Uncategorized
Trending
રાક્ષસી બોયફ્રેન્ડે દબાણ કરી ગર્લફ્રેન્ડની સાથળ પર કાતરથી ‘K’ કોતરાવ્યો, વીડિયો કોલમાં કપડાં ઉતરાવી સ્ક્રીન રેકોર્ડ કરી બ્લેકમેલ કરી

અમદાવાદના બોપલમાં એક રાક્ષસી બોયફ્રેન્ડની હેવાનિયત સામે આવી છે. જેણે પહેલા પોતાની ગર્લફ્રેન્ડને કાતર વડે પોતાના નામનો પહેલો અક્ષર સાથળ પર કોતરાવવા દબાણ કર્યું, આટલેથી મન ના ભરાતા વીડિયો કોલમાં કપડાં ઉતરાવી સ્ક્રીન રેકોર્ડ કરી બ્લેકમેલ કર્યું.
ઇન્સ્ટાગ્રામ આઇડી મેળવી બ્લેકમેઇલિંગનો ખેલ શરૂ કર્યો
ઘટનાની વિગત મુજબ, આરોપી બોયફ્રેન્ડે પોતાનું ઇન્સ્ટાગ્રામ બરાબર ચાલતું ન હોવાનું બહાનું બતાવી વિદ્યાર્થિની પાસે તેનું આઇડી અને પાસવર્ડ મેળવી લીધા હતા. ત્યારબાદ આરોપીએ ગર્લફ્રેન્ડના એકાઉન્ટમાંથી ડેટા ટ્રાન્સફર સહિતની શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરી હતી, જે અંગે વિદ્યાર્થિનીને ઇ-મેઇલ મારફતે જાણ થઈ હતી. વિદ્યાર્થિનીએ આ અંગે પૂછપરછ કરતાં આરોપીએ અસલી રૂપ બતાવી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.
સાથળ પર કાતરથી ‘K’ અક્ષરનો કટ મારવા મજબૂર કરી
આરોપીની વિકૃતિ આટલેથી અટકી નહોતી. તેણે વીડિયો કોલ દરમિયાન ગર્લફ્રેન્ડ પર દબાણ કરીને પોતાની સાથળના ભાગે કાતરથી પોતાના નામના પ્રથમ અક્ષર ‘K’ આકારનો કટ મારવા મજબૂર કરી હતી. ગભરાયેલી વિદ્યાર્થિનીએ લોહીલુહાણ હાલતમાં કટ માર્યો હતો. ઈજા થઈ હોવા છતાં, રાક્ષસી મનોવૃત્તિ ધરાવતા આરોપીએ ચાલુ વીડિયો કોલમાં તેના કપડાં ઉતરાવી સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ન્યૂડ વીડિયો બનાવી લીધો હતો.
રૂ. 10 હજારની ખંડણી અને સોશિયલ મીડિયા પર બદનામી
અશ્લીલ વીડિયો બનાવ્યા બાદ આરોપીએ તેને વાયરલ ન કરવા માટે રૂ. 10,000ની માંગણી કરી હતી. ડરના માર્યા પીડિતાએ રૂ. 4,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ બાકીના નાણાં માટે આરોપીએ ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં, આરોપીએ વિદ્યાર્થિનીનો બ્લર ચહેરાવાળો ફોટો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી તરીકે મૂકી બિભત્સ લખાણ લખી તેને બદનામ કરી હતી અને કટ વધુ ઊંડો કરવા અથવા પૂરા પૈસા આપવા દબાણ કર્યું હતું.
મિત્રો અને શિક્ષિકાની મદદથી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
આ સતત માનસિક ત્રાસ અંગે જ્યારે વિદ્યાર્થિનીના મિત્રો અને કોલેજના શિક્ષિકાને જાણ થઈ, ત્યારે તેમણે તાત્કાલિક આરોપીને બ્લોક કરાવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીએ પોતાના ઘરે સમગ્ર હકીકત જણાવતાં પરિવારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બોપલ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.



