Uncategorized
Trending
સ્કૂલમાં 13 વર્ષના બાળકનું હાર્ટ-એટેકથી મોત! વોશરૂમમાં મળ્યો ધોરણ 7ના વિદ્યાર્થીનો મૃતદેહ

મેરઠની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક સ્કૂલમાં ધોરણ 7માં ભણતા 13 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત થયું છે. હેરાન કરનારી વાત તો એ છે કે, તેનો મૃતહેદ સ્કૂલના વોશરૂમમાંથી મળી આવ્યો હતો.
Student Death in school washroom: ઉત્તર પ્રદેશમાં મેરઠના મવાના સ્થિત બસંત વેલી પબ્લિક સ્કૂલમાં ધોરણ 7માં ભણતા 13 વર્ષના વિદ્યાર્થી કુણાલ શર્માનો મૃતદેહ સ્કૂલના વોશરૂમમાં મળ્યો હતો. રજા બાદ ઈ-રિક્ષા ચાલકે તેને શોધ્યો ત્યારે તે ત્યાં બેભાન હાલતમાં પડ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટ અને પરિવારજનો તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક રીતે હાર્ટ-એટેકના કારણે મોત થયું હોવાની આશંકા છે. જોકે મોતનું ચોક્કસ કારણ હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ થયું નથી. પરિવારજનોએ પોલીસ કાર્યવાહી કરવાનો ઈનકાર કર્યો છે.
રિક્ષા ડ્રાઈવરે કુણાલને વોશરૂમમાંથી શોધ્યો
આ મામલો મેરઠના મવાના પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત બસંત વેલી પબ્લિક સ્કૂલનો છે. સોમવારે રોજની જેમ સ્કૂલમાં અભ્યાસ ચાલી રહ્યો હતો. ધોરણ 7માં ભણતો 13 વર્ષનો કુણાલ શર્મા પણ સવારે સ્કૂલ પહોંચ્યો હતો. કુણાલ મવાના વિસ્તારના કાબિલી ગેટ, કલાવડા રોડના રહેવાસી ધર્મેન્દ્ર શર્માનો પુત્ર હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર તે રોજની જેમ સોમવારે પણ સ્કૂલ ગયો હતો. સ્કૂલનો ટાઈમ પુરો થયા બાદ તેને ઈ-રિક્ષાથી ઘરે પરત ફરવાનું હતું. જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલ છૂટ્યા બાદ ઈ-રિક્ષા ચાલક અન્ય બાળકો સાથે કુણાલની પણ રાહ જોઈ રહ્યો હતો. બાળકો બહાર આવતા ગયા, પરંતુ ઘણો સમય વીત્યો છતાં કુણાલ સ્કૂલની બહાર ન આવ્યો. શરૂઆતમાં ચાલકને લાગ્યું કે કદાચ બાળક કોઈ કામથી સ્કૂલમાં રોકાઈ ગયો હશે. લગભગ 15 મિનિટ રાહ જોયા બાદ તેણે પોતે સ્કૂલની અંદર જઈને કુણાલની શોધખોળ હાથ ધરી હતી.
વોશરૂમમાં બેભાન હાલતમાં પડ્યો હતો કુણાલ
સ્કૂલ પરિસરમાં શોધખોળ દરમિયાન ઈ-રિક્ષા ચાલકની નજર વોશરૂમ તરફ ગઈ હતી. ત્યાં કુણાલ બેભાન હાલતમાં પડેલો મળ્યો હતો. બાળકને આવી હાલતમાં જોઈને સ્કૂલમાં અફરાતફરી મચી ગઈ હતી. શિક્ષકોને તેની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્કૂલ મેનેજમેન્ટ અને પરિવારજનો બાળકને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ ગયા હતા. તપાસ કર્યા બાદ ડૉક્ટરોએ કુણાલને મૃત જાહેર કર્યો હતો. 13 વર્ષના બાળકના મોતના સમાચાર પરિવારજનોને મળતાં જ ત્યાં ચીસાચીસ મચી ગઈ હતી. થોડા જ સમયમાં આસપાસના લોકો પણ પરિવારને સાંત્વના આપવા પહોંચવા લાગ્યા હતા.
મોતને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ
કુણાલનું મોત એટલું અચાનક થયું કે પરિવાર અને આસપાસના લોકો પણ સ્તબ્ધ છે. બાળક સ્કૂલ ગયો હતો, પરંતુ સ્કૂલ છૂટ્યા બાદ તેનો મૃતદેહ સ્કૂલના વોશરૂમમાં મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં તેના મોતને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પ્રાથમિક રીતે હાર્ટ-એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને પરિવાર તરફથી હાલમાં કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. પરિવારજનોએ પોલીસ કાર્યવાહી કરવાનો ઈનકાર કર્યો છે.
પોલીસે પણ મોતનું કારણ જણાવ્યું
મવાના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પંકજ લવાનિયાના જણાવ્યા અનુસાર, મવાના નિવાસી કુણાલ શર્મા, ધર્મેન્દ્ર શર્માનો પુત્ર હતો અને મવાના વેલી પબ્લિક સ્કૂલમાં ધોરણ 7માં ભણતો હતો. સ્કૂલમાં અચાનક હાર્ટ બીટની ગતિ બંધ થવાથી તેનું મોત થયું હોવાની માહિતી મળી છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનુસાર સ્કૂલ પ્રશાસન અને પરિવારજનો બાળકને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તરફથી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પરિવારની ફરિયાદ નોંધાવવાનો ઈનકાર
પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીના પરિવારજનોએ કોઈ ફરિયાદ આપવાનો ઈનકાર કર્યો છે. આવી સ્થિતિમાં હાલમાં આ મામલે કોઈ ગુનાહિત ઘટનાની પુષ્ટિ થઈ નથી. એક તરફ પરિવાર પોતાના 13 વર્ષના પુત્રના અચાનક મોતથી આઘાતમાં છે, તો બીજી તરફ સ્કૂલના વોશરૂમમાં વિદ્યાર્થી બેભાન હાલતમાં મળી આવવાની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. હવે મોતનું વાસ્તવિક કારણ શું હતું, તે તબીબી તપાસ અને પોલીસની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.



