Uncategorized
Trending
એવું તો શું થયું કે, 6 મહિના પહેલા અમેરિકાથી આવેલા દીકરાએ બાપને પતાવી દીધો; ગાંધીનગરના કલોલનો કિસ્સો

કલોલમાં પારિવારિક ઝઘડામાં પુત્ર કલ્પેશ દ્વારા પિતા કાંતિલાલ પ્રજાપતિની હત્યા. માતા સાથેના ઝઘડા બાદ પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી.
ગાંધીનગર: કલોલમાં પારિવારિક ઝઘડાએ કરુણ વળાંક લીધો છે. માતા સાથે થયેલા ઝઘડા અંગે પિતાને સમજાવવા પહોંચેલા પુત્ર સાથે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 60 વર્ષીય કાંતિલાલ પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાને પગલે કલોલ શહેર પોલીસે પુત્ર કલ્પેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, પૈસાની માગણીના મુદ્દે કાંતિલાલ પ્રજાપતિ અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કાંતિલાલે પત્નીને લાકડાના ધોકાથી માર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો. ત્યારબાદ માતાએ પોતાના 40 વર્ષીય પુત્ર કલ્પેશને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. માતાનો ફોન આવતા કલ્પેશ પિતાને સમજાવવા માટે ઘરે પહોંચ્યો હતો.
જોકે, પિતા અને પુત્ર વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. વિવાદ બાદ થયેલી મારામારીમાં કાંતિલાલ પ્રજાપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં કલોલ શહેર પોલીસ પણ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
સમગ્ર મામલે કલોલના DYSP આર. એમ. સરોદેએ જણાવ્યું હતું કે, પિતા-પુત્ર વચ્ચેનો વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો અને ઘટનામાં કાંતિલાલ પ્રજાપતિને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી પુત્ર કલ્પેશ આશરે છ મહિના પહેલાં જ અમેરિકા પરત આવ્યો હતો. માતાને માર મારવામાં આવ્યો હોવાની જાણ થતાં તે પિતાને સમજાવવા માટે ઘરે પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ બનેલી ઘટનામાં પિતાનું મોત થયું હતું.
કાંતિલાલ પ્રજાપતિના મોત બાદ કલોલ શહેર પોલીસે કલ્પેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાક્રમ, પિતા-પુત્ર વચ્ચે થયેલા વિવાદનું ચોક્કસ કારણ અને ઘટનાની પરિસ્થિતિ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પૈસાની માગણીથી શરૂ થયેલા પતિ-પત્નીના ઝઘડા બાદ પિતા-પુત્ર વચ્ચેની તકરારે આખરે એક પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે.




