપારી વિવેક અગ્રવાલે અંતે સીઆઈડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે CID ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદી વિવેક અગ્રવાલે ફરિયાદ કર્યા પ્રમાણે 12 જેટલા હોલસેલ વેપારીઓ પાસેથી આરોપીઓએ 2014થી ઓક્ટોબર 2025 સુધીના સમયગાળા દરમિયાન વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો હતો. શહેરના વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં માલ ખરીદીને રૂપિયા 4.73 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી છે
પોલીસ ફરિયાદ મુજબ, ઓશિયા મોલના સંચાલકોએ શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવીને ભરોસો જીત્યા બાદ, આરોપીઓએ પોતાના સ્ટાફ મારફતે મોટા જથ્થામાં માલ મંગાવ્યો હતો. માલના બદલામાં આરોપીઓએ બેંકના ચેકો આપ્યા હતા. ખાતામાં પૂરતું બેલેન્સ નથી તે જાણવા છતાં ચેક આપીને વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો, અને આખરે તે ચેકો રિટર્ન, એટલે કે બાઉન્સ થયા હતા.
ઓશિયા મોલના સંચાલક ધીરેન્દ્ર ચોપરા પર આરોપ છે કે વેપારીઓ પાસેથી લીધેલો માલ મોલમાં વેચીને તેમાંથી મળેલા નાણાં વડે પોતાના અને પરિવારના નામે મિલકતો ખરીદી કરી છે. જ્યારે ફરિયાદીએ પોતાના બાકી નાણાંની ઉઘરાણી કરી, ત્યારે આરોપીઓએ પ્રોપર્ટી લખી આપવાના ખોટા વાયદા કરીને સમય પસાર કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા.
હાલ ફરિયાદી વિવેક અગ્રવાલ સહિત 10-12 વેપારીઓએ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે મુખ્ય આરોપી ધીરેન્દ્ર ચોપરા અને તેમના પત્ની કવિતા ચોપરા વિદેશ ભાગી ગયા છે. ત્યારે બધા વેપારીઓએ એક થઈ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ અંતે સીઆઈડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે પણ આ મામલાને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!